ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૌખિક પરંપરા


મૌખિક પરંપરા(Oral Tredition) : સાહિત્ય મૂળે તો ભાષાની મૌખિક અભિવ્યક્તિ હતું. લેખિત કવિતા પૂર્વેની પ્રાચીન કવિતા મૌખિક હતી. મનુષ્યોના અને સામાજિક જૂથોના રોજિંદા જીવન સાથે એનો ઘણા પ્રકારે ઘનિષ્ઠ નાતો રહ્યો હતો. હજી જગતના ઘણા પ્રદેશોમાં એ જીવંત છે. ગ્રામસંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિમાં તો હજી યે બોલાતો શબ્દ પ્રમુખ છે. એ ગવાય છે. એક પેઢીથી બીજી પેઢીમાં આગળ વધતાં ગીતો, કહેવતો અને અન્ય કથારૂપો પારંપરિક હોવા છતાં એના દરેક પ્રવર્તનમાં પુનરાવૃત્તિ સાથે પણ નવીનતા લાવે છે. મૌખિક સાહિત્ય પ્રવર્તનમૂલક છે. ગાનાર સાંભળનારાઓનો જીવંત સંદર્ભ અને એમની સક્રિય સામેલગીરી આ પ્રકારના સાહિત્યનો વિશેષ છે. અહીં તો એનો ગાનાર એ જ એનો કર્તા. ચોરી-ઉઠાંતરી અને વેચાઉ માલનો ખ્યાલ તો મૌખિક પરંપરાના પતનકાળની નીપજ છે. અહીં તો ગાનાર એમાં જોઈએ એવા ફેરફાર કરી શકે છે. મૌખિક સાહિત્ય એ રીતે પ્રવાહિતા બતાવે છે. એમાં કોઈ નિશ્ચિત પાઠનો અભાવ હોય છે. પારંપરિક તૈયાર ઢાંચાઓ એમાં સંઘટન એકમ(Building block) તરીકે કામગીરી બજાવે છે. આ પ્રકારના સાહિત્યમાં ઉમેરતાં જવાની શૈલી હોવાથી એમાં સમન્વય સંયોજકહીન હોય છે. પણ અનિવાર્યપણે સંકળાયેલી શરીરભાષા એટલેકે મુખની ચેષ્ટાઓ, અંગોનાં હલનચલન વગેરે એને નવું પરિમાણ જરૂર આપે છે. બધાં જ લેખનનાં વ્યવસ્થાતંત્રો અપર્યાપ્ત હોય છે અને ઘણીબધી વસ્તુઓ એમાં છૂટી ગયેલી હોય છે. ધ્વનિ અને ધ્વનિમની અત્યંત સૂક્ષ્મ તરેહો, લયાંદોલો, છાંદસખૂબીઓ લેખનમાં ઝિલાતી નથી. એલ. એસ. વિગોત્સ્કી જેવો અભ્યાસી લેખનને આથી જ એકમુખ (Monologic) અને મૌખિકને દ્વિમુખ (Dialogic) તરીકે ઓળખાવે છે. મૌખિક સાહિત્યનો અભ્યાસ હજી પ્રારંભકાળમાં છે. એની કેટલીક સમસ્યાઓને સમજવા ઘણા અભ્યાસીઓ આજે મથી રહ્યા છે. બીજી બાજુ પ્રબળ શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણની પ્રક્રિયા વચ્ચે મૌખિક સાહિત્યનું અસ્તિત્વ જોખમમાં છે. ચં.ટો.