ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લોકોત્સવીકરણ


લોકોત્સવીકરણ(Carnavalization) : મિખાઈલ બખ્તિને પોતાની ભાષાપરક સાહિત્યવિશ્લેષણની પદ્ધતિમાં લોકોત્સવની વિભાવનાને પ્રવેશ આપ્યો છે. કાર્નિવલનો ઉદ્ગમ ‘લોકહાસ્ય’માં છે. આ લોકહાસ્યમાં શાસકોના, ધર્મધુરંધરોના, કાયદાઓના, નીતિઓના અવાજોની સામેનો અવાજ છે. એ એક સામુદાયિક ઘટના છે. એને લેખિત પ્રોક્તિમાં પ્રવેશ આપવો એ લોકોત્સવીકરણની પ્રક્રિયા છે. બખ્તિન જણાવે છે કે થોડા સમય માટે લોકોત્સવમાં કાયદો અને વ્યવસ્થા, નિષેધો અને પરંપરિત માળખાંઓ જેમ સ્થગિત થઈ જાય છે કે તૂટી જાય છે, તેમ દોસ્તોયેવ્સ્કી જેવાની નવલકથાઓમાં પણ અનપેક્ષિતનો પ્રવેશ તેમજ અસાધારણ મન :સ્થિતિનાં વર્ણન ચીલાચાલુ માળખાને તોડી નાખે છે. ટૂંકમાં, દોસ્તોયેવ્સ્કીની બહુસ્વન નવલકથાને સમજાવવાની પ્રક્રિયા રૂપે આ સંજ્ઞા ભાગ ભજવે છે. ચં.ટો.