ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પેરેડાઈસ લોસ્ટ



પેરેડાઈસ લૉસ્ટ : ૧૬૬૭માં દસ સર્ગમાં પ્રથમ પ્રકટ થયેલું અંગ્રેજ કવિ મિલ્ટનનું મહાકાવ્ય, જેની બીજી આવૃત્તિ ૧૨ સર્ગમાં ૧૬૭૪માં પ્રકટ થએલી. આ મહાકાવ્યનું કથાવસ્તુ બાઇબલ પર આધારિત છે. સ્વર્ગમાં પ્રભુની સત્તા સામે બળવો પોકારનાર સેતાન પરાસ્ત થઈને પોતાના સાથીઓ સાથે નરકમાં સબડતો હતો. કેટલોક કાળ વીત્યે એ જાગ્યો અને પોતાના સાથીઓને એકત્ર કરી પ્રભુ સામે વેર લેવા પુન : તૈયાર થયો. તેના વક્તવ્યનો સાર છે, ‘સ્વર્ગમાં સેવક થવા કરતાં નરકમાં સત્તા ભોગવવી બહેતર છે.’ તેની વાણીથી બીલઝેબબ નામનો સાથીદાર સૌપ્રથમ પ્રભાવિત થાય છે અને પછી સહુ સાથીઓ સમક્ષ સેતાન યોજના જાહેર કરે છે કે પ્રભુ એક નવી સૃષ્ટિનું નિર્માણ કરવા ધારે છે અને આપણે તેમાંના માનવનો જ પ્રભુવિરુદ્ધની આપણી પ્રયોજન સિદ્ધિમાં ઉપયોગ કરીએ. બીલઝેબબે એ વિચારને યોજનામાં ફેરવ્યો અને પ્રભુના જ સર્જન માનવીને પ્રભુની વિરુદ્ધ વર્તતો કરવા સહુ કટિબદ્ધ થયા. આગેવાની સેતાને લીધી. તે સૌ પ્રથમ અવકાશમાં પાંખો વીંઝતો વીંઝતો નરકમાંથી પસાર થતો ત્યાંના દરવાજે પહોંચ્યો.ત્યાં ભયાનક સ્ત્રીવેશે ખુદ પાપ અને તેના સંતાનરૂપ અમૂર્ત મૃત્યુ ચોકી કરી રહ્યાં હતાં. સેતાન અને મૃત્યુ સામસામે આવી ગયાં! સ્ત્રીવેશી પાપે પર્દાફાશ કર્યો કે મૃત્યુ એ તો સેતાન સાથેના તેના સમાગમનું સંતાન છે. અત્યુગ્ર સેતાન નરમ પડ્યો તેણે પાપ અને મૃત્યુને નરકમુક્તિ માટે પોતે પ્રભુ સામે યુદ્ધે ચડ્યો છે એમ કહ્યું એટલે દ્વારરક્ષકોએ નરકનાં બારણાં ખોલી આપ્યાં અને સેતાન પ્રથમ કેઑસ પાસેથી પસાર થઈ ઇડન ઉદ્યાન તરફ આગળ વધ્યો. તેણે દૂરથી ઉદ્યાનમાં એક પુરુષ અને એક સ્ત્રી આદમ અને ઈવ ને જોયાં. ઇડન ઉદ્યાનમાં પ્રવેશી એક ઊંચા વૃક્ષ પર પંખી રૂપે તે લપાયો. હાથમાં હાથ પરોવી નિર્વસ્ત્ર અને નિર્દોષ એ બે માનવીઓને વિચરતાં જોઈ એમને ભ્રષ્ટ કરવાનો કુવિચાર એને સૂઝ્યો. એ બેની ગુફતેગો પરથી સેતાન પામી ગયો કે ત્યાંના જ્ઞાનવૃક્ષનું ફળ ચાખવું એમને માટે નિષિદ્ધ છે. બસ, સેતાનને પ્રભુ સામે વેર લેવાની ચાવી મળી ગઈ. રાત્રે નિદ્રાધીન ઈવના કાનમાં એણે પવન રૂપે પાપી ફૂંક મારી. ઈવ દુ :સ્વપ્નમાં પડી અને અન્તે જાગી. રોજ સાથે ખેતીકાર્ય કરતાં એ બન્ને ઈવના પ્રસ્તાવથી બન્નેએ જુદી જુદી દિશામાં ખેતીકામ આરંભ્યું. રોંઢા ટાણે બન્ને મળ્યાં ત્યારે ઇવ પેલા જ્ઞાનવૃક્ષનું ફળ તોડી લાવી હતી તે, આદમની લેશ પણ ઇચ્છા ન હોવા છતાં ઈવના અનુરાગ-આગ્રહને કારણે બન્નેએ ખાધું. આ ફળ તોડવા માટે સેતાને તેને સર્પનું રૂપ ધારણ કરીને સૌન્દર્યપ્રશસ્તિ કરી લલચાવી હતી. ફળ ચાખતાં જ એ બન્નેને પોતાની નગ્નતાની શરમ લાગી અને અંજીરનાં પર્ણોથી તેમણે દેહ ઢાંક્યા, પણ વાસના એમાં પ્રવેશી ગઈ. તેમનામાં હવે પ્રેમ સાથે ઈર્ષા, ચિંતા, આદિ લાગણીઓ ઉદ્ભવવા લાગી. પ્રભુએ પોતાના પુત્રને એમનો ન્યાય તોળવા ત્યાં મોકલ્યો. એના ન્યાયાનુસાર એ દંપતીનું હવે ઈડનના ઉદ્યાનમાંથી – સ્વર્ગમાંથી ધરા પર પતન થશે. થથરી ગયેલા એ દંપતીને આત્મહત્યાનો વિચાર આવી ગયો. પણ ક્ષણાર્ધમાં જ એ વિચારને હડસેલી, પ્રભુપુત્રનો ન્યાય માથે ચડાવી, પ્રાયશ્ચિત્ત દ્વારા પુનરુદ્ધારનું સ્વપ્ન સેવતાં સેવતાં વિષાદમય ચિત્તે અને મંથર ગતિએ પૃથ્વી પ્રતિ પ્રયાણ આદર્યું. અંગ્રેજીનું જ નહિ, પણ વિશ્વનાં ગણનાપાત્ર મહાકાવ્યોમાંનું આ એક છે. આદિમોત્તર(secondary) આ મહાકાવ્ય પ્યૂરિટન ખ્રિસ્તી કવિની પ્રભુન્યાયશ્રદ્ધાનું આવિષ્કરણ છે. એનું વિચારગાંભીર્ય, એનું રચનાસ્થાપત્ય, એની ભાષાશૈલી અને છંદોસિદ્ધિ એને માત્ર મિલ્ટનના જ નહિ, પણ વિશ્વના કવનરાશિમાં મોખરાનું સ્થાન અપાવે તેમ છે. ધી.પ.