ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાયણ્માર


નાયણ્માર : સાતમી સદીથી બૌદ્ધ અને જૈનધર્મના પ્રભાવને ખાળવા ત્યાગની સામે નૃત્ય અને નાટકનો ઉપયોગ કરી દેશમાં ભક્તિ આંદોલનનો પ્રસાર કરવા વૈષ્ણવ અને શૈવ પરંપરા ઊભી થઈ, એમાં આળવારો વૈષ્ણવ સંપ્રદાય સાથે, તો નાયણ્મારો શૈવસંપ્રદાય સાથે સંયુક્ત છે. દક્ષિણ ભારતમાં ચોલા, પંડ્યા અને પલ્લવ રાજાઓના સમય દરમ્યાન જ્યારે પ્રસિદ્ધ મન્દિરોએ આકાર લીધો ત્યારે આ સંપ્રદાયો ફાલ્યાફૂલ્યા. ઘણા નાયણ્મારો-શિવભક્તો-ઇતિહાસ સાથે સંકળાયેલા છે. કોઈ રાજાના મંત્રી કે કોઈ સૈન્યના અધિપતિ રહી ચૂક્યા છે. આ લોકોની આસપાસ ચમત્કારોની ઘણી દંતકથાઓ વીંટળાયેલી હોવા છતાં તેઓ ખરેખરી હસ્તીઓ હતા. એમની વાતો, એમના ચમત્કારો અને શિવભક્તિ આથી જ બારમી સદીના સેક્કિળારના ‘પેરિયાપુરાણમ’ની વિષયસામગ્રી બની છે. બારમી સદીના સેક્કિળારે ૬૩ નાયણ્મારોનાં પદોને ૧૨ તિરુમુરાઈમાં સમાવ્યાં છે. ૧૨મા તિરુમુરાઈમાં સેક્કિળારે પોતાનાં ‘પેરિયાપુરાણમ્’ને સ્થાન આપ્યું છે. તિરુમુરાઈઓમાં સમાવિષ્ટ રચનાઓ કાલાનુક્રમે નથી. સેક્કિળારે એને એકઠી કરીને વર્ગીકૃત સામગ્રી રૂપે મૂકી છે. કુલ ૧૨ તિરુમુરાઈઓમાંથી પહેલી ત્રણ તિરુમુરાઈમાં સાતમી સદીના મધ્યભાગમાં હયાત તિરુજ્ઞાનસંબંધના ચાર હજાર તેવારમ્ (પદો) છે. આ બાલ શિવભક્ત ૧૬ વર્ષ જ જીવેલા. આ પછીનાં ત્રણ તિરુમુરાઈમાં સાતમી સદીની શરૂના તિરુણાવુક્કરસારનાં ત્રણ હજાર તેવારમ્ છે. સાતમા તિરુમુરાઈમાં આઠમી સદીના અંતમાં થયેલા સુન્દરમૂર્તિના ૩૦૦૦ તેવારમ્ છે. આ રીતે શરૂના સાત તિરુમુરાઈના આ ત્રણ કવિઓના સાહિત્યને ‘દેવરમ્’ તરીકે ઓળખવામાં આવે છે. આઠમા તિરુમુરાઈમાં મણિક્કવચકરના તિરુવાચકમ્ અને તિરુકોવય્યાર નામક બે કૃતિઓ છે. સાધુ બન્યા પહેલાં પંડ્યાા રાજાના મંત્રી તરીકે રહેલા આ શિવભક્ત કવિ તરીકે સમર્થ છે. અને કદાચ સૌથી જૂના છે. નવમા તિરુમુરાઈમાં સુન્દરમૂર્તિ, સેન્દાન, કરુરથેવર અને એમ કુલ નવેક કવિઓ છે. દશમા તિરુમુરાઈમાં તમિળમાં સિદ્ધ સંપ્રદાયના પ્રણેતા ગણાતા તિરુમુલરનું ‘તિરુ મન્દિરમ્’ છે. મણિક્કવચકર અને દેવરમ્ના ત્રણ કવિઓની વચ્ચે ક્યાંક આ કવિનો સમય હોવો જોઈએ એવું અનુમાન કરાય છે. આ કવિ પણ તેજસ્વી છે. ૧૧મા તિરુમુરાઈમાં ઉત્તમ કક્ષાની એકમાત્ર શિવભક્ત નારીકવિ કારાઈક્કાલ અમય્યારની રચનાઓ છે. કુલ ૧૨ કવિઓની ૪૦ કૃતિઓ અહીં જડે છે. બારમા તિરુમુરાઈમાં તિરુમુરાઈઓનું વર્ગીકરણ કરનાર સેક્કિળારનું પોતાનું ‘પેરિયાપુરાણમ્’ છે. આ ‘પેરિયાપુરાણમ્’ શ્રદ્ધાળુઓ માટે જ નહીં પણ ગીત, નાટક અને સાહિત્યના વિવિધ પ્રકારોમાં કલાત્મક અભિવ્યક્તિ ઇચ્છનાર સૌ કોઈ માટે પ્રેરક છે. શિવ જ નહીં, પણ શિવભક્તો પરત્વે પણ ભક્તિ હોવાને કારણે તમિળજીવનમાં નાયણ્મારોનું અનોખું સ્થાન છે. ચં.ટો.