ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાષા અને બોલી



ભાષા અને બોલી : ભાષાની જેમ બોલી પણ યાદૃચ્છિક ધ્વનિપ્રતીકોની વ્યવસ્થા છે, જેના દ્વારા સમાજવિશેષના લોકો એકબીજા સાથે વિચારવિનિમય કરે છે. બોલી અને માન્ય ભાષા વચ્ચેનો મુખ્ય ભેદ સંરચનાત્મક કરતાંય સામાજિક છે. બોલીમાં ઐતિહાસિકતા અને જીવતંતા હોય છે, પણ સ્વાયત્તતા અને માનકતા તેનામાં નથી હોતાં જે માન્ય ભાષાના મહત્ત્વના ગુણધર્મો છે. બોલીનો પ્રયોગ અનૌપચારિક પરિસ્થિતિમાં થાય છે. બોલીનો ઉપયોગ તેના ક્ષેત્ર પૂરતો જ મર્યાદિત હોય છે. જ્યારે માન્ય ભાષાનો ઉપયોગ બધાં બોલીક્ષેત્રમાં થાય છે. સમાજભાષાવિજ્ઞાનીઓએ બોલીના વ્યક્તિબોલી, પ્રાદેશિક બોલી, સામાજિક બોલી ઇત્યાદિ પ્રકારો પાડ્યા છે. બોલીનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું ક્ષેત્ર ‘બોલીવિજ્ઞાન’ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં પ્રબોધ પંડિત, શાંતિભાઈ આચાર્ય, ઇત્યાદિ વિદ્વાનોએ આ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. હ.ત્રિ.