ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભવ્ય શૈલી


ભવ્ય શૈલી (Grand Style) : અંગ્રેજ કવિ-વિવેચક મેથ્યુ આર્નલ્ડ દ્વારા પ્રસ્થાપિત આ સંજ્ઞા ગ્રીક વિવેચક લોન્જાઇન્સની ઉદાત્તની વિભાવનાને મળતી આવે છે. આર્નલ્ડના મતે સામાન્ય રીતે મહાકાવ્યમા સિદ્ધ થતી આ સર્જનશૈલી મહાકાવ્યશૈલી તરીકે પણ ઓળખી શકાય. ભવ્ય શૈલી એ સર્જક માટેની સર્વોચ્ચ સિદ્ધિ છે એમ આર્નલ્ડ માને છે. તેના મતે જ્યારે ઉમદા પ્રકૃતિનો, કાવ્યશક્તિથી ભરપૂર સર્જક સરલતા કે આવેગ વડે કોઈ ગંભીર વિષયનું નિરૂપણ કરે છે ત્યારે આ પ્રકારની શૈલી ઉદ્ભવે છે. આગળ ઉપર આર્નલ્ડ આ શૈલીના સરળ ભવ્ય શૈલી (Grand style simple) અને આવેગપૂર્ણ ભવ્ય શૈલી (Grand style severe) એમ બે ભાગ પાડે છે. પહેલા પ્રકારની શૈલીના નમૂના તરીકે હોમર અને બીજી શૈલીના નમૂના તરીકે તે મિલ્ટનનું ઉદાહરણ આપે છે. પ.ના.