ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દૂતી



દૂતી : દૂતીનું સ્થાન સંસ્કૃત કાવ્યમીમાંસામાં શૃંગારરસના ઉદ્દીપન વિભાવ અંતર્ગત સ્વીકારાયેલું છે. કેટલાક આચાર્યો સખી અને દૂતી વચ્ચે ફેર કરતા નથી, પરંતુ ભાનુદત્તે દૂતી અને સખીમાં ભેદ સ્વીકાર્યો છે અને સખીથી સ્વતંત્ર દૂતીની વ્યાખ્યા કરી છે. જે દૂતીકાર્યમાં પારંગત હોય તે દૂતી. સંદેશપ્રેષણમાં પ્રવીણતા સાથે દૂતીનાં બે મહત્ત્વનાં કાર્ય દર્શાવ્યાં છે : નાયકનાયિકાને મેળવવા (સંઘટ્ટન) અને વિરહ નિવેદન કરી નાયકને ઉત્સુક કરવો. કુશળતા, ઉત્સાહ, ભક્તિ પરચિત્તજ્ઞાન, સ્મૃતિ, મધુરતા, નર્મનિપુણતા, વાર્તાલાપચાતુરી વગેરે દૂતીના ખાસ ગુણધર્મો છે. દૂતીના ત્રણ ભેદ કરવામાં આવ્યા છે. મધુરતાથી કામ લેનાર ઉત્તમ; મધુરતા અને પરુષતાથી કામ લેનાર મધ્યમા અને પરુષતાથી કામ લેનાર અધમા. આ ઉપરાંત કેટલાક દૂતીભેદ કરાયેલા છે. નાયકનાયિકાના મનને જાણી ચતુરતાથી કાર્ય કરનારી નિસૃષ્ટાષાર્થાદૂતી; માત્ર એક જ તરફની વાત સમજી કાર્ય કરનારી પરિમિતાર્થાદૂતી; માત્ર પત્ર પહોંચાડનાર પત્રહારી દૂતી; પોતે નાયકની પત્ની છે એવું કહીને અભીષ્ટ સિદ્ધ કરનારી મૂઢદૂતી; નાયકથી વશીભૂત થઈ નાયકની પત્ની સ્વયં દૂતીકૃત્ય કરે તે ભાર્યાદૂતી; કશું કહ્યા વિના જ નાયિકાને વશીભૂત કરે તે મૂકદૂતી અને ગૂઢ કે દ્વિઅર્થી વાણીથી પોતાનું ધ્યેય સિદ્ધ કરે તે વાતદૂતી. વળી, જે નાયિકા સ્વયં પોતાનું દૂતત્વ કરે તેને સ્વયંદૂતી તરીકે પણ ઓળખાવી છે. ચં.ટો.