ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પી.ઈ.એન.


પી.ઈ.એન. : (ઇન્ટરનેશલ અસોસિએશન ઑવ પોએટ્સ, પ્લેરાઇટ્સ, એડિટર્સ, એસેયિસ્ટ્સ ઍન્ડ નૉવલિસ્ટ્સ) વિશ્વસમસ્તના સાહિત્યકારો પારસ્પરિક સાહિત્યિક પરિચય, મૈત્રી અને આતિથ્યભાવ કેળવે એવા ઉમદા આશયથી પ્રેરાઈને મિસિસ ડૉસન સ્કૉટ દ્વારા લંડનમાં ૧૯૨૧માં સ્થપાયેલું લેખકમંડળ. રાજકીય હેતુઓથી વેગળા રહીને અન્તર્રાષ્ટ્રીય સ્તરે એખલાસ અને શાંતિ-સ્થાપનાની ભાવનાથી સાહિત્યકારોના મિલનની પીઠિકા બનતી આ સંસ્થાનાં, જુદા જુદા દેશોમાં ૧૦ શાખાકેન્દ્રો છે તેમજ સામાન્ય સંયોગોમાં વિવિધ દેશોની રાજધાનીમાં તેનું વાર્ષિક સંમેલન યોજાય છે. સંસ્થાના વહીવટી માળખામાં હાલ એક અન્તર્રાષ્ટ્રીય પ્રમુખ તથા સાત ઉપપ્રમુખો સેવા આપે છે. મૂળે લેટિન અમેરિકાના પણ ભારતીય પારસી ગૃહસ્થને પરણેલાં શ્રીમતી સોફિયા વાડિયાએ ભારતીય ભાષા અને સંસ્કૃતિ માટેનાં અનુરાગ-ભક્તિથી પ્રેરાઈને ૧૯૩૩માં અખિલ ભારતીય પી.ઈ.એન. સેન્ટરની મુંબઈમાં સ્થાપના કરી. આ કેન્દ્ર પણ સંસ્થાની પરંપરા અનુસાર પ્રતિવર્ષ સાહિત્યકાર સંમેલન યોજે છે તથા તેમાં રજૂ થયેલા નિબંધોને પછીથી ગ્રન્થસ્થ પણ કરે છે. સંસ્થા ૧૯૩૫થી ઇન્ડિયન પી.ઇ.એન. નામનું ત્રૈમાસિક પ્રકાશિત કરે છે. તેના સ્થાપક તંત્રી તરીકે શ્રીમતી વાડિયાએ ૧૯૮૬ સુધી સેવા આપી હતી. એ જવાબદારી હાલ નિસીમ ઇઝિકિલ સંભાળે છે. ગુ.બ્રો.