ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ડ/ડાસ કાપિટાલ


ડાસ કાપિટાલ : સમાજમાં આર્થિક, સામાજિક અને રાજકારણવિષયક સંબંધોની વ્યવસ્થિત માંડણી કરતો અને આધુનિક સામ્યવાદ જેના પર આધારિત છે તે સઘળી વિચારસરણીઓને સમાવતો કાર્લમાર્ક્સનો સૈદ્ધાન્તિક અને વિવાદાસ્પદ ગ્રન્થ. એમાં કોઈ ફિલસૂફીનું તંત્ર નથી, પણ દ્વન્દ્વાત્મક ત્રણ ચરણ પર આર્થિક ઉત્પાદનનો સિદ્ધાન્ત પ્રતિપાદિત થયો છે. ઉત્પાદનમાં મૂકેલો શ્રમ જ ઉત્પાદનને એનું મૂલ્ય અર્પે છે, તેમ છતાં કામદારોને અલ્પતમ પહોંચી નફાના રૂપમાં મહત્તમ ભાગ મૂડીવાદી માળખામાં હડપ થઈ જતો હોય છે. આ તારવેલો વિચાર અધિશેષ મૂલ્ય કે અતિરિક્ત મૂલ્યનો છે. આનો ઇલાજ માર્ક્સને મતે ખાનગી મિલકતોની નાબૂદી અને વર્ગસંઘર્ષો દ્વારા હાંસિલ સામાજિક મૂડીનું સમાન વિતરણ છે. અહીં લખાણનો તર્ક અમૂર્ત વિચારોને તાત્કાલિક ઉગ્ર કાર્યમાં મૂકે છે તેથી માર્ક્સવાદીઓ આ ગ્રન્થને આધુનિક ‘ટેસ્ટામેન્ટ’ અને કામદારવર્ગનું ‘બાઇબલ’ ગણે છે. આધુનિક સાહિત્ય અને સાહિત્યચિંતન પર આ ગ્રન્થની અને માર્ક્સના સિદ્ધાંતોની ઘેરી છાપ પડેલી છે. ચં.ટો.