ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિતા સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક – રમણભાઈ નીલકંઠ, 1868

From Ekatra Wiki
Revision as of 15:00, 18 March 2023 by Kamalthobhani (talk | contribs)
Jump to navigation Jump to search


5 RAMANBHAI NILKANTH.jpg
રમણભાઈ નીલકંઠ
(૧૩.૩.૧૮૬૮ – ૬.૩.૧૯૨૮)
કવિતા: સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક
 

કવિતાનું ઉત્પન્ન થવું અને કવિતાનું શબ્દમાં રચાવું એ બે જુદાં જુદાં કામ છે. શેલીનું કહેવું સત્ય છે કે “કવિતા તે ઉત્તમ અને સહુથી ધન્ય મનોનો ઉત્તમ અને સહુથી ધન્ય ક્ષણોનો હેવાલ છે.” પ્રથમ તો કવિતા સારુ ઉત્તમ અને ધન્ય મન જોઈએ. આવાં મન હંમેશ નહિ પણ કોઈ શ્રેષ્ઠ ભાગ્યશાળી ક્ષણમાં જે કરે તે કવિતા. કવિ કોઈ ફૂલ જુએ, કોઈ સુંદર રૂપ જુએ, કોઈ સૃષ્ટિનો દેખાવ જુએ, કોઈ જગામાં થઈ ગયેલો ફેરફાર જુએ, કોઈ ઠેકાણે ઈશ્વરની ચમત્કૃતિ ભાળે, કોઈ અસરકારક વાત કે વિચિત્ર ધ્વનિ સાંભળે, કોઈ રમ્ય ગંધ સૂંઘે, કોઈ થઈ ગયેલી, થતી કે થવાની બિનાનો વિચાર કરે, ત્યારે મનમાં કાંઈ લાગણી થાય અને તેથી કાંઈ જોસ્સો થઈ આવે. એ લાગણીથી કલ્પાય અને જોસ્સાથી રચાય તે કવિતા, બીજી બધી તો વેશધારી, મન પર આવી રીતે થયેલી અસર કે લાગણીથી જે ચિત્તક્ષોભ થાય તે જ કવિતાનું મૂળ, કલ્પના અને અનુકરણ એ તો સાધનભૂત છે. આ ચિત્તક્ષોભ કંઈ બોલાવેલો આવતો નથી. એક ફૂલ લઈને કોઈ કવિ વિચાર કરે કે ‘એના પર હું કાંઈ કવિતા કરું’ તો તે ન કરાય. છંદ ગમે એટલા રચે; પણ તેનામાં કવિત્વશક્તિ હોય તોપણ તે ક્ષણે મનની લાગણી અથવા અંતર્ભાવ વિના કવિતા ક્યાંથી ઉત્પન્ન થાય? થિયોડર વૉટ્સનું કહેવું સ્વીકારવા યોગ્ય છે કે “કવિતા ઉત્પન્ન કરવા સારુ આત્માએ ઉત્પન્ન કરવાની ઘડીએ.

દુ:ખે ઊઠ્યો ચમકિ, અથવા તેમ લાગ્યું મને ત્યાં;
સત્કાર્યોમાં દૃઢ મતિ કરી, યત્ન ઉચ્ચારવાનો
કીધો; મોટો કદિ મગજમાં કોઈ આવ્યાથિ તર્ક
જેવી થાયે સ્થિતિ, વળિ બને ગાલ બે લાલ લાલ.

આ લીટીઓમાં દર્શાવી છે તેવી ઉન્નતિની અને જ્ઞાનેંદ્રિયથી અગોચર સ્થિતિએ પહોંચવું જોઈએ. પોતાની કલામાં કવિ ગમે એટલો પ્રવીણ હોય તોપણ આવી વૃત્તિમાં આવ્યા વિના તેનાથી એક ખરેખરી કવિત્વવાળી લીટી લખાય નહિ.” ઉપર કહ્યું તેમ જે ઘડીએ કવિતા ઉત્પન્ન થાય તે ઘડીએ જ તે શબ્દમાં રચાવી જોઈએ એવો નિયમ નથી. લાગણીથી ક્ષોભ થાય ત્યારે કવિતા ઉત્પન્ન થાય. એ કવિતાને વાણીમાં રચવી એ કવિની કલા. વર્ડ્ઝવર્થ કહે છે તેમ ઘણી વખત ચિત્ત શાંત થયા પછી લાગણીને ફરી ચિત્ત અગાડી પ્રત્યક્ષ કરી કવિ કવિતા રચે છે. અલબત્ત, લાગણીનો સંસ્કાર તો મનમાં રહેલો જ હોય. અંત:ક્ષોભ મૂળથી એક વાર કવિતાનો છોડ ઊગે તો પછી રચના કરવાના મહાવરાથી કલામાં જે નિપુણતા આવી હોય તે વડે તેને સુશોભિત કરાય. મૂળ વિના છોડ જ ન ઊગે. પછી બધી કલા શા કામમાં આવે? કલ્પના અને અનુકરણને અંત:ક્ષોભનાં સાધનભૂત કહ્યાં છે. કારણ, કલ્પના અને અનુકરણ એ કવિતા ઉત્પન્ન કરતાં નથી. પણ કવિતા રચવાની કલાનાં અંગ છે. કલાના વ્યાપાર એ તો મનની ઇચ્છાને અધીન છે; બોલાવેલા આવે છે અને કાઢી મૂકેલા જાય છે. અંત:ક્ષોભ તો સ્વતંત્ર છે. ત્યારે કોઈ પ્રશ્ન કરશે કે ‘મનની સત્તાથી સ્વતંત્ર રાગથી જ કવિતા થાય અને બીજા કશાથી કેમ નહિ? કેટલાક લોકનો વિચાર એવો છે માટે તે જ સત્ય એમ કેમ કહેવાય? આનો ઉત્તર એ કે, પ્રથમ તો સર્વ માન્ય કરશે કે ઈશ્વરદત્ત શક્તિ વિના કવિ થવાય જ નહિ. એ શક્તિ અભ્યાસથી આવતી નથી. આ ઈશ્વરદત્ત શક્તિનું ઉત્સ્ફુરણ માત્ર ‘ઈશ્વરદત્ત પળે’ થાય તો જ એ દાન સાર્થક થાય. આ ઈશ્વરદત્ત પળમાં ચિત્તને જે લાગે, જે તર્ક આવે, તેનું નામ લાગણી, અને તે જ ચિત્તમાં ક્ષોભ કરી કવિત્વશક્તિને સફળ કરે. આ રીતે ઈશ્વરદત્ત પળ ત જ અંત:ક્ષોભની પડી. આવી ધન્ય ક્ષણે થતી વૃત્તિ સ્વેચ્છાધીન નથી એ ‘ઈશ્વરદત્ત શક્તિ’ અને ‘ઈશ્વરદત્ત પળ’ આ નામ જ સિદ્ધ કરી આપે છે. વળી, જે કારણથી કવિતા આપણને સ્વીકાર્ય થાય છે, જે કારણથી કવિતા આપણું આકર્ષણ કરે છે તેનું પૃથક્કરણ કરીશું તો જણાશે કે કવિતા હૃદયને સ્પર્શ કરે છે. લાગણીને જગાડી રુચિ ઉત્પન્ન કરે છે અને એ રીતે આનંદ આપે છે. તત્ત્વજ્ઞાન, ગણિત, પદાર્થવિજ્ઞાન વગેરે બુદ્ધિની તીક્ષ્ણતાના વિષયોથી કવિતા જુદી જ રીતે મનને ગ્રહણ કરે છે. અર્થાત્ કવિતા વિચારવિષયક નહિ પણ વિકારવિષયક છે. વિકાર એટલે મનનું બદલાવું, હૃદયમાં લાગણી થવી, ભાવનું ઉત્પન્ન થવું. વિકાર મનના પ્રયાસથી, ચિત્તે ઇચ્છા કર્યાથી ઉત્પન્ન થતા નથી પણ હૃદયની કોઈ સ્થિતિને લીધે આપોઆપ ઉદ્ભૂત થાય છે. હૃદયને વિકારયોગ્ય સ્થિતિમાં બુદ્ધિ લાવી શકતી નથી, વિકાર માટે ઇચ્છા કર્યાથી વિકાર થતા નથી. આવા વિકાર સત્ય, ઉદારતા, સૌન્દર્ય, અદ્ભુતતા, ઉચ્ચતા વગેરે ભાવનાવાળા હોય છે ત્યારે તે કવિત્વમય બને છે. ઉપર બતાવ્યું તેમ પ્રેરણાથી મનમાં કવિતા ઉત્પન્ન થયા પછી તેને વિસ્તારથી પ્રગટ કરતાં ઘણી વખત કલ્પના અને અનુકરણનો કવિ ઉપયોગ કરે છે. આ બે અંગની મદદ વિના એકલી પ્રેરણાથી રચેલી કવિતા, પ્રેરણામાં આ બે અંગ ઉમેરી રચેલી કવિતા, અને પ્રેરણા વિના માત્ર આ બે અંગથી રચેલી કવિતા આ સર્વનો મુકાબલો હવે પછી કરવાનું રાખી લાગણીથી થયેલી પ્રેરણાથી – અંત:ર્ભાવ કે ચિત્તક્ષોભથી થાય તે જ ખરી કવિતા એટલો હાલ નિર્ણય કરીશું.

*

અન્તર્ભાવપ્રેરિત (Emotional) તે જ ખરી કવિતા એ અમે ઉપર બતાવ્યું છે. પોતાના અનુભવથી ઉત્પન્ન થયેલા કવિના ભાવનું ચિત્ર એમાં આવે એ વાંચનારને સ્પષ્ટ થયું હશે. પોતાના અનુભવવાળી આ કવિતાને અંગ્રેજીમાં (Subjective) કહે છે. રા. નવલરામે આ શબ્દનો અર્થ ઘણી યોગ્ય રીતે, ‘સ્વાનુભવરસિક’ એ પદથી કર્યો છે. અન્તર્ભાવપ્રેરિત કવિતાના વર્ગમાં ‘સ્વાનુભવરસિક’ સિવાય એક બીજો ભેદ છે અને તેનું નામ ‘સર્વાનુભવરસિક’ (Objective) એ પદ પણ રા. નવલરામે ઘણી યોગ્યતાથી કહ્યું છે. સ્વાનુભવરસિક કવિતામાં કવિના પોતાના અનુભવથી થયેલા ચિત્તક્ષોભનું ચિત્ર હોય, અને સર્વ ઠેકાણે કવિના અન્તરાત્માની મૂર્તિ છપાયેલી હોય. સર્વાનુભવરસિક કવિતામાં કવિથી પૃથક્ બાહ્ય વસ્તુસ્થિતિનું ચિત્ર હોય. એમાં કવિ પોતાનું અન્ત:સ્વરૂપ ગુપ્ત રાખી જુદાં જુદાં રૂપ અને નવી નવી સ્થિતિ સાથે એકાત્મ થઈ સૂક્ષ્મ પરીક્ષાથી ચમત્કાર આપે છે. એ વિષય પર ડેવિડ મેસન કહે છે, “કેટલાક કવિ એવા હોય છે કે તેમની કવિતા મુખ્યત્વે કરીને સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવ: એ ત્રણની અનેકતાને લીધે થોડા કે ઘણા સંકુલ સંયોગોની બનેલી હોય છે: આ સર્વ ઇન્દ્રિયબોધ, સ્મૃતિ, અભ્યાસ, અને ધ્યાનયુક્ત વિચાર, એ બધાંથી કલ્પનાને મળેલાં સાધનો વડે વિશેષ જાતના કૌશલથી રચેલાં હોય છે; આ રચાય તેવાં જ તે કવિના પોતાના સ્વભાવના વિશેષ પૃથક્ સ્વરૂપ (Personality)થી ઘણું ખરું તદ્દન જુદાં જ પડે છે, અને તેમને પૃથક્ પદાર્થ બનાવી કાળના વહેળા પર તરતાં મૂકવામાં આવે છે. આ કવિઓ સર્વાનુભવરસિક કહેવાય છે; એમનો પોતાનો વિશેષ સ્વભાવ શો છે તે એમના લખાણ પરથી નક્કી કરવું એ ઘણું મુશ્કેલ કામ છે. શેક્સપિયરે જુદી જુદી વૃત્તિવાળા નાયકો જુદે જુદે પ્રસંગે બનાવ્યા છે; આ સર્વ ચિત્રમાંથી શેક્સપિયરની પોતાની છબી કયામાં વિશેષે કરીને છે તે નક્કી કરવામાં માત્ર નાયકના ચિત્રને પૂરતુ પ્રમાણ ગણવું એ સહેલો રસ્તો કામ નહિ લાગે. આપણે જુદાં જુદાં ચિત્રો એક પછી એક શેક્સપિયરના મનમાંથી બનીને નીકળતાં જોઈએ છીએ, અને આપણે જાણીએ છીએ કે આસપાસની સૃષ્ટિમાંથી તે મનને મળેલાં સાધનોને સૂક્ષ્મ કૌશલથી વાપરી એ ચિત્રો રચેલાં છે; પણ એ મનની અંદરની રચના કેવી હશે – એ ચિત્રોની રચનાનો શ્રમ ચાલતો હશે તે વેળા ત્યાં કેટલો વિષાદ, ખેદ, કે વ્યાકુળતા વ્યાપી રહ્યાં હશે – તે એ ચિત્રો પરથી બરોબર માલૂમ પડતું નથી. અલબત્ત, રચનાર વિશે બીજું બહારનું જ્ઞાન આપણને હોય તો તેના ગ્રન્થમાં તેની પોતાની છબી માલૂમ પડે ખરી. વળી ઊંડી તપાસ કરનારા ટીકાકારોને એવા સૂક્ષ્મ નિયમો પણ જડે છે કે તેથી કલ્પનાનો કવિના પોતાના વિશેષ સ્વભાવ તથા જીવનરીતિ જોડેનો સંબંધ માલમ પડે. પણ સર્વાનુભવરસિક કવિના વિશેષ સ્વભાવ અને તેનાં રચેલાં ચિત્રોનાં સ્વરૂપ વચ્ચે જે સંબંધ આખરે જડ્યો હોય કે જડે તેવો હોય તે, જે ઝટ જડે એવો સ્પષ્ટ સંબંધ સ્વાનુભવરસિક કવિના વિશેષ સ્વભાવ અને તેના તરંગો વચ્ચે રહેલો હોય છે તેનાથી ઘણી જુદી જ વસ્તુ છે. સ્વાનુભવરસિક કવિની કવિતા અને તેના સ્વભાવ વચ્ચેનો સંબંધ શોધી કાઢવામાં કદી મુશ્કેલી પડતી જ નથી. એવા કવિની કવિતા તે તો માત્ર તેના પૃથક્ વિશેષ સ્વભાવનો કલ્પના દ્વારા ઊભરો હોય છે, તેના કેટલાક દૃઢ મત હોય છે; તેનું મન કેટલીક વૃત્તિઓમાં નિત્ય વહે છે અને સત્ અસત્ વિશે તેના કેટલાક વિશેષ અભિપ્રાય હોય છે. તેની કલ્પના જે જે ચિત્ર રચે છે તે સર્વમાં તે આ મત, વૃત્તિ, અને અભિપ્રાયનો વિસ્તાર કરે છે.” ધ્યાન દઈ વાંચનારને આ પરથી જણાશે કે કેટલાક કવિમાં સ્વભાવથી જ સ્વાનુભવરસિક કવિતા તરફ વલણ હોય છે, અને કેટલાકમાં સ્વભાવથી જ સર્વાનુભવરસિક કવિતાની શક્તિ હોય છે. આ ભેદ કવિની ઇચ્છા પ્રમાણે થતો નથી. વળી, કોઈ મહાકવિ એવા પણ હોય છે કે તેમનામાં બન્ને શક્તિ હોય છે. સર્વાનુભવરસિક કવિતાના ત્રણ વિષય ઉપર જણાવ્યા: સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવ. સૃષ્ટિરચનાના વિષયથી વર્ણનાત્મક કાવ્ય બને; કવિમાં એટલાની જ શક્તિ હોય તો તેની કવિતા ઘણી ઊતરતી પંક્તિની થાય. પ્રસંગથી કલ્પનાને જે વિષય મળે તેથી ચમત્કારજનક બનાવ કે ચિત્તનું આકર્ષણ કરે એવું કોઈ કથાનું વૃત્તાન્ત આપવામાં કવિની શક્તિ જણાય. પણ સર્વાનુભવરસિક કવિનો સહુથી ઉત્તમ વિષય જનસ્વભાવ છે. જનસ્વભાવના ચિત્રથી નાટક બને. ખરેખરા સર્વાનુભવરસિક કવિની શક્તિ નાટકમાં જનસ્વભાવનાં ચિત્ર આપવામાં અને જુદા જુદા પ્રસંગે જુદી જુદી વૃત્તિવાળાં સ્ત્રીપુરુષોના મનની આબેહૂબ સ્થિતિ અને ભાવ દેખાડવામાં જણાય. સર્વાનુભવસિક કવિના ચિત્રસંયોગ સુગમ નહિ પણ સંકુલ હોય છે, કેમ કે એ કવિ પોતાના એક વિષયમાં તલ્લીન ન થતાં અનેક વિષયોમાં ફરી વળે છે અને જુદી જુદી વૃત્તિઓમાં જુદે જુદે રૂપે દેખાવ દે છે. આ ચિત્રો અદ્ભુત કૌશલથી રચાય છે એ શેક્સપિયર કે કાલિદાસ જેવા મહાકવિના ગ્રંથ વાંચી તેમાં વાસ્તવિક બનાવો કલ્પના વડે કેવી રીતે મનોહર કર્યા છે અને નીરસ વૃત્તાન્ત મૂકી દઈ વાસ્તવિક તેમ જ રસમય ચિત્રો પસંદ કરી તેમાંના ભાવ કેવી રીતે પ્રદર્શાવ્યા છે તે વિચારી જોવાથી માલૂમ પડશે. આ વિશેષ વિવેચનનો કવિતા કરતાં નાટકના વિષય સાથે વધારે સંબંધ છે. કવિની કલ્પનાને ઇન્દ્રિયબોધ, સ્મૃતિ, અભ્યાસ અને ધ્યાનયુક્તવિચાર – આ સર્વથી સાધન મળે છે. આથી એમ સમજવું નહિ કે આ કવિતા અન્તર્ભાવરહિત હોય છે અને તે હરકોઈથી ઉપલાં સાધનો વડે રચી શકાય. શેક્સપિયરનો પ્રખ્યાત ટીકાકાર પ્રોફેસર જર્વાઇનસ કહે છે. “મનની સ્થિતિ સાથે સંબંધ વિનાના બહારના અભ્યાસથી કે કવિતાના સ્વરૂપની યોગ્યતાના નિયમો સાચવ્યાથી શેક્સપિયરની કવિતા ઉત્પન્ન થઈ નથી, પણ અંતરના અનુભવ અને ચિત્તની ભાવપ્રેરણા, એ એની કવિતાનાં ઊંડાં મૂળ છે: દરેક વિશાળ કવિત્વશક્તિવાળાની કવિતાને આ ન્યાય લાગુ પડે છે.” આ અંતરના અનુભવ સ્વાનુભવરસિક કવિના અનુભવ જેવા સ્પષ્ટ નથી હોતા, પણ તે હોય તો ખરા જ. સર્વાનુભવરસિક કવિઓના શિરોમણિ શેક્સપિયરના સર્વાનુભવ અને સ્વાનુભવનો સંબંધ જર્વાઇનસ આ પ્રમાણે બતાવે છે: “કવિને અંતરમાં મહા અનુભવ થયા હતા, અને તે વિશે તેણે આત્મચિંતન કર્યું હતું; તેણે કાવ્યો, નાટકો અને કલ્પિત કથાઓમાં વાતો વાંચી હતી, અથવા ભૂત અને વર્તમાન કાળના ઇતિહાસમાં તેણે એવા બનાવો અને વૃત્તાન્તો નીરખ્યાં હતાં કે તેમાં તેના હૃદયને વિશેષતા જણાઈ અને તેમાં ચમત્કારવાળી ચેતના છે એવું તેને માલૂમ પડ્યું; કેમકે તેના પોતાનામાં, તેના સ્વભાવમાં કે તેની જીવનરીતિમાં એના સરખી જ સ્થિતિઓનો તેને અનુભવ હતો, જેથી એ બીનાઓનું ખરું તત્ત્વ તેને સમજાતું; આવા મળેલા કે અનુભવેલા સંસ્કારો, ભાવનાની આ બન્ને રીતિઓથી વધારે ઉજ્જ્વલિત થયા; કવિએ તે સંસ્કારોને નાટકો રચવાના ઉપયોગમાં લીધા અને નિપુણતાથી તેમને મનોહર રૂપ આપી રચ્યા.” આ પરથી સ્પષ્ટ થશે કે નાટકની કવિતા એકલા અભ્યાસથી કે યોગ્યતાના નિયમો સાચવ્યાથી રચાતી નથી, પણ તેમાંય મૂળમાં અંતર્ભાવ હોવા જોઈએ અને તેથી ભાવના સંસ્કાર જેમાં થઈ શકે તેવા હૃદયમાંથી જ એવી કવિતા નીકળે. તેમ જ એકલી જનસ્વભાવનું નિરીક્ષણ કરવાની શક્તિ એ કવિતા માટે બસ નથી. જ્યાં જ્યાં નિરીક્ષણ કરે ત્યાં ત્યાં ચમત્કાર ને ચેતના જોઈ શકે તે જ હૃદય કવિતામાં નવાં નવાં ચિત્ર રચી શકે. જ્યૉર્જ મોઇર કહે છે, “શાન્તપણે કરેલું નિરીક્ષણ અને જીવનરીતિ તથા જનસ્વભાવનો અભ્યાસ, એ બે અગત્યનાં ખરાં. પણ સર્વ સંપ્રદાય, સર્વ દેશ અને સર્વ વયમાં સ્વભાવવૃત્તિનાં જે મૂળતત્ત્વો એનાં એ જ રહે છે તેની કલ્પના કરવા સારુ વાસ્તવિક સંસારમાં જનસ્વભાવનું નિરીક્ષણ, અથવા જે રાગ અને વલણથી સ્વભાવનું અમુક રૂપ બનેલું હોય છે તેનું પૃથક્ પરીક્ષણ – એ બસ નહિ થાય. શેક્સપિયરનાં સ્ત્રીસ્વભાવનાં ચિત્રો તરફ દૃષ્ટિ કરો. હરણાં ચોરી જનારા, નાટક કરનારા અને નાટક લખનારા જેવા હલકી સ્થિતિના લોકોની સોબતમાં રહેનાર તરુણ (શેક્સપિયર) જેને શિષ્ટ સ્ત્રીસમાજ વિશે કશું જ્ઞાન જ નહિ હોય તેણે ક્રૂર, ઉદ્ધત સ્ત્રીઓનાં, તેમ જ શાન્ત રાજોચિત પ્રતાપવાળી સ્ત્રીઓનાં અને તેમ જ સરલ સ્વભાવવાળી સ્ત્રીઓનાં ચિત્ર સરખી જ અનુપમ પ્રવીણતાથી આપ્યાં છે તેનાં સાધનો તેણે વાસ્તવિક સૃષ્ટિમાં ક્યાંથી મેળવ્યાં હશે?” આ પ્રમાણે જનસ્વભાવનું ચિત્ર કવિના હૃદયના ભાવથી નીકળેલું હોય છે, પણ ચિત્ર પરથી કવિના સ્વભાવનું વિશેષ સ્વરૂપ શોધી કાઢવું ઘણું કઠણ છે. સ્વાનુભવરસિક કવિની કવિતામાં એ હરકત નથી પડતી; કેમ કે, તે તો સર્વ જગતને પોતાની વૃત્તિવાળું જ દેખે છે, પોતાના જ અનુભવનું સ્પષ્ટ ચિત્ર આપે છે, અને પોતે જે જુએ છે તે સર્વ સૃષ્ટિ જુએ છે એમ કહ્યું છે... એક ગ્રંથકાર રૂપક કલ્પે છે તેમ સ્વાનુભવરસિક કવિ કાચના ઘરમાં રહે છે અને જે જે ભાવો ને વૃત્તિઓ તેને થાય છે તે સર્વ ચેષ્ટા તથા અવયવોના ઇંગિતથી તે પ્રકાશિત કરે છે, તથા બહારથી જોનારા લોકને તે બધું માલૂમ પડે છે. સર્વાનુભવરસિક કવિ પથ્થરના ઘરમાં રહે છે અને થોડાં બાકાં ને છિદ્રોથી બહારની સૃષ્ટિને નીરખે છે; પણ તે અંદર રહ્યો રહ્યો શું કરે છે અને અમુક વૃત્તિઓથી કેવા વ્યાપાર તેના દિલમાં ઉત્પન્ન થાય છે તે બહારના લોકને દેખાતું નથી. સિડની કોલ્વિન કહે છે તેમ કીટ્સમાં ‘સર્વસ્વીકારયોગ્યતા’ હતી, એટલે તે પોતાની વિશેષ વૃત્તિ કોરે મૂકી હૃદયમાં સર્વને પ્રવેશ કરવા દેતો, કીટ્સ કહે છે, “(સર્વાનુભવરસિક) કવિને આત્મસ્વરૂપ હોતું જ નથી. તે નિત્ય બીજાં રૂપોમાં જ પેઠેલો હોય છે.” બીજે પ્રસંગે તે કહે છે, “કદાચ આ ઘડીએ હું પોતાના સ્વરૂપથી નહિ બોલતો હોઉં પણ બીજા કોઈ સ્વરૂપના આત્મામાં હું હાલ વસી રહ્યો હોઈશ અને તેની વતી બોલતો હોઈશ.” સર્વાનુભવરસિક કવિનો સ્વભાવ બહુરૂપી હોય છે. તેનામાં એવી શક્તિ હોય છે કે તે ‘બહુ રૂપ અનુપમ નિત્ય ધરે.’ ઉપલા વિવેચનથી સિદ્ધ થશે કે સર્વાનુભવરસિક કવિની વૃત્તિ વિશેષ જાતની હોય છે. તેની કવિતા અંતર્ભાવપ્રેરિત હોય છે તોપણ તેનો અંતર્ભાવ ગૂઢ રહેલો હોય છે. બહારની જ સૃષ્ટિનાં અને વિશેષે કરીને જનસ્વભાવનાં તથા બીજાના અંતર્ભાવનાં ચિત્ર આપવામાં તેનું વિશેષ કૌશલ હોય છે. તેની સર્જેલી વિચિત્ર સૃષ્ટિના નૃત્યને નિયમમાં રાખનારી ઘણી ઝીણી દોરી હાથ લાગે તો તે અંતે તેના હૃદયના ભાવ સાથે સાંધેલી માલૂમ પડે.

*

હવે, સ્વાનુભવરસિક કવિ અને સર્વાનુભવરસિક કવિ એ બેની પરસ્પર તુલના કરીએ. એ બેમાંથી શ્રેષ્ઠ કોણ? ગુજરાતી ભાષામાં તો બંને વર્ગની પ્રશંસાયોગ્ય કવિતા ઘણી થોડી છે. પણ, લોકો રસિક પુસ્તકો વાંચતા હોય તો એક વાર ‘કાન્તા’ વાંચી ફરીથી તે વાંચવાની ઇચ્છા કરનારા વધારે નીકળે; પણ એક વાર ‘કુસુમમાળા’ વાંચી જઈ ફરીથી તે પુસ્તક ઉઘાડવાનું મન કરનારા પ્રમાણમાં થોડા જડે, બધી ભાષામાં સ્વાનુભવરસિક કવિતા કરતાં સર્વાનુભવરસિક કવિતા વધારે લોકપ્રિય હોય છે. ઇંગ્રેજીમાં શેલી કે વર્ડ્ઝવર્થ વાંચનારની સંખ્યા કરતાં શેક્સપિયર વાંચનારની સંખ્યા ઘણી વધારે છે. પણ લોકપ્રિયતાથી કવિત્વનું પરિમાણ નથી કઢાતું. એ લોકપ્રિયતાનું કારણ છે ખરું; પણ તે કવિત્વઅંશની પરીક્ષાથી જુદું છે. સ્વાનુભવરસિક કે રાગધ્વનિ કવિતા લખનારા કવિઓ, કવિવર્ગ (કે સહૃદય વર્ગ)ને વધારે પસંદ હોય છે. સાધારણ વાંચનારની રુચિ સર્વાનુભવરસિક કવિતા માટે વધારે હોય છે. આનું કારણ એ છે કે સર્વાનુભવરસિક કવિતાનો વ્યવહાર સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવ જોડે હોવાથી એ કવિતા સાધારણ લોકને ઉપરથી સમજવી સહેલી પડે છે, તેનાં વર્ણનો તરફ તેમનું મન વળે છે, તેમાં વાર્તા હોય છે તેથી તે તેમને રસિક લાગે છે અને તેમાંના વિચારની પરંપરા ને તેની વસ્તુરચના તેમને સરળ ભાસે છે. સર્વાનુભવરસિક કવિની શક્તિ જુદાં જુદાં રૂપ ધરી વિસ્મય પમાડે છે. સ્વાનુભવરસિક કવિને દૃઢ વિચારોને અભિપ્રાય હોય છે. મેસન કહે છે તેમ એવા કવિની વૃત્તિ પદાર્થો વાસ્તવિક રીતે જે અનંત સંકુલ સ્વરૂપે ભાસે છે તેને ન છેડતાં, વસ્તુમાત્રમાં તત્ત્વ છે, જ્યાં જ્યાં અસ્તિત્વ ત્યાં ત્યાં ભાવરૂપ કંઈ મૂળ છે એમ માની, તે શોધવા તરફ હોય છે. પ્રકૃતિના સર્વ અવયવોનો આથી નીકળતો પરસ્પર સંબંધ મગજને ઝાઝી મહેનત નહિ આપનારા સાધારણ વાંચનારને સમજાતો નથી. તત્ત્વ શોધવા કવિ સાથે ઊંડા ઊતરવામાં, કવિના પ્રયાસનું ફળ તપાસવામાં, એવા વાંચનારને રસ પડતો નથી. કવિતામાં જે કવિને લગતું અને જેથી જ કવિતામાં ચૈતન્ય આવે તે તેનાથી ગ્રહણ કરાતું નથી. સ્વાનુભવરસિક કવિતામાં કવિને લગતું ઘણું વધારે અને કવિતામાંના ચિત્રનો ને તેને ઉત્પન્ન કરનારા કવિના હૃદયનો સંબંધ પ્રધાન ને સ્પષ્ટ હોય છે, આ જ કારણથી એ કવિતા સાધારણ વાંચનારને રુચતી નથી અને એ જ કારણથી સ્વાનુભવરસિક કવિ સર્વાનુભવરસિક કવિ કરતાં ઘણે દરજ્જે શ્રેષ્ઠ છે.

*

‘કવિતા કરે તે કવિ’ આ વાક્યમાં એક પક્ષે જ સત્યતા છે. અલબત્ત, અમુક પુરુષ કવિ છે કે નહિ તે તેણે રચેલાં પદ્યો પરથી જણાય. એ પદ્યોમાં કવિતા હોય તો તે રચનારો કવિ. કવિત્વશક્તિ પારખી કાઢવામાં આ ન્યાય લાગુ પડે છે ખરો. કવિતા એ કવિત્વશક્તિનો માત્ર જ્ઞાપક હેતુ છે, એટલે અમુક હૃદયમાં કવિત્વ છે કે નહિ તે બીજાને તે જણાવે એટલું જ. પણ, કવિતાની ઉત્પત્તિનો ક્રમ વિચારીએ તો ‘કવિ કરે તે કવિતા’ એ જ ખરી સ્થિતિ છે. સૃષ્ટિમાં પહેલા કવિ થયા છે ને પછી કવિતા થઈ છે. ‘કવિ’ શબ્દ પરથી ‘કવિતા’ શબ્દ થયો છે. ઇંગ્રેજીમાં પણ તેમ જ છે. મનુષ્યના હૃદયમાં કવિત્વશક્તિ ન હોત, રાગશીલ કલ્પના કરનારું કોઈ ન હોત તો કવિતા ક્યાંથી ઉત્પન્ન થાત? કવિ ન હોત તો કવિતા કંઈ પ્રકૃતિનાં તત્ત્વોની પેઠે મનુષ્યના અસ્તિત્વથી સ્વતન્ત્ર ઉત્પન્ન થઈ ન હોત. ત્યારે, ‘કવિતા કરે તે કવિ’ એ વાક્યમાં ઉત્પત્તિ વિચારતાં કાર્યકારણનો વિપર્યય છે. કવિ એ કવિતાનો જનક હેતુ છે, ઉત્પન્ન કરનાર છે. માટે, ‘કવિ કરે તે કવિતા’ એ જ કવિતાના અન્વેષણમાં ધ્યાનમાં રાખવાનું છે. કવિના હૃદયમાં થતા વ્યાપારની પરીક્ષા એ મોટું નિર્ણયસાધન છે. ગમે તેવી મનોરંજક રચનાને કવિતા કહી તેના રચનારને કવિ કહી શકાય તેમ નથી. આ રીતે કવિનો પોતાનો પૃથક્ સ્વભાવ એ જ કવિતા ઉત્પન્ન કરે છે. કવિના સ્વભાવની છાપ સ્વાનુભવરસિક કવિતામાં વધારે ઊંડી અને વધારે સ્પષ્ટ હોય છે એ અગાડી બતાવી ગયા છીએ, તે માટે સ્વાનુભવરસિક કવિ કવિવર્ગમાં શ્રેષ્ઠ છે. તેની રચનામાં કવિતા સંપૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે. કદાચ શંકા ઊઠશે કે કવિતા સ્વયંભૂ ને સ્વચ્છંદ છે ત્યારે તેની ઉત્પત્તિનો આધાર કવિના પર કેમ હોય? આનો ખુલાસો એ કે કવિત્વશક્તિ ઈશ્વરદત્ત છે અને તે મનુષ્યયત્નથી સંપાદન કરાતી નથી. ઉત્પન્ન થતી કવિતા કોના હૃદયમાંથી નીકળે કે કયે વખતે નીકળે એ પણ મનુષ્યની ઇચ્છાનુસાર નથી. પણ, મનુષ્યને હૃદય જ ન હોય, કે કોઈ કવિ જ ન હોય, તો કવિતા ઉત્પન્ન થાય જ નહિ, અને તે માટે કવિના હૃદયની વિશેષતા એ જ તેની કવિતાને વિશિષ્ટ કરે છે. હૃદયના વિકારવિષયક વ્યાપારો બે પ્રકારના છે; વલણ અને રાગયુક્ત કલ્પના. વલણથી કવિને દૃઢ વિચારો ને અભિપ્રાયો થાય છે, અને કલ્પના વડે તે વિચારો ને અભિપ્રાયો કવિના હૃદય પર અસર કરતાં સ્થાનોમાં છપાઈ કવિના ભાવનું ચિત્ર આપે છે. સર્વાનુભવરસિક કવિતા સાથે કવિના હૃદયના વલણને ઘણો ઓછો સંબંધ છે. સ્વાનુભવરસિક કવિનાં બધાં ચિત્રોમાં એ વલણનો રંગ હોય છે. તેથી, સર્વાનુભવરસિક કવિમાં કવિત્વનો એક વ્યાપાર જ (વલણનો) બહુ ઓછો હોય છે. સર્વાનુભવરસિક કવિ બનતી બિનાઓનો હેવાલ આપતો જાય છે તેથી તેની કવિતામાં ભાવનું આવિષ્કરણ ઓછું હોય છે. સ્વાનુભવરસિક કવિતામાં આખા કાવ્યમાં એક જ ભાવ સંપૂર્ણ સ્વરૂપે કવિને આધારે વ્યાપી રહે છે. સર્વાનુભવરસિક કવિતામાં જુદાં જુદાં ચિત્રોમાં જુદા જુદા ભાવ કકડે કકડે જુદા જુદા પ્રસંગ અને પાત્રોનો આશ્રય લઈ દેખા દે છે. એ સર્વેને અંતે એક રૂપમાં એકઠાં કરવાં અને તે બધા એક જ શરીરના અવયવો છે એવું બતાવવું એમાં સર્વાનુભવરસિક કવિનું મહાકૌશલ છે. ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ઇલિયડ’, એ વીરરસ કાવ્યો સર્વાનુભવરસિક કવિતાના વર્ગમાં આવે છે, એમાં સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવ એ ત્રણે એકઠાં થાય છે. એ પરથી જણાય છે કે સંસ્કારી સાહિત્યના ઇતિહાસમાં સર્વાનુભવરસિક કવિતા સ્વાનુભવરસિક કવિતાની પહેલાં આવે છે. તોયે, વાલ્મીકિના આદિ (સ્વાનુભવરસિક) શ્લોકના અગાડી આપેલા પૃથક્કરણ પરથી જણાશે કે એવા કવિની વૃત્તિ પણ પ્રથમ સ્વાનુભવ ગાવાની હોય છે. સહુથી જૂની વેદની ઋચાઓ સ્વાનુભવરસિક છે. આથી સિદ્ધ થાય છે કે સર્વથી ઉત્તમ કવિ તે સ્વાનુભવરસિક. પૂરેપૂરું શુદ્ધ કવિત્વ તે તેનામાં જ. પોતાના વિષયનો તે સંપૂર્ણ અધીશ્વર છે. સર્વાનુભવરસિક કવિ પારકા મુલક પર રાજ્ય ચલાવે છે અને તેથી કોઈ વેળા તેને અકવિતાના પ્રદેશમાં ઘસડાવું પડે છે. પણ તે સાધારણ વાંચનારને વધારે પસંદ પડે છે. સ્વાનુભવરસિક તે કવિઓનો કવિ, સર્વાનુભવરસિક તે લોકનો કવિ. પણ લોકપ્રિયતાને ઉત્તમતાનું પ્રમાણ ગણ્યાથી ઘણી વાર વિપરીત અનુમાન નીકળે છે. ચિત્રના પ્રદર્શનમાં જ્યાં કોલાહલ કરતું ને મોટેથી વખાણ કરતું ટોળું મળ્યું હોય તે જગાના કરતાં જ્યાં ગંભીર આકૃતિ અને ઊંડી ભ્રૂરચનાવાળા ત્રણચાર પુરુષો સ્થિર દૃષ્ટિથી વિચાર કરતા હોય અને અંતે મુખની રેખા પરથી આનંદ ને સંતોષ બતાવતા હોય તે સ્થાનમાં ભાવયુક્ત અને સૌન્દર્યવાળાં ચિત્ર હોવાનો વધારે સંભવ છે. શેક્સપિયર અને કાલિદાસ જેવા મહાકવિઓ જે સ્વાનુભવ અને સર્વાનુભવ બન્નેના રસિક છે અને બન્ને વિષયમાં પરમ સંપત્તિમાન છે તેમની શ્રેષ્ઠતા તો અનુપમ જ છે. તેમની વિધાનકલા અને કવિત્વસામર્થ્ય અપૂર્વ છે, પરંતુ તેમના હૃદયમાં રહેલું સ્વાનુભવરસિકત્વનું આધિક્ય જ તેમના ભાવપ્રવાહની ઉત્કૃષ્ટતાનું અન્ત્ય મૂળ છે.*)[1]

  1. * ‘સ્વાનુભવરસિક’ અને ‘સર્વાનુભવરસિક’ એ પદો વાપરતાં ધ્યાનમાં રાખવું જોઈએ કે Subjective અને Objective એ શબ્દોના અર્થમાં આ શબ્દો રસપ્રમાણ વિષયોમાં જ વપરાય, તત્ત્વશાસ્ત્રમાં ‘સ્વવિષયક’ અને ‘પરવિષયક’ એ એ શબ્દોના ખરા અર્થ છે.