ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિસંયોજનપરક વિવેચન


વિસંયોજનપરક વિવેચન(Destructive Criticism) : અમેરિકામાં આઠમા દાયકાના અંત ભાગમાં પૉલ બોવ અને વિલ્યમ વી. સ્પેનોસ દ્વારા હાય્ડેગરના ‘સત્તા અને સમય’ પર આધારિત વિરચનપરક વિવેચનની સમાન્તર વિસંયોજનપરક વિવેચન અસ્તિત્વમાં આવ્યું. ભાષાના સિદ્ધાન્તની બાબતમાં વિસંયોજનપરક વિવેચન અને વિરચનપરક વિવેચન જુદાં પડે છે. સ્પેનોસ ‘લેખન’નો પુરસ્કાર કરનાર અનુસંરચનાવાદીઓ પર પ્રહાર કરે છે અને ખાસ તો, દેરિદાને તેમજ અન્ય સ્થલગત અર્થઘટનશાસ્ત્રના વિરચનકારોને નિંદે છે. કારણ સ્થલગત અર્થઘટનશાસ્ત્ર કૃતિની કાલગતતાનું પરિમાણ ચૂકી જાય છે. સ્પેનોસને મન સાહિત્યની ખરેખરી સત્તા શબ્દના કાલગત શ્રવણમાં છે. આથી એ પરંપરાના વિવેચનની જેમ લેખકની પ્રતિભા કે કૃતિની સંરચના પર ભાર મૂકવાને બદલે વાચનની પ્રવૃત્તિ અને આવિષ્કૃતિ પર ભાર મૂકે છે. સ્વરૂપવાદ, સંરચનાવાદ, સંકેતવિજ્ઞાન, મિથવિવેચન, જિનિવા વિવેચન અને અન્ય તત્ત્વવિચારપરક વિચારણા મોટેભાગે સ્થલગત પદ્ધતિઓ છે. સમગ્ર કૃતિને લક્ષમાં રાખી કૃતિના વાચનના આરંભ પહેલાં અંતને લક્ષમાં રાખે છે. ‘અખિલાઈ’ના પૂર્વનિર્ણિત અર્થ સાથે તપાસ આદરે છે. આની સામે વિસંયોજનપરક તપાસ કૃતિને ઉઘાડે છે, સમયમાં આગળ વધે છે, સ્થલગત દૃષ્ટિકોણનો છેદ ઉડાડે છે અને એમ અર્થઘટન એ સત્તાવિષયક સત્યનાં ગોપન અને પ્રાગટ્યનો અંતહીન અનુભવ છે એવું સિદ્ધ કરે છે. પ્રારંભથી જ અંત મનમાં હોવાથી અનુસ્મૃતિપરક (Recollective) સ્થલગત અર્થઘટનશાસ્ત્ર કૃતિના ભાષાપરક અનુભવમાં વારંવાર પાછું ફર્યા કરે છે. જ્યારે પ્રક્ષેપાત્મક કાલગત વિસંયોજનપરક અર્થઘટનશાસ્ત્ર અન્વેષણની પ્રક્રિયામાં શબ્દોની શ્રેણીઓને વારંવાર આગળ ફેંકીને કૃતિનું સમુદ્ધરણ કરે છે; પૉલ બોવે તો કૃતિની સાથે આંતરકૃતિત્વનો વિચાર ઉપસાવીને અને સાહિત્યના ઇતિહાસને નવેસરથી જોવાનું શરૂ કરીને બતાવ્યું છે કે સાહિત્યનો ઇતિહાસ કૃતિઓની શ્રેણી છે તેમજ આપણે જે કાવ્યોનો સામનો કરીએ છીએ તે અન્ય કાવ્યોનાં અર્થઘટનો હોય છે. આ રીતે વિસંયોજનપરક વિવેચનનો આશય કૃતિને કાલના પરિમાણની મુક્તતામાં તપાસવાનો છે. ચં.ટો.