ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને પ્રચાર


સાહિત્ય અને પ્રચાર : આમ તો શાબ્દિક અને બિનશાબ્દિક પ્રત્યાયન વડે કોઈ વ્યક્તિ કે જૂથના વિચાર, માન્યતાઓ, વર્તણૂકને પ્રભાવિત કરવાની પ્રક્રિયાને ‘પ્રચાર’ કહે છે. અંગ્રેજી શબ્દ ‘પ્રૉપગૅન્ડા’(Propaganda) મૂળ To propagateમાંથી આવ્યો છે. ૧૬૩૩માં વેટિકનમાં મિશનરીઓ દ્વારા ધાર્મિક પ્રચારનો પ્રારંભ થયો અને ત્યારથી એનો હેતુ સ્પષ્ટ થવા માંડ્યો. નાત્સી જર્મનીમાં હિટલરના સાથી ગોબેલ્સ દ્વારા પ્રચલિત કરાયેલા ‘સો વાર ઉચ્ચારેલું જૂઠાણું પણ સત્ય બની જાય છે’ સૂત્રે પ્રચારના અર્થને એક નકારાત્મક પરિમાણ આપ્યું. એ પછી રશિયા, ચીન, જેવાં સામ્યવાદી શાસનોએ માર્ક્સવાદની તરફેણમાં ‘પ્રચાર’ અને ‘બ્રેઇન વોશિંગ’નો મોટા પાયે ઉપયોગ શરૂ કર્યો. એક જમાનામાં શિક્ષણને પણ પ્રચારના કાર્યક્ષેત્રમાં ગણવામાં આવતું પણ હવે ‘પ્રચાર’ શબ્દ નકારાત્મક સંદર્ભમાં વપરાય છે. જેમાં અર્ધસત્ય, જૂઠાણાં કે અમુક ચોક્કસ માહિતીને સંદર્ભ વિના ઉપસાવીને વ્યક્તિ કે જૂથને પૂર્વગ્રહયુક્ત કરવાના પ્રયત્નનો સમાવેશ થાય છે. રાજકીય પક્ષોનાં મુખપત્રો મોટેભાગે પ્રચારનો આશ્રય લેતાં હોય છે. આ અર્થમાં ‘જાહેરખબર’ને પણ એક પ્રકારનો પ્રચાર ગણવામાં આવે છે. સામ્યવાદી શાસનમાં સાહિત્યનો પણ પ્રચારના હથિયાર તરીકે ઉપયોગ થયો છે. પ્રચારની પાછળ ચોક્કસ હેતુ અને લાભ મેળવવાની ગણતરી હોય છે. કુટુંબનિયોજન, કોમીએકતા જેવા વિધેયક હેતુઓ માટે પણ ક્યારેક કવિતા, વાર્તાનો ઉપયોગ થાય, એ પ્રચારનું રચનાત્મક પાસું છે. પ્રચાર શબ્દનો અર્થ સમજ્યા વિના મોટાભાગે એનો ઉપયોગ બેકાળજીથી થાય છે. કોઈ સંસ્થા કે કંપનીની માહિતી આપતી પુસ્તિકા કે બીજી સામગ્રીને ‘પ્રચાર સાહિત્ય’ કહેવાય છે. પણ એ ખરેખર પ્રચાર નથી, તેમ સાહિત્ય પણ નથી. આપણે ત્યાં સરકારી માહિતીખાતાંઓ મોટાભાગે ‘માહિતીને’ નામે સરકારી પ્રચાર ચલાવતાં હોય છે. સાહિત્ય કશી ચીજની ભેળસેળ કર્યા વિના માનવીય સંવેદનોની અભિવ્યક્તિ કરે છે. ત્યારે પ્રચારમાં સંદેશો પ્રથમથી જ પૂર્વગ્રહયુક્ત હોય છે, પછી ભલે તે વિધાયક હોય કે નકારાત્મક. સાક્ષરતા વધી અને સમૂહમાધ્યમોનો ફેલાવો વધ્યો એ પછી સત્ય અને અર્ધસત્ય કે અસત્યની ભેળસેળ પણ ખૂબ જ વધી છે અને એ પ્રચારના ધોધમાર આક્રમણમાં નિર્ભેળ સત્ય કે તથ્ય તારવવાનું મુશ્કેલ બને છે. લોકો જ્યારે પ્રચારને સ્વીકારી લે છે પછી એ મતથી જુદો કે ભિન્ન મત સ્વીકારવા તૈયાર થતા નથી અને એમાંથી અસહિષ્ણુતા ફેલાય છે. ધાર્મિક આદેશો કે ઉપદેશોને આ શ્રેણીમાં મૂકી શકાય. જાગ્રત લોકમત જ પ્રચારના હુમલાને ખાળી શકે અને સાચાખોટાનો વિવેક કરી શકે. સાહિત્યજગતને તો પ્રચારના દૂષણથી મુક્ત જ રાખવું ઘટે. યા.દ.