ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને વિજ્ઞાન


સાહિત્ય અને વિજ્ઞાન : વિજ્ઞાન અને સાહિત્ય વચ્ચેનો મૂળભૂત ભેદ ભૌતિકજગત અને ભાવજગતનો છે. વિજ્ઞાનનો સંબંધ ભૌતિકજગત સાથે છે તે આ જગતનું પરીક્ષણ અને વિશ્લેષણ કરે છે અને સામાન્ય નિયમોની તારવણી કરે છે. આનાથી વિરુદ્ધપણે સાહિત્યનો સંબંધ મુખ્યત્વે ભાવજગત સાથે છે. સાહિત્ય માનવીય વર્તનનું પર્યવેક્ષણ અને વિશ્લેષણ કરવા ઉપરાંત જીવનની મુખ્ય પ્રવૃત્તિઓની પડછે કાર્યરત સામાન્ય નિયમો પણ તે દર્શાવી આપે છે. પણ વિજ્ઞાન અને સાહિત્યની વિશ્લેષણાત્મક પ્રક્રિયા સમાનપણે બુદ્ધિનો ઉપયોગ કરે છે. બંનેની સંશ્લેષણાત્મક પ્રક્રિયામાં કલ્પનાનો સમાન ઉપયોગ થાય છે. વિખ્યાત ભાષાવિજ્ઞાની હેયેલ્મસ્લેવ તો નવલકથા અને વિજ્ઞાન વચ્ચેના અંતરને માત્ર અભિવ્યક્તિભેદ જ માને છે તેમના મતે નવલકથાકાર વસ્તુસામગ્રીને ક્રમવર્તી(syntagmatically) ઢબે રજૂ કરે છે જ્યારે વિજ્ઞાન એ જ તથ્યને ગણવર્તી(Paradigmatically) રીતે રજૂ કરે છે. એવી જ રીતે કવિતા અને વિજ્ઞાનની – અભિવ્યક્તિ શૈલીઓની ભિન્નતા વિશે કહી શકાય તેમ છે. વિજ્ઞાનની ભાષામાં ક્રમબદ્ધતા સમીકરણ બાંધવા માટે હોય છે જ્યારે કવિતામાં તેનાથી ઊલટું, સમીકરણ પોતે જ ક્રમબદ્ધતાનું નિર્માણ કરે છે. આ ઉપરાંત, વિજ્ઞાન અને સાહિત્યની ભાષાશૈલીમાં પણ ફેર હોય છે. વિજ્ઞાનની ભાષા સામાન્યતયા સંહિતા(code)સાપેક્ષ હોય છે, જ્યારે સાહિત્યની ભાષા સંદેશ(Message)સાપેક્ષ હોય છે. વિજ્ઞાનની ભાષા અભિધામૂલક હોય છે, જ્યારે સાહિત્યની ભાષા વ્યંજનામૂલક હોય છે. વિજ્ઞાન જે કંઈ કહે છે તે ભાષાના માધ્યમથી કહે છે અને કવિતા જે કંઈ કહે છે તે ભાષાને માધ્યમ બનાવવા ઉપરાંત ભાષામાં જ કહે છે. વળી, બંનેની અભિવ્યક્તિપદ્ધતિમાં પણ ફરક છે. વિજ્ઞાનની પદ્ધતિપરિચાલક (operational) હોય છે, જ્યારે સાહિત્યકલાની અભિવ્યક્તિપદ્ધતિ પ્રતિનિધાનાત્મક (Presentational) હોય છે. હ.ત્રિ.