ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બાવની


બાવની/બાવનાક્ષરી : મધ્યકાલીન ગુજરાતી ભાષાનું પદ્યસાહિત્ય સ્વરૂપ. આમ તો ઉપદેશપ્રધાન પદ્યસાહિત્યમાં માતૃકા-કક્કામાં માસ, તિથિ, વારની સંકલનાની જેમ વર્ણમાલાની ‘કડીબદ્ધ’ સંકલના – એટલેકે વર્ણથી આરંભાઈને રચાયેલાં પદ્યો જોવા મળે છે. એને જ પાછળથી ‘બાવની’ નામ આપવામાં આવ્યું છે. જેમકે અખા અને પ્રીતમે રચેલા ‘કક્કા’ ને પછીથી ‘બાવની’થી ઓળખવામાં આવ્યા છે. બાવન પદોના, બાવન કડીઓના, બાવન શ્લોકોના સમૂહવાળી રચનાઓને પણ ‘બાવની’ નામે ઓળખવામાં આવી છે. જોકે બાવન વર્ણમાલાની સંકલનાવાળી રચનાઓની સંખ્યા વિશેષ જોવા મળે છે. આ રચનાઓ વિશેષપણે બોધાત્મક હોય છે. તેમાં ઈશ્વરની શાશ્વતતા, સંસારની ક્ષણભંગુરતા, પ્રપંચી ભક્તો, ઢોંગી ગુરુઓ, સત્સંગનો મહિમા જેવા વિષયો હોય છે. આ વિષયો અવળવાણીથી રજૂ થયા હોય છે. જૈન-જૈનેતર બંને કવિઓએ આ પ્રકારની રચનાઓ આપી છે. હિન્દીમાં આ પ્રકારની રચનાઓ વિશેષ ઉપલબ્ધ છે. કી.જો.