ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દીર્ઘકાવ્ય


દીર્ઘકાવ્ય : ‘દીર્ઘકાવ્ય’ એ આખ્યાન, ખંડકાવ્ય, સોનેટ, હાઈકુ, ગીત, ગઝલ જેવી કોઈ સ્વરૂપલક્ષી સંજ્ઞા નથી. લાંબા કદનાં કાવ્યો જે ઉક્ત કોઈ સ્વરૂપમાં બંધ બેસતાં નથી તેમને સાદી સીધી રીતે ‘દીર્ઘકાવ્ય’ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. સૈદ્ધાંતિક ભૂમિકા પર રહીને દીર્ઘકાવ્યનું સ્પષ્ટ ચિત્ર મળતું ન હોવાથી એની કોઈ વિભાવના બંધાવા નથી પામી. સર્જકના ચિત્તમાં આવાં કાવ્યો રચવા પાછળ કોઈ ઉચ્ચ કોટિનો પરિપ્રેક્ષ્ય હોય એવું લાગે છે. સ્વરૂપની દૃષ્ટિએ દીર્ઘકાવ્યમાં દીર્ઘતાનું મહત્ત્વ વિશેષ લાગે. પણ દીર્ઘતા લાવવા ખાતર કવિ કાવ્ય નથી રચતો, પણ કલ્પનાશક્તિથી તેના ભાવવિશ્વને વ્યાપક ફલક પર મૂકી આપવા માટે દીર્ઘતા લાવે છે. તેના મનમાં વ્યાપક ભાવ રજૂ કરવાની મૂંઝવણ હોય છે. સમાજ કે વ્યક્તિના જીવનની મૂંઝવણ કે ગૂંચ કલાપૂર્ણતાથી કવિ રજૂ કરી આપે છે. અલબત્ત, એડગર એલન પૉ જેવાનો આત્યંતિક અભિગમ છે કે લાંબા ફલક પર કાવ્ય ઉત્કટતાની માત્રાને સળંગ જાળવી શકતું ન હોવાથી દીર્ઘકાવ્ય શક્ય જ નથી. ન.પં.