ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાષા : ભાષા એ બોલી, વાણી, વાચા, જબાન છે એટલેકે તે બોલાય છે. બોલાવું એ ભાષાની પ્રકૃતિ છે. તો અવગમનના માધ્યમ તરીકે અથવા સાધન તરીકે વપરાવું એ તેની કામગીરી છે. સંદેશાની આપ-લે કરવા પૂરતું, બોલવાની કામગીરી કરતું સાધન એ ભાષા કહીએ તો કોયલની ને ગાયની, ચકલીની અને વાંદરાની પણ અવગમનવ્યવસ્થા ભાષા ગણાય. ભલે એ સીમિત સંકેતોની ક્યારેય ન વિકસી શકતી પેઢી દર પેઢી એના એ રૂપે લગભગ જળવાઈ રહેતી હોવા છતાં પશુપંખીઓની ભાષામાં પણ વ્યવસ્થા જોવા મળે છે. એટલું જ નહિ એક દેશના કાગડા કરતાં અન્ય દેશના કાગડાઓની ભાષા-વ્યવસ્થા જુદી હોવાનું અવલોકાયું છે. પ્રાણી તરીકે માણસ પણ ધ્વનિઓનો એટલેકે બોલવાનો આશ્રય લે છે. ધ્વનિસંકેતોની સાથે અન્ય પ્રાણીઓની જેમ માત્ર વૃત્તિ કે સંદેશાને સાંકળવા ઉપરાંત તે અર્થને પણ જોડે છે. આમ સંદેશાના અવગમનમાં તે વૃત્તિ ઉપરાંત પોતાના ઇરાદાને પણ સાંકળે છે. માનવ સિવાયનું અન્ય કોઈ પશુપંખી ભાષાનો ઉપયોગ ઇરાદાપૂર્વક કરતું નથી. એનાથી સહજ રીતે – વૃત્તિજન્ય રીતે – કુદરતી રીતે ભાષાવપરાશ થાય છે, જ્યારે માનવપ્રાણી વિચારપૂર્વક-બુદ્ધિપૂર્વક-આયોજનપૂર્વક અને ઇરાદાપૂર્વક ભાષાનો ઉપયોગ કરે છે. આ કારણે માનવભાષાની પ્રકૃતિ બદલાઈ જાય છે. મનુષ્ય જે સાંકેતિક ધ્વનિવ્યવસ્થાને ઉપયોગમાં લે છે તેમાં તેનો ઇરાદો ભળતાં એ વ્યવસ્થા યાદૃચ્છિક બને છે. ધ્વનિસંકેતોની સાથે સીધો અર્થ કે સંદેશો સાંકળવા ઉપરાંત તે ધ્વનિસંકેતોની સંકુલ રચના કરીને અનેક પ્રકારના અસીમિત સંકેતો રચી શકે છે. આ કારણે સીમિત ધ્વનિસંકેતોની મદદથી તે અસીમિત સંદેશાઓ, ઇરાદાઓ, બાબતોનું અવગમન સાધી શકે છે. પરંપરા પાસેથી પ્રાપ્ત થયેલી ધ્વનિસંકેતોની વ્યવસ્થામાં પોતાના ઇરાદાને પૂર્ણ કરવા પોતાની ઇચ્છા મુજબ એ ક્રમને બદલે છે. પરંપરાથી એ સંકેતોનો જે અર્થ થતો હોય તેનાથી જુદા અથવા પોતાને અભિપ્રેત એવા ભિન્ન અર્થો તેની સાથે સાંકળે છે. માનવભાષાની વ્યવસ્થાની આ સ્થિતિસ્થાપકતાને યાદૃચ્છિકતાને નામે ઓળખવામાં આવે છે. ભાષાની આ યાદૃચ્છિકતા તેની સાંકેતિકતામાં એક નવું પરિમાણ ઉમેરે છે. પરંપરાપ્રાપ્ત સાંકેતિક માળખું આખા ભાષાસમાજનું સહિયારું હોય છે. આ માળખાને ભાષા પોતાની યાદૃચ્છિકતા પ્રમાણે સ્થિતિસ્થાપક બનાવે છે. તેથી એ માળખાનું એક બીજું વ્યક્તિગત સ્તર અસ્તિત્વમાં આવે છે. યો.વ્યા.