ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વાયત્ત


સ્વાયત્ત (કવિતા) (Autotelic) : ૧૯૨૩માં ટી. એસ. એલિયટે આ સંજ્ઞાનો પ્રયોગ કર્યો અને આ પછી નવ્ય વિવેચને બાહ્ય-નિર્દેશો પર આધારિત બોધપ્રધાન, તત્ત્વપ્રધાન વિવેચનાત્મક કે જીવનકથાત્મક લખાણોથી સાહિત્યકલાની સ્વયંપર્યાપ્તતાનો ભેદ કરવા એનો ઉપયોગ કર્યો. સ્વાયત્ત કૃતિનું સિંગલ મૂલ્ય એની ‘ઉપયોગિતા’ કે માહિતીપ્રદતા પર નથી. એમાં બહારના કોઈપણ વાસ્તવનો નિર્દેશ નથી. સંદેશ કે પ્રચારથી મુક્ત સ્વાયત્ત કૃતિ કોઈ બાહ્ય સત્યને નિર્દેશ્યા વગર પોતીકું સત્ય ઉપસાવે છે. આર્કિબાલ્ડ મેકલિશે સૂચવ્યું છે તેમ એને કશુંક કહેવા કરતાં કશુંક બનવામાં વધુ રસ હોય છે. ‘કલા ખાતર કલા’ સાથે સંકળાયેલી આ સંજ્ઞાનું નવ્ય વિવેચને ઊંચું મૂલ્ય આંક્યું છે. ચં.ટો.