ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પોએત મોદી



પોએત મોદી (Poete Maudit) : અભિશપ્ત કે ઘૃણિત કવિ માટેની ફ્રેન્ચ સંજ્ઞા. તેજસ્વી પણ આત્મનાશ વહોરનાર કવિ માટે સંવેદનહીન સમાજ ગેરસમજ કરે છે, એનો અહીં નિર્દેશ છે. પૉલ વર્લેનાં, મલાર્મે, રે’બો અને અન્ય ફ્રેન્ચકવિઓ પરના પુસ્તક ‘લે પોએત મોદી (૧૮૮૪) પરથી આ સંજ્ઞા ઊતરી આવી છે. બૉદલેરની રચના ‘સ્વસ્તિવચન’(Benediction)નો અહીં સંદર્ભ છે. એમાં કવિ એની માતાના તિરસ્કારનું ભાજન બને છે અને જન્મક્ષણથી આખા જીવનદરમ્યાન ઘૃણા અને પીડાનું લક્ષ્ય બને છે. આમ છતાં એ પ્રસન્ન અને સ્વસ્થ રહે છે. બાળકની જેમ, સૂર્યથી ઉન્મત્ત પવન સાથે ખેલતો, પંખી જેવો ઉલ્લાસભર યાતના આપનાર ઈશ્વરને પણ એ આશીર્વચન ઉચારે છે. ચં.ટો.