ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂફીવાદ


સૂફીવાદ : અદ્વૈતવાદ, અધ્યાત્મવાદ અને તત્ત્વજ્ઞાનના પાયા પર ઊભેલો ભક્તિમાર્ગ. સૂફી શબ્દના જુદા જુદા અર્થસંદર્ભો મળે છે. એનો પ્રચાર ઈરાનમાં વિશેષ અને થોડેઘણે અંશે અરબસ્તાન, મિસર, ભારત અને અન્ય મુસલમાન વસાહતોમાં થયો. સૂફીનું પ્રાણતત્ત્વ પ્રેમ છે. દુનિયામાં જે કાંઈ છે એ પ્રેમનું જ પ્રગટીકરણ છે. સૂફી પોતાને આશક અને અલ્લાને માશૂક માને છે. અહીં ઈશ્કના બે પ્રકાર છે : ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાઝી. અલૌકિક પ્રેમનું પહેલું પગથિયું લૌકિક પ્રેમ છે. સૂફીનો પ્રેમ કોઈ ભય કે આશાથી પ્રેરિત નથી. ચાહવું એ જ એનો માર્ગ છે. સૂફીવાદની દીક્ષા લેનાર માટે હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીએ ચૌદ મકામાત અને ચાર મંજિલ ગણાવ્યાં છે. શરૂઆતમાં સૂફીવાદ ધાર્મિક ક્રિયાકાંડ અને સંતજીવન સુધી સીમિત હતો. પછીથી એમાં ‘હાલ’(નામસ્મરણ કરતાંકરતાં સમાધિ લાગવી અને અદ્ભુત આનંદનો અનુભવ થવો)ને પરિણામે રહસ્યવાદી અનુભૂતિઓ અને અભિવ્યક્તિઓ પણ ભળી. લગભગ દસમી શતાબ્દીની આસપાસ સૂફીવાદમાં વિવિધ સંપ્રદાય રચાવાની શરૂઆત થઈ. ભારતમાં અગિયારમી સદીથી સૂફીઓ આવવા માંડ્યા હતા. મોગલ સામ્રાજ્ય દરમ્યાન સૂફીવાદને વિશેષ મહત્ત્વ મળ્યું. સાહિત્યક્ષેત્રે સૂફીવાદનો ખાસ્સો પ્રભાવ જોઈ શકાય છે. ગઝલ, મસ્નવી, રુબાઈ અને કસીદા જેવા કાવ્યપ્રકારો આ જ ગાળામાં વિકસ્યા. લૌકિક પ્રેમકથાનાં રૂપકો અને સ્થૂળ લાગતાં શરાબ-સાકીનાં પ્રતીકો દ્વારા તસવ્વુફનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ગુજરાતી સાહિત્યમાં કાવ્યવિષય અને કાવ્યપ્રકાર બંનેની દૃષ્ટિએ બાલાશંકર કંથારિયા અને ‘કલાપી’ સૂફીવાદથી પ્રભાવિત થયા છે. બિ.ભ.