ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહજિયા સંપ્રદાય

Revision as of 09:12, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સહજિયા સંપ્રદાય : મૂળમાં બૌદ્ધધર્મની એક શાખા, જેણે તંત્ર-સાધનાનો ટેકો લઈને મધ્યકાળમાં અલગ સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન બુદ્ધે ‘નિર્વાણ’ને પરમ લક્ષ્ય ઠરાવ્યું, આ ‘નિર્વાણ’ને ભિન્ન ભિન્ન પરંપરાઓએ ભિન્ન ભિન્ન નામો આપ્યાં, જેમાંથી એક ‘સહજ’ નામ છે. ‘સહજાવસ્થા’ આ સંપ્રદાયનું લક્ષ્ય છે. જે કંઈ બની રહ્યું છે તેને સહજ સ્વીકારવું, એમાં વિચલિત ન થવું અને એ અવસ્થાને પ્રાપ્ત કરવા કે કરી રાખવા મથવું – એવા સાધકો સહજિયા તરીકે અલગ ઓળખાવા લાગ્યા. વાસ્તવમાં આ સંપ્રદાયનો કોઈ એક સ્થાપક કે ઉપદેશક નથી. મૂળમાં બૌદ્ધ પરંપરા હોવા છતાંય તે બૌદ્ધથી અલગ બની ગયેલી છે. સંભવત : બારમી સદીના અંતભાગમાં ખાસ કરીને બંગાળમાં સહજિયા સંપ્રદાયે પોતાનું સ્વતંત્ર સ્વરૂપ પકડ્યું જે ચૈતન્ય, વિદ્યાપતિ, ચંડીદાસ જેવામાં એક મુખ્ય પ્રેરક બળ પણ બની રહ્યું પરંતુ સમય જતાં ‘સહજ’ના ઓઠા નીચે સસ્તાં કર્મો તરફ પ્રવાહ ઢળતો ગયો અને ‘સંભોગ’ જ ‘સહજ’ છે એવા ખ્યાલ સાથે સ્ત્રીપુરુષ સંયોગમાં આ સંપ્રદાય વામાચાર બની બેઠો. પુરુષે પોતાની જાતને કૃષ્ણ અને પ્રત્યેક સ્ત્રીને રાધા ગણવી તથા વિષયોપભોગ જ સહજાવસ્થા છે – એવો સાધારણ મત આ સંપ્રદાયમાં પ્રવર્તે છે. ન.પ.