ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય

Revision as of 07:57, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાહિત્ય(Literature) : સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં સાહિત્યનો અર્થ શબ્દ અને અર્થનું સહિતત્વ-સહભાવ-થાય છે. સાહિત્યની આ વ્યાખ્યા આમ તો અતિવ્યાપ્ત છે છતાં રોજિંદા વ્યવહારમાં અર્થ અને શબ્દનો સમ્યક્ સહભાવ નથી હોતો, એની અર્થપ્રધાનતા અને શબ્દગૌણતાથી રચાતું અસમતુલન સાહિત્યમાં સમતુલિત થાય છે. આનો નિર્દેશ ભામહે અને પછી અન્ય આચાર્યોએ કરેલો છે. પ્રાચીન પ્રયોગો જોતાં એમ લાગે છે કે સાહિત્ય પહેલાં શાસ્ત્ર માટે વપરાતી સંજ્ઞા હતી જે પછી ‘લલિત સાહિત્ય’ના અર્થમાં સ્થિર થઈ છે. પશ્ચિમમાં પણ, વીસમી સદી સુધી ફિલસૂફી, ઇતિહાસ, રાજકારણ, વિજ્ઞાન વગેરે પણ સાહિત્ય ગણાતું. અલબત્ત, અઢારમી સદીથી આ સંજ્ઞાની મૂલ્યપરકતા પર ભાર મુકાવો શરૂ થયેલો પરંતુ એની પરાકાષ્ઠા ઓગણીસમી સદીમાં આવી. આજે આ સંજ્ઞા કલ્પનાપરક, સર્જનાત્મક કે કલાત્મક પ્રકારને માટે જ વપરાય છે. આ સંજ્ઞાને સૌન્દર્યકરણ સાથે સાંકળી છે અને લેખનની ઉત્તમતા, મૌલિકતા અને એની સૌન્દર્યનિષ્ઠ સંપત્તિ અનિવાર્ય માની છે. છતાં અભિવ્યક્તિના પ્રત્યેક સ્વરૂપને સૂચિત કરી શકે અને સમાજના પ્રત્યેક સ્વરૂપ ભીતર એનાં સ્થાન અને કાર્યને સૂચિત કરી શકે એવી કોઈ એની વ્યાખ્યા બાંધવી મુશ્કેલ છે. સાહિત્ય સંકુલ છે. નિશ્ચિત ધોરણોની યાદીથી એનો અર્થ થઈ શકે એવું ચોક્કસ નથી. લાંબા સમયથી એનું સિદ્ધાન્તકરણ થતું આવ્યું છે અને આજની બહુવાદની સ્થિતિમાં અમુક ચોક્કસ લક્ષણોથી એને ઓળખવા જતાં લક્ષણો કાં તો અપૂરતાં બની રહે, કાં તો અનાવશ્યક બની રહે. ચાવી રૂપ કેટલીક પરિભાષાઓ પરથી સાહિત્યનું સારતત્ત્વ સારવવાનો પ્રયત્ન કરી શકાય. સાહિત્યને સમજવા ચાર પ્રકારના સિદ્ધાન્તો કાર્યરત રહ્યા છે : અનુકરણાત્મક સિદ્ધાન્તો, કૃતિ અને કૃતિ જે જગતનું પ્રતિનિધાન કરે છે એ બે વચ્ચેના સંબંધને ધ્યાનમાં લે છે; વ્યવહારલક્ષી સિદ્ધાન્તો કૃતિને ભાવક પરત્વે ચોક્કસ પ્રકારનો પ્રભાવ રચવાના સાધન તરીકે જુએ છે; અભિવ્યક્તિપરક સિદ્ધાન્તોમાં લેખક કેન્દ્રમાં આવે છે અને વિષયવસ્તુથી માંડી મૂલ્યોનો રચયિતા ગણાય છે; તો વસ્તુલક્ષી સિદ્ધાન્તો માત્ર કૃતિ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને આગળના ત્રણે સિદ્ધાન્તોનાં પરિમાણોને કાં તો બાદ કરીને ચાલે છે કાં તો એને ઓછામાં ઓછાં ધ્યાન પર લે છે. સાહિત્ય પરત્વેના પારંપરિક આધુનિક કે અનુઆધુનિક અભિગમોમાં આ મુદ્દાઓ સંડોવાયેલા છે. ઉપરાંત લેખક, જગત, વાચક અને રચના પર આવતો ઓછો-વત્તો ભાર અને એને અંગેની વિચારણા પણ એમાં નિર્ણાયક બને છે. એક વાત ચોક્કસ છે કે સાહિત્ય ભાષાની કલા છે. રશિયન સ્વરૂપવાદે કલાને પ્રવિધિ તરીકે ઓળખાવી અને દર્શાવ્યું કે એ દ્વારા સાહિત્ય જીવનનું પુનઃસંવેદન આપે છે. સાહિત્યનો હેતુ વસ્તુ જે પરિચિત છે તેવી નહિ પણ જે રીતે સંવેદાય છે એ રીતે રજૂ કરવાનો છે. સાહિત્યનો તરીકો વસ્તુઓને અપરિચિત બનાવવાનો છે. સ્વરૂપોને કઠિન બનાવવાનો છે, સંવેદનના સમયને લંબાવવાનો છે અને એમ સાહિત્યનો વિશેષ જે ‘સાહિત્યિકતા’ છે એને ઉપસાવવાનો છે. આમ કરતાં, ભાષાના વાક્યવિન્યાસની સંરચનાઓ અભ્યાસનો વિષય બને છે, પરંતુ યુરિ લોત્મન, સાહિત્ય જે વાસ્તવને સર્જે છે એની સંરચનાઓને પણ અભ્યાસનો વિષય બનાવે છે. વળી, લોત્મન દર્શાવે છે કે વ્યવહારભાષામાં જે અશક્ય છે એવાં સહસંબંધો, સંનિધિઓ અને વિરોધોની સંકુલ વ્યવસ્થા સાથે સાહિત્યમાં પરસ્પરા-વલંબિત તત્ત્વો દ્વારા એક વિશિષ્ટ અર્થપરક વજન ઊભું થાય છે. સાહિત્યને એના પોતાના સંકેતોનું રચનાતંત્ર છે અને વિન્યાસના નિયમો છે; જે વિશેષ પ્રકારના સંદેશનું વહન કરે છે. આ સંદેશ અન્ય કોઈપણ રીતિ દ્વારા સંપ્રેષણ પામી શકે નહિ. સાહિત્યનું સંકેતપરક માળખું કેવળ ભાષાથી નિર્ણીત ન થાય પણ સાહિત્યને કલા બનાવનાર વિશિષ્ટ ભાષાથી નિર્ણીત થાય છે. આ જ વાતને ઝોલ્કોવ્સ્કીએ નૃયંત્રવિજ્ઞાનની પરિભાષા વાપરીને સ્પષ્ટ કરી કે સાહિત્ય વિવર્ધક(Amplifier) જેવું છે, જે નાના જથ્થામાં ઊર્જાને મેળવી મોટા જથ્થામાં બહાર ફેંકે છે. બીજી બાજુ માર્ક્સવાદીઓ સાહિત્યને સામાજિક નીપજ કે સામાજિક પરિબળ તરીકે જુએ છે અને માને છે કે સાહિત્ય સમાજને પ્રભાવિત કરે છે તેમજ સતત સામાજિક વિકાસની પ્રક્રિયામાં સંલગ્ન રહે છે. રશિયન સ્વરૂપવાદથી માંડીને નવ્યવિવચન કે સંરચનાવાદ સુધીની આધુનિકતાવાદની ભૂમિકામાં સાહિત્યની સ્વાયત્તતા પર વિશેષ ભાર મુકાયો એટલેકે આધુનિકતાવાદે સાહિત્યની પ્રતિનિધાનની સમસ્યાઓ સાથે કામ પાડ્યું છે. પરંતુ અનુસંરચનાવાદ કે અનુઆધુનિકતાવાદની ભૂમિકામાં સાહિત્યની સાપેક્ષતા પર ભાર ગયો છે અને સાથે સાથે વાસ્તવની સમસ્યાઓ લક્ષમાં લેવાવા માંડી છે. સાહિત્યને એકતંત્ર કે સ્વ-તંત્ર માનવાને બદલે હવે સાહિત્યને બહુતંત્ર માનવા તરફનું વલણ છે. ઇતિહાસ, સમાજ અને રાજકારણનાં પરિમાણો ફરી એમાં ઉમેરાયાં છે. વિજ્ઞાનોના વિવિધ અભિગમોને પણ આવકારાયા છે. સાહિત્યની આ રીતે અનેક સ્વરૂપે વ્યાખ્યા થતી હોવા છતાં એની લોકોત્તરતાનો એક યા બીજી રીતે ઓછોવત્તો સ્વીકાર થયા કર્યો છે. સાહિત્ય ભલે નીરસ કે દમિત વાતાવરણમાંથી મુક્ત કરતું હોય, નૈતિક કે આધ્યાત્મિક મૂલ્યો પ્રેરતું હોય, અભિગમોને બદલતું હોય લાગણીઓનું વિરેચન કરતું હોય કે વૃત્તિઓને સંવાદી બનાવતું હોય પણ એ એક અપૂર્વ સૌન્દર્યનિષ્ઠ અનુભવમાંથી ઉત્કટ રીતે પસાર કરી વાચકની જડતાને, એની પરિચિતતાને પરિહરે છે, એમાં શંકા નથી. કવિતા, ટૂંકી-વાર્તા, નવલકથા, નાટક વગેરે સાહિત્યના મહત્ત્વના પ્રકારઉન્મેષો છે. ચં.ટો.