ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મીમાંસાદર્શન

From Ekatra Wiki
Revision as of 08:26, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મીમાંસાદર્શન : માનવજીવનમાં સાંસારિકતાથી પર, સ્વર્ગપ્રાપ્તિ અને મોક્ષપ્રાપ્તિ એ બે ઉચ્ચતર સિદ્ધિ ગણાયાં છે. સ્વર્ગપ્રાપ્તિ યજ્ઞયાગાદિ દ્વારા સંભવે છે. આ યજ્ઞયાગાદિનું એટલેકે કર્મકાંડનું એક વ્યવસ્થિત દર્શન વિકાસ પામ્યું છે, તેને પૂર્વમીમાંસા અથવા કર્મમીમાંસા કહે છે સ્વર્ગપ્રાપ્તિ પછી જગતમાં ફરી જન્મ લેવો પડે છે. તેથી કહેવાયું છે કે क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति। આ સુભગ સિદ્ધિથી ઉચ્ચતર મોક્ષ માર્ગે ગતિ કરાવનાર – પૂર્વમીમાંસાના, અનુગામી જ્ઞાનકાંડને ઉત્તરમીમાંસા કહે છે. એને ‘વેદાન્ત’ યા ‘અધ્યાત્મવિદ્યા’ પણ કહે છે. પૂર્વમીમાંસાના સાહિત્યમાં પ્રથમ ગ્રન્થ જૈમિનીસૂત્ર છે. જેમાં બાદરિ, ઐતિશાયન, કાયન, આત્રેય વગેરે આઠ આચાર્યો ઉલ્લેખાયા છે. શબરે એની પર ભાષ્ય કર્યું અને કુમારિલ તેમજ પ્રભાકરે એ ભાષ્યની વ્યાખ્યા કરી. પૂર્વમીમાંસામાં ‘ધર્મ’ની મીમાંસા છે. જેનાથી મનુષ્યનું આ લોક તથા પરલોકમાં કલ્યાણ થાય. બૌદ્ધોએ વૈદિકધર્મ પર ઘણા આક્ષેપો કર્યા ત્યારે કર્મમાર્ગે, ઉચ્ચતર કર્મના માર્ગે આત્મોત્થાન શક્ય છે તે સ્થાપવા માટે આ દર્શનની ઉત્ક્રાંતિ થઈ. અન્ય દર્શનોની માફક યાગદૃષ્ટયા પદાર્થોની વિચારણા કરી છે. પ્રભાકર અને કુમારિલની વચ્ચે કેટલોક દૃષ્ટિભેદ છે જ. તે છતાં જીવોની ઉત્પત્તિ, તેમનું સ્વરૂપ, ઇન્દ્રિયો વગેરે તેઓ ચર્ચે છે. યાગનાં સ્વરૂપ તથા રહસ્યો ઉપરાંત તેમણે આત્મા, મુક્તિ વગેરેની પણ દાર્શનિક વિચારણા કરી છે. પોતાની આ પ્રધાનત : ધર્મવિચારણામાં ઈશ્વરની તેમને ખાસ જરૂરિયાત નથી છતાં તેમને નિરીશ્વરવાદી કહી શકાય તેમ પણ નથી તેઓ માને છે કે આત્મા માનસપ્રત્યક્ષ નથી; તે જ્ઞાનાશ્રય છે. સ્વર્ગનું સ્વરૂપ, તેની પ્રાપ્તિ, શરીરનું સ્વરૂપ વગેરેની ચર્ચા તેમણે કરી છે. ઉત્તરમીમાંસાને ‘વેદાન્ત’ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો તમામ દર્શનોનાં મૂળ સિદ્ધાન્તો ઉપનિષદોમાં છે, પરંતુ તેનો સીધો અને વધુમાં વધુ ઉપયોગ વેદાન્તદર્શને કર્યો છે. સાંખ્ય ‘જડ પ્રકૃતિ’ અથવા ‘શુદ્ધ તત્ત્વ’ની મીમાંસા કરે છે, જ્યારે તેના જ પુરુષના શુદ્ધ, પરમ સ્વરૂપની અભિવ્યક્તિ વેદાન્ત કરે છે. પૂર્વમીમાંસા સોળ અધ્યાયોમાં સમાપ્ત થઈ અને તેણે ‘કર્મકાંડ’ની પૂર્ણ તાત્ત્વિક છણાવટ કરી આપી તે પછી ચાર અધ્યાયોમાં બાદરાયણે ‘જ્ઞાનકાંડ’ મીમાંસા આપી છે. આમ ‘બ્રહ્મસૂત્ર’ની રચના થઈ, જેનો આધાર ઉપનિષદો જ છે. ‘ગીતા’નું ઈહલૌકિક અને આધ્યાત્મિક દર્શન પણ ઉપનિષદોને જ આધારે ઉત્ક્રાન્ત કર્યું. અને તે સ્વયં પણ, ઉપનિષદ જ કહેવાયું. આમ ‘ઉપનિષદો’, ‘ભગવદ્ગીતા’ અને ‘બ્રહ્મસૂત્ર’ એ ભારતીય વેદાન્તવિદ્યાની પ્રસ્થાનત્રયી બન્યાં. શંકરાચાર્ય, રામાનુજ, મધ્વચાર્ય, વલ્લભ, નિમ્બાર્ક વગેરેનાં ભાષ્યોએ મહત્ત્વની ભૂમિકા પૂરી પાડી. શંકરાચાર્યનો કૈવલાદ્વૈતવાદ એ ભારતીય તત્ત્વજ્ઞાન અને સાધનાનું શિખર છે. આ પછી અદ્વૈતદર્શનને વિકસાવતાં રામાનુજે વિશિષ્ટાદ્વૈતવાદ, મધ્વે દ્વૈતવાદ, નિમ્બાર્કે દ્વૈતાદ્વૈતવાદ અને વલ્લભે શુદ્ધાદ્વૈતવાદ આપ્યા છે. વાદના આ દૃષ્ટિભેદ સાથે એટલેકે બ્રહ્મના સ્વરૂપના વૈવિધ્યપૂર્ણ દર્શન ઉપરાંત જ્ઞાન અથવા ભક્તિ કે ઉભયની સાધના આચાર્યોએ કરી છે અને પરસ્પરની ટીકા પણ કરી છે. જેમકે શંકરને રામાનુજ પ્રચ્છન્નબૌદ્ધ કહે છે. મોક્ષના સ્વરૂપ પરત્વે પણ સૂક્ષ્મમીમાંસા કરી આચાર્યોએ વિભિન્ન વાદો સ્થાપ્યા છે. શંકરના માયાવાદે ખૂબ સમૃદ્ધ ચિંતન-પ્રશસ્તિપરક અને ટીકાપરક-બંને વિકસાવ્યાં છે. પ્રામાણ્યવાદ, કાર્યકારણવાદ, જગતનું સ્વરૂપ અને બ્રહ્મ સાથે તેનું સામંજસ્ય, સાધનાના અનેકવિધ માર્ગો વગેરે અનેક તાત્ત્વિક વિષયો પર વૈવિધ્યપૂર્ણ ચિન્તન આપ્યું છે તો સાધકના વ્યક્તિત્વ તથા તેના ઉદાત્તીકરણ, તેમાં યોગની સહાય વગેરે ઉપર પણ સમૃદ્ધ ચિંતન આપ્યું છે. ધર્મ, નીતિ, જીવનમૂલ્યો ઉપર ગૌણ રીતે પણ વિદ્વાનો પ્રકાશ પાડે છે. અલબત્ત, સતત સમાંતર રીતે ઇહલૌકિક દર્શન અને અધ્યાત્મદર્શન માત્ર ગીતા આપે છે અને તેના આધ્યાત્મિક અર્થઘટન પર વિશેષ પ્રકાશ વેદાન્તે પાડ્યો છે. ર.બે.