ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમીપે


સમીપેઃ ૨૦૦૫માં શિરીષ પંચાલ, જયદેવ શુક્લ અને બકુલ ટેલરના સંપાદકપદે શરૂ થયેલા આ ત્રૈમાસિકમાં સર્જનાત્મક અને ચિંતનાત્મક લખાણને પૂરો અવકાશ આપવાનું ધ્યેય કેન્દ્રમાં રહ્યું છે. સર્જનાત્મક લખાણોનાં ઊંચા ધોરણો એમાં જોવા મળે છે. જૂથબંધી વિના, ટીકાકારોને પણ યોગ્ય અવકાશ આપી વાત આપણા સૌની એમ કહી સમીપેને વિસ્તારવાનું પ્રયોજન છે. રાજેન્દ્ર નાણાવટીનો ગાથા સતસઈનો અનુવાદ, અમૃત ગંગરના સિનેમાવિષયક લેખો, ગુલામ મોહમ્મદ શેખ, જ્યોતિ ભટ્ટ અને જગદીપ સ્માર્ત જેવા ખ્યાત ચિત્રકારોનાં ચિત્રો અને નોંધ, ગોવર્ધન મહોત્સવ જેવી શિરીષ પંચાલની લાંબી વાર્તા, ભારતીય મંદિરોની જાળી જેવા મધુસૂદન ઢાંકીના લેખો, હસમુખ શાહના નિબંધો, વીનેશ અંતાણી, હિમાંશી શેલતની વાર્તાઓ અને અનુવાદો, કવિ દિલીપ ઝવેરીના સ્મૃતિવિશેષો જેવી વિશિષ્ટ કૃતિઓની આસ્વાદનોંધ અને સમીક્ષાઓ અહીં પ્રથમથી જોવા મળતી રહી છે. સમકાલીન સર્જકોની રચનાઓ, સાહિત્યસિદ્ધાંતો જેવી બાબતો પર ચન્દ્રકાન્ત ટોપીવાળાના પ્રગટ થતા પત્રો આ સામયિકનો વિશેષ છે. ઊંડી કળાસૂઝથી પ્રગટ થતા આ સામયિકમાં પરંપરા પ્રત્યેનું સાતત્ય અને વૈશ્વિક સાહિત્યને અવલોકવાની સજ્જતા જોવા મળે છે. અનુઆધુનિક ગુજરાતી કવિતા અને કવિઓ, કેટલીક વિશિષ્ટ સર્જનાત્મક કૃતિઓના વિશેષાંકો એનું ધ્યાનાર્હ અર્પણ છે. કિ. વ્યા.