ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિભાવ



વિભાવ : ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં રસનિષ્પત્તિ માટે વિભાવ એક આવશ્યક તત્ત્વ છે; રસનો હેતુ છે અને રસનો વિશેષ રૂપે અનુભવ કરાવે છે. વિભાવ દ્વારા સામાજિકમાં અતિસૂક્ષ્મ વાસના રૂપમાં રહેલા રતિહાસ વગેરે સ્થાયીભાવો આસ્વાદને યોગ્ય બને છે. સ્થાયીભાવમાંથી પરિણત રસને અલૌકિક મનાતો હોવાથી કારણ કે હેતુ એવી સંજ્ઞા ન આપતાં અહીં વિભાવ એવી વિશેષ સંજ્ઞા ઊભી કરી છે. વિભાવના અભાવમાં રસપ્રતીતિ અસંભવ છે. સામાજિકમાં ભાવોને જાગ્રત કરવા અને ઉદ્દીપ્ત કરવા, એમ એનાં બે કાર્ય છે. અને એને આધારે એના બે પ્રકાર દર્શાવવામાં આવે છે; આલંબનવિભાવ અને ઉદ્દીપનવિભાવ. વિશ્વનાથના મત અનુસાર કાવ્ય કે નાટકમાં વર્ણવેલાં નાયકાદિ આલંબન કહેવાય છે, જેના દ્વારા સામાજિકમાં રસસંચાર થાય છે; તો રસને ઉદ્દીપ્ત કરનાર કે તીવ્ર કરનાર ઉદ્દીપનવિભાવ છે. નાયકનાયિકાની ચેષ્ટાઓ કે દેશકાલ એ ઉદ્દીપન વિભાવ છે. રુદ્રભટે નાયકનાયિકાના યૌવનાદિ ગુણ પ્રમાણે, એમના હાવભાવ પ્રમાણે એમનાં આભૂષણ અને પ્રસાધન પ્રમાણે તેમજ ચન્દ્રમા, વસન્ત આદિ પ્રકૃતિના પરિવેશ પ્રમાણે એમ ચાર ઉદ્દીપન વિભાવો વર્ગીકૃત કર્યા છે. શારદાતનયે લલિત, લલિતાભાસ, સ્થિર, ચિત્ર, સૂક્ષ્મ, નિંદિત, ખર, વિકૃત એમ આઠ પ્રકાર વર્ણવ્યા છે. ચં.ટો.