ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બારમાસી



બારમાસી [બારમાસ] : આ ઋતુકાવ્યમાં પ્રત્યેક માસે પરિવર્તન પામતી પ્રકૃતિનું તથા માનવ અને પ્રકૃતિનો અન્યોન્યાશ્રય સંબંધે સંયોગ અને વિયોગમાં આ પરિવર્તનનો શો પ્રભાવ પડે છે એનું ઔચિત્યપૂર્ણ તથા લાઘવયુક્ત સચોટ અને વિશિષ્ટ વર્ણન વિવિધ દેશીઓ અને સુગેય છંદનો વિનિયોગ કરીને કરવામાં આવે છે. આમાં વિરહિણી નાયિકાનું વિરહવર્ણન હોવાથી તે વિરહકાવ્ય તરીકે પણ ઓળખાય છે. વિનયચંદ્રકૃત ‘નેમિનાથ ચતુષ્પદિકા’(૧૨૪૪) પ્રાચીનતમ બારમાસી કાવ્ય છે. પછીથી ચારિત્રકલશ, જશવંતસૂરિ, વિનયવિજય, માણિક્યવિજય, જિનહર્ષે ‘નેમિનાથ-રાજીમતી’ અને ‘સ્થૂલિભદ્ર-કોશા’ જેવાં લોકખ્યાત પાત્રો અંગે બારમાસી રચી છે. જૈનેતર કવિ નરસિંહ, પ્રેમાનંદ, રત્નેશ્વર, પ્રેમસખી અને દયારામે રાધાના કૃષ્ણવિરહને બારમાસી કાવ્યોમાં નિરૂપ્યો છે. કવિ પ્રીતમે ‘જ્ઞાનમાસ’ રચ્યા છે. અર્વાચીન સાહિત્યના આરંભે દલતપરામે તથા નર્મદે પણ બારમાસી રચી છે. લોકગીતોમાં વિરહની બારમાસી મળે છે. ક.શે.