ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને વ્યાકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્ય અને વ્યાકરણ : પ્રાચીન ભારતીય ભાષાશાસ્ત્રીઓના વ્યાકરણના સંપ્રત્યયનો વિનિયોગ સાહિત્યશાસ્ત્રીઓએ કર્યો હોય એવી આપણે ત્યાં પરંપરા છે. વ્યાકરણે અલંકારશાસ્ત્રને ઘણી બાબતમાં પોષ્યું છે અને ઘણાબધા આલંકારિકો ઉપર વ્યાકરણ-શાસ્ત્રનો પ્રભાવ રહ્યો છે. ધ્વનિની વિવેચનામાં અભિધેય પ્રતિપાદનમાં અને ઉપમા-અલંકારના જુદા જુદા પ્રકારો બતાવવામાં વ્યાકરણનો પ્રભાવ અછતો નથી. એક રીતે જોઈએ તો ધ્વનિસિદ્ધાન્તનું સૌથી પ્રથમ પ્રતિપાદન કરનાર આનંદવર્ધને વૈયાકરણોના ‘ધ્વનિ’નું પ્રતિમાન કાવ્યશાસ્ત્રમાં અખત્યાર કર્યું છે. ઉપરાંત ભોજના ‘શૃંગારપ્રકાશ’નાં આઠ પ્રકરણ શબ્દાર્થસાહિત્યનું વિવેચન કરતાં શબ્દ સંબંધશક્તિનું વિવેચન કરવામાં રોકાયેલાં છે. આ વિવેચન ભોજને વ્યાકરણના આધારે કરવું પડ્યું છે. ભોજ પર વ્યાકરણશાસ્ત્રનો સૌથી વધુ પ્રભાવ પડેલો દેખાય છે, અને તેમાં ય ભર્તૃહરિના ‘વાક્યપદીય’નો ઘણો મોટો સંસ્કાર પડ્યો હોય એવું લાગે છે. ભોજના જ નહિ પરંતુ બીજા વિદ્વાનોના પણ સાહિત્યશાસ્ત્રીય ગ્રન્થોમાં વ્યાકરણના વિષયો અનુષંગ રૂપે આવ્યા છે જ. આ જ કારણે કદાચ અલંકારશાસ્ત્રને व्याकरणस्यपुच्छम ગણવામાં આવ્યું છે. અલંકારશાસ્ત્રે વ્યાકરણ ન્યાય અને મીમાંસા જેવાં શાસ્ત્રોમાંથી આવશ્યક બાબતો લીધી છે પરંતુ એમાં વ્યાકરણ સાથેનો અલંકારશાસ્ત્રનો જેટલો સંપર્ક છે એટલો અન્ય શાસ્ત્રો સાથેનો નથી. ભામહથી માંડીને નાગેશ ભટ્ટ સુધીના કોઈપણ આલંકારિકના ગ્રન્થને ઉઘાડીએ તો તેમાં વ્યાકરણનું ઋણ ડગલે ને પગલે જડશે. એમ કહેવાય છે કે વ્યાકરણ શબ્દોનું સાધુત્વ – અ-સાધુત્વ નક્કી કરે, પરંતુ અલંકારશાસ્ત્ર તેની આગળ જઈ તે શબ્દોની સમ્યક્ પ્રયોગયોગ્યતા ઠરાવે છે. પશ્ચિમમાં ગ્રીક અને લેટિન પરંપરા બતાવે છે તેમ ‘વ્યાકરણ’ના વ્યુત્પત્તિગત અર્થમાં સાહિત્યનો પદ્ધતિપૂર્વકનો અભ્યાસ, વિવેચન, સૌન્દર્યમીમાંસા, ભાષાભ્યાસ વગેરે સમાઈ જતાં. પછીથી ભાષાશિક્ષણના નિર્દેશાત્મક અર્થમાં ‘વ્યાકરણ’ સીમિત થવા છતાં ગ્રીકસંસ્કૃતિ અને ભારતીયસંસ્કૃતિમાં વ્યાકરણના અભ્યાસનો હેતુ પ્રાચીન અને ધાર્મિક ગ્રન્થોના અવબોધનો હતો. હોમરની કવિતાની કે વેદોની આર્ષ બનેલી ભાષાના અવબોધ પછીનો પ્રશ્ન એમના અર્થઘટનનો આવ્યો. આમ, વ્યાકરણ અર્થઘટનના ઉપકરણ તરીકે મુખ્યત્વે પ્રયોજાયું છે. સાહિત્યે અખત્યાર કરેલી રચનારીતિઓનાં ભાષાવિશ્લેષણો માટે વ્યાકરણ સહાયક કરે છે. જે તે સમયની કૃતિની ભાષાપ્રણાલિઓ જાણવાનું જરૂરી બને છે કારણ કે એના સંદર્ભમાં જ એનું પ્રમાણિત અર્થઘટન થઈ શકે છે. વળી, ચોક્કસ સમયની ભાષાની વીગતપૂર્ણ જાણકારી કૃતિઓની ત્રૂટિઓને નક્કી કરવામાં સહાયક નીવડે છે. બોલીનાં ધોરણોથી કૃતિ ક્યાં લખાયેલી હશે તે પણ જાણી શકાય છે, તો મૂળ કૃતિના સંદર્ભમાં લહિયાઓએ નકલોમાં કરેલી ભૂલોને તારવી શકાય છે. ટૂંકમાં, સાહિત્યસંદર્ભે શૈલીની સંકુલતાના વિશ્લેષણમાં વ્યાકરણધોરણોની સહાય અનિવાર્ય છે. નિર્દેશાત્મક વ્યાકરણમાંથી વર્ણનાત્મક બનેલું વ્યાકરણ વીસમી સદીના ઉત્તરાર્ધમાં સંસર્જનાત્મક, સ્તરીકૃત કે કારકીય બન્યું છે; તેમજ વૈજ્ઞાનિક અભિગમ દર્શાવી સાહિત્ય સાથે સંકળાઈને શૈલીવિજ્ઞાનમાં વિકસ્યું છે. ઇયત્તામૂલક વિશ્લેષણ કે વિન્યાસમૂલક વિશ્લેષણથી સાહિત્યની ભાષાનો અને એનાં વિચલનોનો અભ્યાસ શક્ય બન્યો છે. વાક્યના એકમથી હટીને પાઠ સુધી અને હવે પ્રોક્તિ સુધી વિસ્તરેલું વ્યાકરણ સાહિત્ય-અભ્યાસનો મહત્ત્વનો ઘટક છે. ચં.ટો.