ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિર્ગુણ સંપ્રદાય


નિર્ગુણ સંપ્રદાય : નિર્ગુણ પરબ્રહ્મની ઉપાસના કરનારા લોકોનો વર્ગ, જે નિર્ગુનિયા, નિર્ગુણવાદી, સંતમત, સંતસંપ્રદાય, નિર્ગુણમાર્ગ, નિર્ગુણમત, નિર્ગુણપંથ તરીકે ઓળખાય છે. મુસલમાનો ભારતમાં સ્થાયી થયા બાદ ઇસ્લામના એકેશ્વરવાદને મળતી ઉપાસનાપદ્ધતિ શરૂ કરવાની ઇચ્છાથી સગુણોપાસનાથી ભિન્ન એવી નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કેટલાક લોકોએ સ્વીકારી. સ્વામી રામાનંદ અને તેમના ગુરુ રાઘવાનંદનાં કાવ્યોમાં એવી અનેક વાતો મળે છે કે જેમાં નિર્ગુણમતનાં બીજ જણાય છે. પણ મોટેભાગે એવી જ વાતો એમના પુરોગામી જયદેવ તથા નામદેવની પણ ઘણી પંક્તિઓમાં જણાય છે. નિર્ગુણપંથના સિદ્ધાંતો ઉપનિષદના તત્ત્વજ્ઞાન પર આધારિત હોઈ એમાં નવું કશું નથી. સૂફી સંપ્રદાયનો એના પર પ્રભાવ છે. સૂફી સંતોની અસરવાળા કબીરને આ પંથના પ્રવર્તક માનવામાં આવે છે. કબીરે નિર્ગુણ તરફી વલણ છતાં એનો આગવો સંપ્રદાય શરૂ નથી કર્યો. એમના પછી પણ એવો કોઈ સંપ્રદાય કોઈએ સ્થાપ્યો જણાયો નથી. પંદરમા સૈકાથી ભક્તિકાવ્યના સગુણ-નિર્ગુણ બે ભિન્ન કાવ્યપ્રવાહ શરૂ થતાં નિર્ગુણ કાવ્યની શુદ્ધ જ્ઞાનાશ્રયી, શુદ્ધ પ્રેમમાર્ગી એમ બે શાખાઓ નિર્માણ પામી. સંતકવિના ભક્તિગીતની જેમ સૂફીકવિની પ્રેમગાથામાં નિર્ગુણ ભક્તિભાવનાનું દર્શન થાય છે. બૌદ્ધપંથી સિદ્ધપુરુષ અને નાથપંથી યોગીઓનાં પદોનો પણ નિર્ગુણ કાવ્યો પર પ્રભાવ છે. એમ કહેવાયું છે કે સંપ્રદાય એ સંતમત નથી, તે એક વિચારસરણી છે. આશરે ૫૦૦ વર્ષ પહેલાં શરૂ થયેલો એ પ્રવાહ અદ્યાપિ ચાલુ છે. કબીર, નાનક, દાદૂ, દરિયા, ચરણદાસ, સહજોબાઈ, ગરીબદાસ, પલટૂદાસ, મલૂકદાસ વગેરે સંતોની કાવ્યરચનાઓમાં એ પ્રવાહ પુષ્ટ થયો. તેમણે એકેશ્વરવાદ પ્રબોધ્યો, દુષ્ટ આચારોનો નિષેધ, ભેદવૃત્તિનો વિરોધ કર્યો. કબીરના નિરાકારની ઉપાસનામાં ભક્તિપૂર્ણ ઉપદેશપદો ‘નિર્ગુન’ નામે ઓળખાય છે. ‘નિર્ગુણ’ના પર્યાય રૂપે એમણે ‘અગુન’ શબ્દ પણ પ્રયોજ્યો છે. વર્ણ્યવિષય ભજન જેવો હોવા છતાં નિર્ગુન-ગીત જુદા જ લયમાં ગવાય છે. અનેક ભોજપુરી સંતકવિઓનાં રહસ્યવાદી ભાવનાવાળાં અને અનેક લોકકવિઓનાં કબીરને નામે ચઢી ગયેલાં નિર્ગુન પદો મળે છે. દે.જો.