ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દત્તસંપ્રદાય


દત્તસંપ્રદાય : મહારાષ્ટ્રમાં પ્રવર્તતા પાંચ સંપ્રદાય – નાથ, મહાનુભાવ, વારકરી, આનંદ અને દત્તસંપ્રદાયમાં દત્તાત્રય જ સર્વોપરી છે. આગળ જતાં ઈસવીના પંદરમા શતકના પૂર્વાર્ધમાં મહારાષ્ટ્રના નરસિંહ સરસ્વતીએ દત્તસંપ્રદાય પ્રવર્તાવ્યો. એ દત્તાત્રયનો બીજો અવતાર અને એમની પહેલાં થયેલા પાદશ્રીવલ્લભ યતિ પહેલા અવતાર મનાય છે. નરસિંહ સરસ્વતીની મહાસમાધિના એક શતકમાં જ મહારાષ્ટ્રમાં દત્તોપાસના સર્વવ્યાપી થઈ. ઈસવીના સોળમા શતકમાં જનાર્દનસ્વામી, એકનાથ, દાસોપંત દ્વારા પરંપરા સમૃદ્ધ થઈ. દત્તાત્રેય પરમગુરુ હોઈ સર્વસાધના-પ્રણાલીમાં દત્તાત્રેયની પૂજ્યતા રૂઢ થઈ. કેટલાક સાધકોએ પ્રત્યક્ષ દત્તાત્રેય પાસેથી જ બોધ મેળવ્યાથી આ સંપ્રદાયમાં ગુરુશિષ્યની માનવી પરંપરાનું સાતત્ય રહ્યું નહિ અને સંપ્રદાયનું સંઘટિત સ્વરૂપ બંધાયું નહીં. છેલ્લાં પાંચસો વર્ષમાં દત્તસાક્ષાત્કારી સત્પુરુષોના નામની સ્વતંત્ર એવી સાંપ્રદાયિક પરંપરા રૂઢ છે. સગુણોપાસના, યોગમાર્ગની સહાય આદિથી અંતિમ ઉદ્દેશ પ્રાપ્ત થાય છે, એમ સાંપ્રદાયિક ગ્રન્થોમાં કહ્યું છે. ‘ગુરુચરિત્ર’ ગ્રન્થ વેદતુલ્ય ને સપ્તાહપારાયણયોગ્ય મનાય છે. ધ્યાન માટે દત્તાત્રેયના સગુણસ્વરૂપના સ્વીકાર સાથે પૂજોપચાર માટે પાદુકાને પ્રશસ્તિ માનવામાં આવી છે. નરસોબાવાડી ગાણગાપુર વગેરે દત્તક્ષેત્રોમાં આજેય પાદુકા પૂજાય છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત આદિમાં દત્તોપાસના હાલ પ્રવર્તે છે. ૧૯૧૪માં ગુજરાતમાં વાસુદેવાનંદ સરસ્વતી (ટેમ્બે) સમાધિસ્થ થયા પછી નારેશ્વરના શ્રીરંગઅવધૂત મહારાજ તથા ગુંજના શ્રી યોગાનંદ સરસ્વતી (ગાંડા મહારાજ) દ્વારા, પૂનાના શ્રી ગુણવણી મહારાજ વગેરે દ્વારા દત્તભક્તિ સંપ્રદાયનો પ્રસાર થયો. દે.જો.