ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દાદાવાદ


દાદાવાદ : ૧૯૧૬માં સ્વિટ્ઝર્લેન્ડમાં ત્રિસ્તાન ઝારા દ્વારા બૂર્ઝવા સમાજ, ધર્મ અને કળા સામે વિદ્રોહની વૃત્તિથી શરૂ થયેલું આંદોલન. ૧૯૧૯માં પારિસમાં દાદાજૂથ સંગઠિત બન્યું. ઘણા કવિઓ અને ચિત્રકારો એમાં ભળ્યા. તેમાં માર્સલ દુશાં, માઝ રે, હાન્સ આર્પ, આન્દ્ર બ્રેતોં, પૉલ એલાર્દ, લુઈ આરાગોં ઇત્યાદિ મહત્ત્વનાં નામો છે. ‘દાદા’ સંજ્ઞા પોતે અન્-અર્થક છે. એ અનિયમ, અઆદર્શ, અપરંપરા તથા સંપૂર્ણ સ્વાતંત્ર્ય અને જીવનની હેતુશૂન્યતાને આરાધે છે. એ દૃષ્ટિએ એનું જીવન પ્રત્યેનું વલણ નકારાત્મક છે. કવિતામાં અતર્કનો આશ્રય તથા ચિત્રો ને શિલ્પમાં કૉલાજ ટેક્નિકનો ઉપયોગ, ક્રૂર હાસ્ય અને કટાક્ષના કાકુ એમના સર્જનની પ્રધાન લાક્ષણિકતાઓ છે. દાદાવાદ અલ્પાયુષી નીવડ્યો, કારણકે એમાં બૂર્ઝવા મૂલ્યો ને જીવન સામે વિદ્રોહ હતો, એ મૂલ્યોનું ખંડન કરવાનો થનગનાટ હતો, પરંતુ મૂલ્યખંડન પછી નવાં મૂલ્યો આપવામાં એ નિષ્ફળ નીવડ્યો. ભલે દાદાવાદ અલ્પાયુષી હતો, પરંતુ આધુનિકતાવાદી આંદોલનને વેગ આપવામાં એનું ઘણું મોટું પ્રદાન છે. દાદાવાદની ખંડનાત્મક દૃષ્ટિને છોડી જીવન પ્રત્યે વિધાયક મૂલ્યોવાળી દૃષ્ટિવાળા પરાવાસ્તવવાદે દાદાજૂથને લગભગ વિખંડિત કરી નાખ્યું. જ.ગા.