ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/ધ્વનિસ્વરૂપ – લાભશંકર પુરોહિત, 1933

From Ekatra Wiki
Revision as of 15:31, 3 March 2023 by Kamalthobhani (talk | contribs)
Jump to navigation Jump to search
32. લાભશંકર પુરોહિત

(29.12.1933 —)

32. Labhshankar Purohit.jpg
ધ્વનિસ્વરૂપ

કવિતાની અભિવ્યક્તિનું એક માત્ર વાહન છે ‘શબ્દ’. કવિપ્રતિભાના સ્પર્શથી કાવ્યગત શબ્દ, ઊર્ધ્વરોહી બની, અનેકરંગી અર્થવલયોને પ્રકટ કરવા શક્તિમંત બનતો હોય છે. ‘ધ્વનિ’ સિદ્ધાંતના સમર્થ પ્રતિપાદક આનંદવર્ધન દ્વારા, યોગ્ય રીતે જ, કાવ્યગત ‘શબ્દ’ની આ અર્થલીલાનું ગૌરવ થયું છે. ‘શબ્દ’ની પ્રચ્છન્ન અર્થશક્તિઓને તાગી, સહૃદયચિત્તને આહ્લાદ આપે તેવા રૂપે, એને કાવ્યમાં પ્રયોજવામાં જ કવિની કવિત્વશક્તિની સિદ્ધિ છે. કાવ્યમાં ‘શબ્દ’ અને ‘અર્થ’ દ્વારા અભિવ્યંજના પામતો આ વિશિષ્ટ અર્થ એ ધ્વનિ. આપણી કાવ્યમીમાંસાના વિભિન્ન વિચારપ્રવાહોમાં થોડાઘણા અભિપ્રાયભેદે, મોટે ભાગે, કાવ્યઉપાદાનરૂપ શબ્દની દ્વિવિધ અર્થશક્તિનો તો સ્વીકાર થતો રહ્યો છે. વાણીના ઘટક તરીકે શબ્દનો પ્રાથમિક અર્થ છે પરંપરાપ્રાપ્ત અભિધેયાર્થ કે વાચ્યાર્થ. આ અર્થને કાવ્યમીમાંસાએ સાક્ષાત્ સંકેત તરીકે ઓળખાવ્યો છે.1 વ્યવહારભાષાનું ઉપલું કાઠું આ વાચ્યાર્થને પ્રકટ કરતા વાચક શબ્દથી ઘડાયું હોય છે. આ વાચ્યાર્થ ઉપરાંત દ્વૈતીયિક અર્થ છે લક્ષ્યાર્થ. કાવ્યેતર વ્યવહારમાં પણ આપણે શબ્દને લક્ષ્યાર્થસમેત પ્રયોજતા હોઈએ છીએ. શબ્દના આ પ્રથમત: અને દ્વિતીયત: અર્થોને પ્રકટ કરનારી શક્તિઓ તે અનુક્રમે અભિધા અને લક્ષણા. પણ ઉત્તમ કવિતામાંથી આપણને સાંપડતો રહસ્યસભર આશય કે ધ્વનિ અભિધાજન્ય કે લક્ષણાજન્ય નથી જ હોતો. અભિધાવૃત્તિ તો શબ્દનો પ્રાથમિક અર્થ – કોશગત અર્થ – આપીને અટકી જાય છે; પ્રથમ અર્થનો બાધ થતો હોય તેવા કિસ્સામાં ક્યારેક એની સાથે સંકળાયેલા અન્ય અર્થને લક્ષણાવૃત્તિ પ્રાપ્ત કરાવે છે. આ ઉભય અર્થને અતિક્રમીને રચનામાંથી સ્ફુરતો વિશિષ્ટ ધ્વનિમૂલક અર્થ તો પ્રાપ્ત થતો હોય છે કોઈ ત્રીજી શક્તિના બળે. ધ્વનિનિષ્પાદક આ ત્રીજી શક્તિ તે વ્યંજના. અભિધા વા લક્ષણાના વ્યાપારને અંતે એનું પ્રવર્તન થતું હોય છે. આ વ્યંજનાબળે પ્રાપ્ત થતો વ્યંગ્યાર્થ તે ધ્વનિ; એ જ ‘કાવ્યસ્યાત્મા’ છે.2 ધ્વન્યાર્થની ઉપસ્થિતિ, આનંદવર્ધનના અભિપ્રાયે, કાવ્યની અનિવાર્ય શરત છે. ‘સહૃદયના હૃદયને હરી લે’ તેવા પ્રતીયમાન અર્થના સ્પર્શના અભાવવાળું કોઈ કાવ્ય નથી એટલેસ્તો આ પ્રતીયમાન અર્થને ‘કાવ્યનું પરમ રહસ્ય’ ગણ્યું છે.3 સહૃદયની પ્રશંસા પ્રાપ્ત કરતા, કાવ્યના આત્મતત્ત્વરૂપ ‘અર્થ’ને, ધ્વનિકાર, બે પ્રકારનો ગણે છે: વાચ્ય અને પ્રતીયમાન.4 આ પૈકી વાચ્ય અર્થ તો સુપ્રસિદ્ધ અને સર્વગમ્ય છે. ઉપમાદિ અલંકારોનાં દૃષ્ટાંત વડે આલંકારિકોએ એનું ઘટતું વિવરણ પણ કર્યું જ છે. પરંતુ કાવ્યમાં સવિશેષ મહિમા તો છે પ્રતીયમાન અર્થનો. પ્રત્યક્ષ અર્થલક્ષી ને મૂળ સંદર્ભને જ વશવર્તી અભિધામૂલક વાચ્યાર્થની ગતિ શાસ્ત્ર કે વિજ્ઞાનના નિરૂપણમાં સહાયક નીવડે છે; જ્યારે પરોક્ષ અર્થલક્ષી ને સંદર્ભપરિવર્તનક્ષમ પ્રતીયમાન અર્થની ગતિ, કવિતાના વિશિષ્ટ ધ્વનિવ્યાપારને અનુલક્ષે છે. આ પ્રતીયમાન અર્થની સંદર્ભવિકેન્દ્રીયતા, વિવૃત્તિ અને વ્યાપનશીલતા પ્રગટે છે કવિતાગત શબ્દના ‘તરંગાયમાનત્વ’ને કારણે. પ્રતિભાસ્કૃષ્ટ કવિકર્મને પ્રતાપે, પ્રતીયમાન અર્થનો વાહક, કાવ્યગત શબ્દ વિભિન્ન ને વિવિધ અર્થતરંગોને પ્રસારી શકે છે; અને એમાંથી જ એનું, કળાસૌન્દર્યનું દ્યોતક એવું, પ્રતીકાત્મક રૂપ ઘાટ પામે છે. કાવ્યપદાર્થના શીર્ષસ્થાને વિરાજમાન આ પ્રતીયમાન અર્થ, જો કે સાંપડતો હોય છે રચનાગત વર્ણસંઘટના દ્વારા. પણ એ કેવળ શબ્દસ્થ નથી; કવિતાવાણીના વર્ણ, શબ્દ, પદ, વાક્ય જેવા ભિન્નભિન્ન વાક્-ઘટકો કે મુખ્યાર્થ, લક્ષ્યાર્થ જેવા અર્થઘટકોના નકરા સમુચ્ચય વા ઉપચય માત્રથી એ પ્રાપ્ય નથી; કે નથી આ બાહ્ય કાવ્યઘટકોમાં જ સંનિહિત અંગનાનું લાવણ્ય એના શરીરસંસ્થાનના ભિન્નભિન્ન અવયવોમાં જ પ્રકીર્ણરૂપ નથી હોતું, પણ એ સૌને અતિક્રમીને સકલ અવયવના સંવાદપૂર્ણ સંયોગમાંથી સ્ફુરતી ચૈતન્યઆભામાં વિલસી રહ્યું હોય છે; તેવી જ રીતે, મહાકવિઓની કવિતાવાણીમાંનો ધ્વનિરૂપ પ્રતીયમાન અર્થ પણ વર્ણ, શબ્દ, વાક્ય, અભિધેયાર્થ, લક્ષ્યાર્થ વગેરેને વળોટીને સમગ્ર રચનાના અખંડ પુદ્ગલ રૂપ, ઔચિત્યસભર સંવાદાત્મક સકલસંદર્ભમાંથી જ મ્હોરતો હોય છે.5 આ લાવણ્યસદૃશ ધ્વન્યાર્થને વ્યકત કરી શકે તેવા ‘શબ્દ‘ની પ્રાપ્તિ પણ વિરલ અને કષ્ટસાધ્ય છે. એ કારણે જ અસંખ્ય નામધારી કવિઓમાંથી માત્ર ગણતર કવિઓને જ મહાકવિઓનું ગૌરવ સાંપડતું હોય છે. આસ્વાદ્ય પ્રતીયમાન અર્થને પ્રવાહિત કરવા સમર્થ મહાકવિઓની કવિતાવાણી, કવિની ‘અલોકસામાન્ય’ પ્રતિભાસમાન સર્ગશકિતની વિશિષ્ટતાને પ્રકટ કરે છે.6 પ્રતીયમાન અર્થને પ્રચ્છન્નરૂપે ધરાવતી - અર્થવસ્તુની કલ્પકતા ધરાવતી – કવિતાસરસ્વતી જેટલી કવિપક્ષે કષ્ટસાધ્ય અને અસાધારણપ્રાપ્ય છે; એટલી જ ભાવકપક્ષે કઠિન ભાવસાક્ષાત્કાર કરવાની ક્ષમતાની અપેક્ષા ધરાવનારી છે, એ કારણે જ, કાવ્યના પરમ રહસ્યરૂપ, આ ધ્વન્યાર્થની પિછાન કેવળ વ્યુત્પત્તિ-વિદ્વત્તા-ને સહારે શક્ય નથી; શબ્દાર્થશાસન-વ્યાકરણ અને કોશવિદ્યા-ની ઊંડી જાણકારી પણ ધ્વન્યાર્થપ્રાપ્તિ માટે પર્યાપ્ત નથી. કાવ્યના ધ્વનિપૂત સૌંદર્યમર્મની પ્રાપ્તિ તો કેવળ ‘કાવ્યાર્થતત્ત્વજ્ઞ’ અધિકારી ભાવકને જ થાય છે.7 પ્રકટન અને પ્રાપ્તિ પરત્વે સર્જક-ભાવક ઉભયની શક્તિને તાગતા અને સજ્જતાની અપેક્ષા રાખતા આ પ્રતીયમાન અર્થની દુ:સાધ્યતાનું કારણ છે એનું વાચ્યાર્થ-આલંબન. ધ્વનિરૂપ વ્યંગ્યાર્થને પ્રકટ કરવા કવિ પ્રથમ તબક્કે આ અભિધામૂલક વાચ્યાર્થનું આલંબન લે છે. પ્રકાશ પ્રાપ્ત કરવા ઇચ્છતો માનવી ઉપકરણ તરીકે, દીપશિખાનો સહારો લે છે; પણ આ દીપક તો છે કેવળ સાધન, ને સાધ્ય તો છે પ્રકાશ. દીવાને સહારે એને જેમ પ્રકાશ લાધે છે, એ જ પ્રકારે કવિ પણ કાવ્યરહસ્યરૂપ ધ્વનિને સિદ્ધ કરવા અર્થે વાચ્યાર્થનો, સાધન તરીકે, ઉપયોગ કરે છે.8 અખંડ વાક્યાર્થની પ્રાપ્તિ વાક્યાંતર્ગત પદોના અન્વયબળે શક્ય બને છે. પ્રકીર્ણ શબ્દો પરસ્પરના વિભક્તિ સંબંધને કારણે સહાયરૂપ થતા હોય છે; પરંતુ વાક્યાર્થની પ્રાપ્તિ થતાં, પ્રત્યેક પદનો વ્યક્તિગત એકાકી અર્થ ગૌણભાવ ધરાવતો થઈ જાય છે. કાવ્યના સર્જનભાવનની પ્રક્રિયામાં ધ્વનિરહસ્યના પ્રકટન ને પ્રાપ્તિની વેળાએ આ પ્રકારની પ્રક્રિયા પ્રવર્તતી હોય છે. અધિકારી ભાવકના ચિત્તમાં કાવ્યાંતર્ગત ધ્વનિ કે રહસ્ય પ્રત્યક્ષ થાય છે તે કક્ષાએ કાવ્ય-ઉપાદાનના પ્રથમ અર્થરૂપ વાચ્યાર્થનો સંબંધ પ્રાય: ભુંસાઈ જતો હોય છે. એટલે, પ્રતીયમાન અર્થના ધ્વનનવ્યાપારમાં વાચ્યાર્થ કેવળ સોપાનભૂમિકારૂપે રહ્યો હોય છે.9 ‘ધ્વનિ’ની આ બધી વિલક્ષણતાઓને ધ્યાનમાં લઈને, આનંદવર્ધન એની વ્યાખ્યા આ પ્રકારે બાંધે છે: “જ્યાં અર્થ પોતાને અને શબ્દ પોતાના અભિધેય અર્થને ગૌણભાવે રાખીને, તે અર્થ(પ્રતીયમાન)ને વ્યક્ત કરે છે તેવા કાવ્યવિશેષને વિદ્વાનો ‘ધ્વનિ’ કહે છે.”10 આમ, વાચ્યવિશેષ અર્થ અને વાચકવિશેષ શબ્દ જ્યાં પ્રતીયમાન અર્થને વ્યક્ત કરે તેવી રચના ‘ધ્વનિ’ કહેવાય. આ પરથી ધ્વનિનું સૌ પ્રથમ લક્ષણ થયું ‘શબ્દ-અર્થ’ના સ્વકીય અર્થોનું, અન્ય અર્થની તરફેણમાં વિસર્જન. આ સ્થિતિમાં કવિતામાં પ્રત્યક્ષ થતા ‘શબ્દ’ અને ‘અર્થ’, મહીંથી પમરતા ધ્વન્યાર્થ કરતાં, ક્યારેક, સાવ ભિન્ન રૂપે દીસવાના, વાચ્યાર્થ અને ધ્વન્યાર્થ વચ્ચેનો આ ભેદ, સ્વરૂપ, કાલ, આશ્રય, નિમિત્ત વગેરે ભિન્ન ભિન્ન સ્તરે પ્રતીત થતો હોય છે. વાચ્યાર્થ ને વ્યંગ્યાર્થનો સ્વરૂપભેદ ક્વચિત્ વિધિનિષેધના વિપર્યાસ પ્રકારનો હોઈ શકે; એટલે કે વાચ્યાર્થ દ્વારા આક્ષિપ્ત હોવા છતાં વ્યંગ્યાર્થ, વાચ્યાર્થથી વિરુદ્ધ રૂપનો હોય. આ ઉક્તિઓ જુઓ:

‘રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનાર
***
રચો, રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો,
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે!
– ઉમાશંકર જોશી11

અહીં વાચ્યાર્થ તો વિધિમૂલક છે, પરંતુ વ્યંગ્યાર્થ નિષેધમૂલક છે. અંબરચુંબી મંદિરો, મિનારા, વાટિકા, ધુમ્મટો વગેરે પીડિતોના ભોગે તથા સંપત્તિપ્રદર્શનો ને સાહેબી બંધ કરવાનો સંકેત ઉદ્દિષ્ટ છે; અન્યથા, ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે’ – એવું અમંગળ ભાવિ નિશ્ચિત છે જ. આનાથી ઊલટું, ક્યારેક વાચ્યાર્થ નિષેધવાચક હોય, પણ વ્યંગ્યાર્થ વિધિવાચક હોય:

“દાંડી વગડાવું મારા દેશમાં કે કોઈ હવે છાતીએ ન છૂંદાવે મોર.”
– રમેશ પારેખ12

અહીં વાચ્યાર્થ તો છાતીમાં મોર છુંદાવવાના પ્રણયની ઝંખનાના નિષેધનો છે, પણ વ્યંગ્યાર્થ પ્રણયની વિરહવેદના, કષ્ટસાધ્યતા, તડપનને વ્યંજિત કરી ઝંખનાની તીવ્રતાને ઉપસાવે છે. વાચ્યાર્થ-વ્યંગ્યાર્થ વચ્ચે, ગ્રાહ્યતા પરત્વે, કાલભેદ પણ હોય. કાવ્યભાવનની પ્રક્રિયામાં, રચનાના સંપર્ક વખતે જ, પ્રથમાર્થ રૂપે વાચ્યાર્થ તો પ્રાપ્ત થઈ જતો હોય છે: પરંતુ વ્યંગ્યાર્થની પ્રાપ્તિ તે પછીની ક્ષણોમાં, કાવ્યનું રહસ્ય ભાવકચિત્તમાં જેમ જેમ ઊકલતું જાય તેમ તેમ થાય છે. ઉભય વચ્ચે ત્રીજો ભેદ છે આશ્રયનો. વાચ્યાર્થનો એકમેવ આશ્રય છે શબ્દ; શબ્દની બહાર વાચ્યાર્થનું કોઈ અસ્તિત્વ નથી; જ્યારે વ્યંગ્યાર્થ તો શબ્દ, શબ્દાંશ, વર્ણ, પ્રત્યય, રચના, અભિનય, સૂર-આમ વાણીપ2ક ને-વાણીથી પર એવા પણ-આશ્રયે પ્રગટ થતો હોય છે

“ને ક્રોસ પર જે થાય છે તે થઈ ગયું”
– હસમુખ પાઠક13

અહીં પ્રકરણ સંદર્ભે તો ‘ક્રોસ’ શબ્દ, ‘વિભિન્ન દિશાઓમાંથી આવતા બે કે વધુ માર્ગોના પરસ્પર છેદનું સ્થાન’ – એવો વાચ્યાર્થ જ ધરાવે છે, પરંતુ કૃતિના સમગ્ર રહસ્ય સંદર્ભમાં ઈસુના વધસ્તંભનો મર્મપૂર્ણ અર્થ આરોપી, કૃતિના આશયને કેવી કળાત્મક ભૂમિકા આપી રહે છે તે સ્પષ્ટ છે. ‘ક્રોસ’ શબ્દ વાચ્યાર્થ ઉપરાંત વ્યંગ્યાર્થને પ્રકટ કરે છે. અને આ અર્થ શબ્દનિષ્ઠ છે; જ્યારે,

“હઅં...ચ્અ...વાલમ, હાલ્ય, સીમાડો સાવ લીલો નાધેર”
– રમેશ પારેખ14

આ પંક્તિમાં, પ્રણયવ્યાકુળ નાયિકાની, પિયુમિલનના સંકેતની ઉન્માદી પ્રસન્નમુદ્રા, ‘હં...અ...’ જેવા વાક્-વ્યતિરિક્ત ઉદ્ગારથી કેવી વ્યંજિત બની રહે છે? કેટલીક વાર રચનાના સમગ્ર બંધમાંથી રહસ્યરૂપ ધ્વનિ સ્ફુરતો હોય છે. ‘તરસ્યા ઓ વાદળીને તીર રે, વિહંગરાજ, એકલા ઊડે.’ કે ‘ધૂમકેતુનું ગીત’ જેવી ન્હાનાલાલની કાવ્યરચનાઓ વ્યક્તિની એકલતા, ઊર્ધ્વારોહણ, અસ્પૃષ્ટત્વ વગેરે અર્થોને સકલ-કૃતિના આશય લેખે વ્યંજિત કરે છે. નિમિત્ત પરત્વે પણ વાચ્યાર્થ ને વ્યંગ્યાર્થ જુદા તરી આવે છે. વાચ્યાર્થપ્રાપ્તિનું નિમિત્ત વ્યાકરણ અને શબ્દકોશ હોય છે. જ્યારે વ્યંગ્યાર્થપ્રાપ્તિનું નિમિત્ત વક્તા, બોદ્ધા, પ્રકરણ વગેરે હોય છે. વક્તા, શ્રોતા, સંદર્ભ વગેરેની વિશિષ્ટતાને કારણે વ્યંગ્યાર્થભેદ નીપજતા હોય છે. એક જ ઉક્તિ, આવા સંજોગોમાં જે અર્થાન્તરો સર્જે છે તેમાં નિર્ણાયક બળ ‘નિમિત્ત’ હોય છે. ‘સાંજ પડી’ – એવી સાદી ઉક્તિનો અર્થ, પ્રણયવ્યાકુળ વિરહી, નોકર, ખેડૂત વગેરેને નોખો નોખો ભાસવાનો. ફળ કે પરિણામની બાબતમાં પણ ધ્વન્યાર્થની વિશેષ મહત્તા છે. વાચ્યાર્થનું ફળ અર્થપ્રતીતિ છે, જ્યારે વ્યંગ્યાર્થનું કાર્યફળ ચમત્કારનો અનુભવ છે. વાચ્યાર્થ અર્થબોધ કરાવીને અટકી જાય છે, જ્યારે વ્યંગ્યાર્થ ભાવની વ્યંજના દ્વારા ભાવકચિત્તને આહ્લાદનો અનુભવ કરાવે છે. આ ઉપરાંત, વિષયપરત્વે પણ વ્યંગ્યાર્થ વાચ્યાર્થ કરતાં ભેદ ધરાવે છે. વાચ્યાર્થ તો એક વ્યક્તિને-વિષયને-ઉદ્દેશીને પ્રવર્તતો હોય છે, જ્યારે વ્યંગ્યાર્થ અન્યોદ્દિષ્ટ પણ હોય:

રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું;
– કલાપી15

આ ઉક્તિમાં, અભિધાના સ્તરે તો વાચ્યાર્થ કેવળ શિકારીને સંબોધીને–ઉદ્દેશીને ચાલે છે, પરંતુ ઉક્તિના એના સૂક્ષ્મ સ્તરે, તો, કળા-સૌંદર્ય માત્રના ઘાતકને ઉદ્દિષ્ટ બનાવતો વ્યંગ્યાર્થ ધારે છે. વાચ્યાર્થના મુકાબલે વ્યંગ્યાર્થની, ભિન્ન ભિન્ન કક્ષા પરની આ ભેદકતા, વ્યંગ્યાર્થ ધ્વનિ-ની કાવ્યપ્રયોજકતાને વિશેષ મહત્ત્વ અપાવી રહે છે. ધ્વનિની આ વિલક્ષણતાને કારણે જ, વક્તવ્યના આશયની સમાનતા હોવા છતાં, ધ્વનિના અભાવને લીધે એક રચના કવિતા નથી બની શકતી, જ્યારે બીજી રચના ધ્વનિની ઉપસ્થિતિને લીધે, કવિતા બને છે. લગ્નોત્સુક નાયિકાના મનોગત ભાવની અભિવ્યક્તિનાં બે ઉદાહરણ જોઈએ.

1. ........ધરડાં માણસ ઢોર;
પરણ્યાં કુંવારાં કાંઈ ન પ્રીછે ફોગટ કરતાં શોર.
હું સમાણી જાય સાસરે, તેના જો તું તોગ;
તેહની પેરે થાશે માહારે, ત્યારે જાશે અફકણિયે રોગ;
– પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’

2. આંખોને કાળમીંઢ કોણે ઘડી છે?
મને કોઈ તો જોયાનું સુખ આપો!
– રમેશ પારેખ16

કુમારિકાના ચિત્તમાં જાગતી લગ્નસ્પૃહા અને તજ્જન્ય આકુલતા – આ બંને ઉદાહરણોમાં વ્યક્ત થઈ છે. પણ પ્રથમ ઉદાહરણમાં, થોડું અભદ્ર ગણી શકાય તેવું પ્રગલ્ભ-પ્રાકૃત કક્ષાનું અભિધાનિષ્ઠ કથન છે, જ્યારે બીજા ઉદાહરણમાં નાયિકાની સ્પૃહા, આકુલતા અને ખટક સંગોપીને વ્યંગ્યાર્થની ચાર કક્ષાએ અભિવ્યક્તિ પામ્યાં છે. એ કારણે જ ધ્વનિના અભાવે પ્રથમ ઉદાહરણમાં કાવ્યત્વ નથી; ધ્વનિના સત્-ભાવે બીજા ઉદાહરણમાં કાવ્યત્વ સિદ્ધ થતું જોઈ શકાય છે. ધ્વનિના અભાવ ને ભાવની સાહેદી આપતાં બીજાં ઉદાહરણ જોઈએ:

1. પ્રાણિયા, ભજી લેને કિરતાર,......
...
તે તો ત્યજી તમે જશો એકલા, ખાશો જમના માર રે... પ્રાણિયા.
...
ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો,
પછી પૂંઠે પડે પોકાર રે... પ્રાણિયા
– ભોજો ભગત

2. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
– રાવજી પટેલ17

મૃત્યુવિષયક ભાવ-સંવેદનને વ્યક્ત કરવાનો, અહીં બંને ઉદાહરણોમાં પ્રયત્ન છે. પણ પ્રથમ ઉદાહરણમાં મૃત્યુની ભયાવહતા, અટકળતાનું, આક્રોશયુક્ત સ્થૂળ કક્ષાનું ઉચ્ચારણ માત્ર છે. બીજા ઉદાહરણમાં મૃત્યુના સંવેદનને અત્યંત ઋજુતાથી, ‘કંકુના સૂરજ’ના પ્રતીક દ્વારા જીવનના અસ્તને વ્યંજિત કરી, ‘વેલ’ના પ્રયાણ પ્રતીકથી સભર રીતે અભિવ્યક્ત કર્યું છે. આ રીતે, રચનામાં ધ્વનિની ઉપસ્થિતિને કવિતાનું નિર્ણાયક પરિબળ ઘટાવાયું છે. આમ છતાં, ધ્વનિરૂપ વ્યંગ્યાર્થની કેવળ ઉપસ્થિતિ માત્રથી કામ પતતું નથી. ધ્વનિકાવ્યનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે તો કૃતિમાં ધ્વનિનું પ્રાધાન્ય ઇષ્ટ છે. રચનામાં વ્યંગ્યાર્થ હોય, આમ છતાં વાચ્યાર્થ એના કરતાં વિશેષ ચમત્કારપૂર્ણ હોય તો તેવા કિસ્સામાં ઉક્ત કૃતિ ધ્વનિકાવ્ય ન ગણી શકાય. આ ઉદાહરણ જુઓ:

વેણીમાં ગૂથવાં’તાં
કુસુમ, તહીં રહ્યાં
અર્પવાં અંજલિથી.
– રા. વિ. પાઠક18

અહીં પ્રકરણનિરપેક્ષ વાચ્યાર્થ સ્પષ્ટ છે. નાયિકાના કેશકલાપમાં પુષ્પગ્રથનનો નાયકનો અભિલાષ, નાયિકાના અવસાનને કારણે, નિષ્ફળ બની રહે છે, એટલું જ વિવક્ષિત નથી; પ્રણયના શુચિધવલ પ્રતીક શાં એ પુષ્પો તર્પણ-અંજલિમાં આપવાં રહ્યાં! અભિલાષ વિપર્યાસની નીંગળતી કરુણતા, વાચ્યાર્થમાંથી જ ટપકે છે. પરંતુ કુસુમ એટલે કાવ્યકુસુમ – એવો અહીં વ્યંગ્યાર્થ પણ છે. આ કાવ્યકુસુમો ગ્રંથાકારે તને અર્પવાનાં હતાં, એ હવે તારા અવસાન પછી પ્રકાશિત થાય છે એ મતલબનો વ્યંગ્યાર્થ પણ અહીં સૂચિત છે. દેખીતી રીતે જ, અહીં વિશેષ ચમત્કારભર્યો અર્થ તો વાચ્યાર્થ જ છે; એ કારણે વ્યંગ્યાર્થની હાજરી હોવા છતાં, પ્રધાનતા તો વાચ્યાર્થની જ રહે છે. અભિધામૂલક ‘શબ્દ’ અને ‘અર્થ’ના ઉપસર્જનને કારણે તદનંતર ફૂટતો વ્યંગ્ય–અર્થ, રચનામાં પ્રાધાન્ય તો ભોગવતો હોય જ; પરંતુ કૃતિના અંશમાંથી કે સમગ્ર પુદ્ગલમાંથી એ સહજસ્ફુરિત હોવો જોઈએ. પ્રતિભાની મંદતા કે વ્યુત્પત્તિના અભાવને કારણે, કવિ પોતાની રચનામાં શબ્દનો સમુચિત વિન્યાસ ન યોજી શકે એ સ્થિતિમાં, પ્રતીયમાન અર્થને તાણીતૂસીને, દુરાકૃષ્ટપણે આણવો પડે એ સ્થિતિ ધ્વનિકાવ્યને માટે ઇષ્ટ નથી.19 ધ્વનિની આ સહજ, સ્ફુરણા અને સ્ફુટત્વ ઔચિત્યને લીધે પ્રાપ્ય બની શકે. (ધ્વનિકાવ્યના) સકલ ભેદોમાં ધ્વનિની સ્કુટરૂપે પ્રતીતિ થાય છે તે જ ધ્વનિનું પૂર્ણ લક્ષણ છે.20 સંક્ષેપમાં કહીએ તો, ધ્વનિસિદ્ધાંત મુખ્યત્વે આટલાં વાનાંનો આગ્રહ રાખે છે: 1. કાવ્યરચનામાં શીર્ષસ્થાને-આત્મતત્ત્વરૂપે-ધ્વનિ છે, 2. આ ધ્વનિની અભિવ્યક્તિ અભિધા કે લક્ષણા દ્વારા શક્ય નથી એટલે શબ્દની ત્રીજી શક્તિ તરીકે વ્યંજનાને સ્વીકારવી ઘટે, 3. આ વ્યંગ્યાર્થ, વાચ્યાર્થથી પર, અન્યતર છે, 4. રચનાંતર્ગત ધ્વનિ સહજ-સ્ફુરિત અને સ્ફૂટ હોવો જોઈએ, અને 5. રચનામાં વિશેષ ચમત્કાર ધ્વનિનો હોવો જોઈએ.

સંદર્ભ

1. साक्षात् संकेतित योऽर्थ अभिधते स वा ाक:- काव्यप्रकाश, द्वितीय उल्लास 2. काव्यस्यात्मा ध्वनिरिति संज्ञित:- ध्वन्यालोक, प्रथम उद्योत, 8 3. सर्वथा नास्त्येव सहृदयहृदयहारिण- काव्यस्य स प्रकारो यत्र न प्रतीयमानार्थसंस्पर्शेन सौभाग्यम्- तदिदं काव्यरहस्यं परमिति सुरिभिर्भावनीयम्- तृतीय उद्योत, 503 4. सहृदयश्लाघ्य: योऽर्थस्तस्य वा य: प्रतीयमानश्चेति द्वौ भेदौ, प्रथम उद्योत, 45 5. प्रतीयमानं पुनरन्यदेव वस्त्वस्ति वाणीषु महाकवीनाम्- यश्छात्प्रसिद्धावयवातिरिक्तं विभाति लावण्यमिवाङ्गनासु।। प्रथम उद्योत, 47 6. सरस्वती स्वादु तदर्थवस्तु नि:ष्यंदमाना महता कवीनाम्- अलोकसामान्यमभिव्यक्ति परिस्फुरन्तं प्रतिभाविशेषम्- प्रथम उद्योत, 92 7. श दार्थशासनज्ञानमात्रेणैव न वेद्यते- वेद्यते स तु काव्यार्थतश्छवज्ञैरेव केवलम्।। प्रथम उद्योत, 4 8. आलोकार्थी यथा दीपशिखायां यत्नवाचन:- तदुपायतया तदर्थे वा ये तदादृत:।। प्रथम उद्योत, 98 9. यथा पदार्थद्वारेन वाक्यार्थ: सम्प्रतीयते- वा यार्थपूविर्का तद्वत्प्रतिपश्छास्य वस्तुन:।। प्रथम उद्योत, 99 10. यत्रार्थ: श दो वा तमर्थमुपस र्ानीकृतस्वार्थौ- व्यङक्त काव्यविशेष: स ध्वनिरिति सुरिभि: कथित:।। प्रथम उद्योत, 102 11. ‘ગંગોત્રી’, (જઠરાગ્નિ) પહેલી આવૃત્તિ, 30 12. ‘કાવ્યલોક’, છાતીએ ન છુંદાવે મોર, 60 13. ‘નમેલી સાંજ’, (કોઈને કંઈ પૂછવું છે?), પહેલી આવૃત્તિ, 9 14. ‘ક્યાં’ (સીમાડો સાવ લીલો નાઘેર), 16 15. ‘કલાપીનો કાવ્યકલાપ’, સં. અનંતરાય રાવળ (શિકારીને), 168 16. (1) પ્રેમાનંદકૃત નળાખ્યાન, સં. અનંતરાય રાવળ, 32

 	(2) ‘ક્યાં’ (કુંવારી છોકરીનું ગીત), 20

17. (1) ભોજા ભગતના ચાબખા, 14–5

 	(2) ‘અંગત’ (આભાસી મૃત્યુની ગીત), 86

18. ‘શેષનાં કાવ્યો’, ત્રીજી આવૃત્તિ, 19. अव्युत्पत्तेरशक्तेर्वा निबन्धो य: स्खलद्यते:- श दस्य स च न ज्ञेय: सुरिभिविर्षयो ध्वने:--32।। द्वितीय उद्योत, 307 20. सर्वेष्वेव प्रभेदेषु स्फुटत्वेन अवभासनम् । यद्वयंग्यस्यांगिभूतस्य तत्पूर्णध्वनिलक्षण् ।।33।। द्वितीय उद्योत, 309 પ્રસ્તુત લખાણમાં ટાંકેલાં ‘ધ્વન્યાલોક’નાં ઉદ્ધરણો ‘ધ્વન્યાલોક’ વ્યાખ્યાકાર આચાર્ય જગન્નાથ પાઠક, પ્રકાશક: ચૌખમ્બા વિદ્યાલય, વારાણસી, પ્રથમ સંસ્કરણ, સં. 2021-માંથી લીધાં છે. સ્વાધ્યાય ફેબ્રુઆરી, 1981
[‘ફલશ્રુતિ’, 1999]