ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/વિવેચન-પદ્ધતિ વિશે – શિરીષ પંચાલ, 1943

From Ekatra Wiki
Revision as of 15:34, 3 March 2023 by Kamalthobhani (talk | contribs)
Jump to navigation Jump to search
41. શિરીષ પંચાલ

(7.3.1943)

41. shirish panchal.jpg
વિવેચન પદ્ધતિ વિશે

વિવેચનની શાસ્ત્રીયતા અને સર્જનાત્મકતા વિશે આપણા વિવેચનમાં ભારે ચર્ચા થઈ છે. વિવેચનની શાસ્ત્રીયતાને સામાન્ય રીતે સ્વીકારવામાં આવી હોવા છતાં શાસ્ત્રીયતાના છદ્મવેશમાં સર્જનાત્મકતા, એની સાથે સંકળાયેલી આત્મલક્ષિતા જ ખરેખર તો આપણા વિવેચનમાં ઘુમરાયા કરે છે. આ પરિસ્થિતિ વિશે આપણે સજાગ નથી એવું પણ નથી. કેટલાય વિવેચકોએ વિવેચનક્ષેત્રે વિવેચકના અંગત વ્યક્તિત્વના ભારે આક્રમણ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિવેચનની શાસ્ત્રીયતા કોને કહેવાય એ જાણતા હોવા છતાં પણ વિવેચનમાં આપણે એ શાસ્ત્રીયતા આણી શક્યા નથી. વિવેચનક્ષેત્રે પ્રકટેલી આ અરાજકતામાંથી ઊગરવા માટે જાણે આપણી પાસે કોઈ અન્ય વિકલ્પ જ નથી એવી લાચારી જાણે આપણે અનુભવીએ છીએ. આપણા સાહિત્યવિવેચનમાં જો આવી અરાજકતા વ્યાપી હોય તો તેનાં કારણો કયાં? આપણે જોઈ શકીએ છીએ કે સંજ્ઞા-પરિભાષાથી માંડીને તે મૂલ્યાંકન સુધીની ભૂમિકાઓમાં શાસ્ત્રીયતાનો અભાવ છે. સાહિત્યનું મૂલ્યાંકન વિવેચન કરે છે પણ વિવેચનનું વિવેચન થઈ શકે એ પ્રકારની વિવેચન વિશેની સૈદ્ધાન્તિક પીઠિકાનો અભાવ પણ પ્રવર્તે છે. આ સૈદ્ધાન્તિક પીઠિકાને ઘડવામાં તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર જેવાં અન્ય શાસ્ત્રો મહત્ત્વનો ફાળો ભજવવાનાં. જે ભાષામાં આ બધાં શાસ્ત્રોને આવરી લેતી વિચારણા થઈ હશે એ જ ભાષાની વિવેચના શાસ્ત્રીય અને વર્તમાન સંદર્ભ સહિતની નીવડી શકે. સામાન્યત: આપણે વિવેચનને શાસ્ત્ર કહીએ છીએ. પણ જો આપણે વિવેચનમાં વિજ્ઞાન કે શાસ્ત્રને અપેક્ષિત વસ્તુલક્ષિતાનું ધોરણ પ્રકટાવવા માગતા હોઈએ તો વિવેચનની પદ્ધતિઓના વૈવિધ્યને અને એને પરિણામે જન્મતી વિવેચનની બહુભાષિતાને કેવી રીતે ન્યાયી ઠેરવી શકીશું? એક સરખા મૂલ્યાંકન પર આવતી વિવિધ પદ્ધતિઓ અને એક જ પ્રકારની પદ્ધતિ ધરાવતા જુદા જુદા વિવેચકો દ્વારા પ્રાપ્ત થતાં વિવિધ મૂલ્યાંકનોને કેટલે અંશે સ્વીકારીશું? આ બધી પદ્ધતિઓમાં ઉચ્ચાવચતાનાં ધોરણો સ્થાપી શકાય ખરાં? દરેક પદ્ધતિને તેનું આગવું મૂલ્ય છે એમ સ્વીકારીએ તો મૂળ પ્રશ્નનો ઉત્તર આપવાનું ટાળ્યું છે એમ કહી શકાય? કેટલાક વિવેચકો માને છે કે વિવેચનને તાત્ત્વિક પીઠિકા પ્રાપ્ત થાય તો મતૈક્યની શક્યતા વધે છે – આ વાત કેટલે અંશે સ્વીકારી શકાય? જો મતૈક્યની પરિસ્થિતિ જ આપણે સરજી શકતા ન હોઈએ તો વિવેચનને શાસ્ત્રીય ભૂમિકા પર સ્થાપી શકાય? અને જો એમ ન થઈ શકતું હોય તો રસમીમાંસાનો છેદ ઉડાડી ન દેવો જોઈએ? રસમીમાંસાનો છેદ ઉડાડી દઈને ક્રોચેએ સાહિત્યની સૌથી મોટી સેવા કરી છે એમ કહેવાયું છે. પરિભાષાની સંદિગ્ધતા, વૈચારિક દરિદ્રતા, મૂલ્યાંકનોમાં અન્તિમ દૃષ્ટિબિન્દુઓ, વિરોધાભાસી પદ્ધતિઓ જ જોવા મળતી હોય તો વિવેચનની કઈ અનિવાર્યતા? – અથવા જો સંપૂર્ણ શાસ્ત્રીયતા (અને એને પરિણામે જન્મતી સંપૂર્ણ મતૈક્યની પરિસ્થિતિ) શક્ય જ નથી એમ સ્વીકારી લઈએ તો વિવેચનને ‘આત્મલક્ષી શાસ્ત્ર’ એવી સંજ્ઞા આપી શકાય? એક જ વિવેચક દ્વારા અપનાવાતી પદ્ધતિઓમાં જો વિરોધાભાસ દેખાય તો એ વિવેચકમાં nucleus thinkingનો અભાવ છે એમ કહી શકાય? આ જ અભાવને કારણે વિવિધ સાહિત્યસ્વરૂપના કે માપદંડોમાં વિસંવાદ જોવા મળે છે? જો આપણે કોઈ કૃતિ વિશેનાં જુદાં જુદાં મૂલ્યાંકનો વચ્ચે થોડી ઘણી પણ એકવાક્યતાની ભૂમિકા સ્થાપવા માગતા હોઈએ, વિવેચનને આત્મલક્ષીને બદલે વસ્તુલક્ષી બનાવવા માગતા હોઈએ તો તેની આડે કૃતિને તપાસવાના જુદા જુદા દૃષ્ટિકોણ – મનોવૈજ્ઞાનિક, સામાજિક, વાસ્તવદર્શી, સાહિત્યિક આવવાના. દરેક વિવેચક dogmatic બની જઈને પોતાના દૃષ્ટિકોણને એક માત્ર સાચા દૃષ્ટિકોણ તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કરવાનો. પણ સાહિત્યનો સાચો અભ્યાસ રસલક્ષી-સાહિત્યિક-દૃષ્ટિકોણ સ્વીકારવા જતાં કૃતિનું પરીક્ષણ કરતી વખતે કૃતિબાહ્ય જગતનો સંપૂર્ણ અસ્વીકાર કરશે. આ દૃષ્ટિકોણ કૃતિને નિહાળવાના અન્ય દૃષ્ટિકોણની મર્યાદાઓને ઉઘાડી કરી આપે છે એ સાચું, પણ જ્યારે આપણે વિવેચકની પદ્ધતિ તપાસવા જઈએ ત્યારે એ વિવેચકે અસાહિત્યિક દૃષ્ટિકોણ અપનાવ્યો હોવાને કારણે તેની પદ્ધતિને પણ આપણે ખોટી જાહેર કરીને તેનો કાંકરો કાઢી ન શકીએ. બીજા દૃષ્ટિકોણોની પદ્ધતિમાં ક્યાંક એવી ઊણપ છે જેને કારણે એ બધા સ્વીકાર્ય બનતા નથી. ધારો કે એક જ કૃતિ વિશે ત્રણ જુદા જુદા વિવેચકો વિચાર કરે છે. પહેલો વિવેચક અ કૃતિને સાહિત્યિક દૃષ્ટિકોણથી જુએ છે એટલે આ વિવેચક માધ્યમની વિશિષ્ટ આનુપૂર્વીના સંદર્ભમાં કોઈ પણ કૃતિને તપાસવાનો. આ તપાસ દરમિયાન ભાષાનું પોત, અલંકારરચના, પ્રતીક, કલ્પનના અરસપરસના સંબંધોથી કૃતિને પ્રાપ્ત થતું કેન્દ્ર; એ કૃતિ જો કથાસાહિત્યની હોય તો પ્રસંગ, તેની સાથે સંકળાયેલ વ્યક્તિ, એ વ્યક્તિના વિવિધ જગત વાસ્તવિક, સ્વપ્નિલ, કપોલકલ્પિત – આ જગતને સમાન્તરે રચાયેલાં શૈલી, કળા – આ બધાંનો તે વિચાર કરશે. કૃતિ વિશે નિર્ણય ઉચ્ચારવાને બદલે આપણી સમક્ષ કૃતિની રૂપરચના સ્પષ્ટ કરી આપશે. નિર્ણયની જવાબદારી ભાવક પર છોડશે. આવો વિવેચક કોઈ કૃતિને norm તરીકે સ્વીકારશે નહીં. બીજો વિવેચક બ કૃતિને મનોવિજ્ઞાનના એક case-study તરીકે જુએ છે. આ દૃષ્ટિકોણ વિવેચનાને કર્તાનિષ્ઠ એટલે કે ભાવકનિષ્ઠ વિવેચના તરફ લઈ જાય. આવો વિવેચક પૂર્વનિયત સૃષ્ટિનું આરોપણ કૃતિ પર કરશે, કૃતિબાહ્ય વીગતો તરફ આપણું ધ્યાન દોરશે, કૃતિના virtual જગતને સાચું માની લઈને વિમોચન, ઇચ્છાતૃપ્તિના સાધન તરીકે કલાની વિચારણા, કલાકૃતિનો જન્મ વગેરે પ્રશ્ન ચર્ચશે. ત્રીજો વિવેચક ક કૃતિને સામાજિક દૃષ્ટિકોણથી જુએ છે. આ વિવેચક કલાકૃતિને માનવજીવનને ઉચ્ચ સ્થાને લઈ જનારું સાધન માનતો હોવાને કારણે તે ‘વધારેમાં વધારે લોકોનું વધુમાં વધુ કલ્યાણના મુદ્દા પર ભાર મૂકતી નીતિશાસ્ત્રની ભૂમિકા પર વિચાર કરશે અને એને પરિણામે કૃતિમાં instant communication અનિવાર્ય છે એમ માની/મનાવી કૃતિમાં સુબોધતાનો આગ્રહ રાખશે. શીલ તેવી શૈલી જેવા anti-critical idiomsનો પ્રચાર કરશે ને કવિકર્મની તે ઉપેક્ષા કરશે. આ ત્રણે વિવેચકો જુદી જુદી ભાષાવ્યવસ્થામાં રહીને વિચારે છે. દરેક ભાષાવ્યવસ્થાને તેની આગવી આબોહવા છે. એમાંથી કયો દૃષ્ટિકોણ સાચો છે એવો પ્રશ્ન કરવાને બદલે કયા વિવેચકની પદ્ધતિ સ્વીકાર્ય-અસ્વીકાર્ય છે એ પ્રશ્ન પૂછવો જોઈએ અને એનોે ઉત્તર આપવા માટે ત્રણેય વિવેચકને વીગતે તપાસવા જોઈએ. આ વૈવિધ્યને કારણે એક જ કૃતિ વિશે ભિન્ન ભિન્ન અભિપ્રાયો પણ રજૂ થાય. આ અભિપ્રાયોની ભિન્નતા વચ્ચે કોઈ પ્રકારનો સંવાદ સ્થાપી શકાય ખરો? અથવા જો આપણે સમાન ભૂમિકા જોવા માગતા હોઈએ તો ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી કૃતિને જોતી વિવેચનાઓને સરખાવી કે વિરોધી શકીએ ખરા? અથવા કૃતિને તપાસવા માટેના દૃષ્ટિકોણોની વિવિધતાને જ નકારી નાખીને એક માત્ર સાહિત્યિક દૃષ્ટિકોણને સ્વીકારી લઈએ તો એ દૃષ્ટિકોણ પર આધારિત કોઈ વિવેચના હોવાને કારણે આ બધી ગૂંચ ઊકલી જશે એમ માની શકાય ખરું? કારણ કે ઘણી વખત એમ પણ બને કે જે વિવેચના કૃતિના નિબન્ધનની ચર્ચા કરતી હોય તે વાસ્તવમાં એવી ન પણ હોય. કહેવાતા આસ્વાદો અથવા કૃતિલક્ષી અવલોકનો જોઈશું તો આ વાત સ્પષ્ટ થઈ જશે. આદર્શ ખાતર તો આપણે એલિયટનો મત સ્વીકારી લીધો કે કોઈ કૃતિ સાહિત્યકૃતિ છે કે નહીં તેની કસોટી સાહિત્યિક ધોરણે જ થવી જોઈએ પણ સાપેક્ષતાનો સિદ્ધાન્ત જો આ ધોરણોને પણ પ્રયોજવામાં આવે તો? એટલે આગળ કહ્યું તેમ, આપણે આ બધા દૃષ્ટિકોણ સાથે સંમત થઈએ એ જુદી વાત છે પણ એમના અસ્તિત્વનો સમૂળગો છેદ ન ઉડાડી દેવાય. આપણને સંબંધ છે વિવેચકની પદ્ધતિ સાથે; જો તેની વિવેચનામાં coherence હોય, તાર્કિક સુસંગતતા હોય, nucleus thinking હોય તો પછી અ બ ક ગમે તે દૃષ્ટિકોણવાળી વિવેચનાને સ્વીકારી શકાય. આ વાત કદાચ અંતિમ દૃષ્ટિબિન્દુવાળી પણ લાગવાનો સંભવ છે. એ વાત સાચી કે મૂળ ગૃહીત ખોટું હોય તો માત્ર તાર્કિક સુસંગતતાને કારણે વિવેચનને પ્રમાણભૂત ન ગણી શકાય; પણ ધારો કે મૂળ ગૃહીત સાચું હોય પણ પદ્ધતિને સ્વીકાર્ય બનાવનારી સામગ્રી-તાર્કિક સુસંગતતા, nucleus thinking વગેરે ન હોય તો શું? એટલે આપણે માટે મહત્ત્વનો સવાલ દૃષ્ટિકોણનો નથી, તેની પદ્ધતિનો છે. એમ. એચ. અબ્રામ્સે ‘The Mirror and The lamp’માં બતાવ્યું છે તે પ્રમાણે કૃતિ, કૃતિમાં સાકાર થતું વિશ્વ, સર્જક અને ભાવક – આ ચાર બિન્દુઓને વત્તેઓછે અંશે કેન્દ્રમાં રાખીને જ વિવેચના થતી હોય છે. આ બિન્દુઓ સાથે સંકળાયેલી ભૂમિકાઓ અવિચળ રહેતી નથી એટલે કૃતિમાં સાકાર થતા વિશ્વની જો વાત કરવા જઈએ તો વાસ્તવિકતા પ્રતિનિધિરૂપ/વ્યક્તિગત અથવા નીતિમય/ અનીતિમય વિશ્વ એવા મુદ્દાઓમાંથી કોઈ એક યા વધારે પર વત્તોઓછો ભાર મુકાવાનો. આ જ સાચું છે એમ માની કે મનાવી ન શકાય. આ બિન્દુઓમાંથી કયા બિન્દુને કેન્દ્રમાં રાખતી વિવેચનાને સ્વીકારવી એ પ્રશ્ન પણ દૃષ્ટિકોણની બહુલતાના પ્રશ્ન જેવો જ છે. આ વિવિધ બિન્દુઓને અથવા દૃષ્ટિકોણોને આપણે સ્વીકાર્યા તો ખરા પણ જે દૃષ્ટિકોણ વિવેચનની પદ્ધતિને મર્યાદિત બનાવતો હોય તો એ દૃષ્ટિકોણ સાહિત્યકૃતિનો આસ્વાદ પણ સંપૂર્ણપણે ન લેવા દે. દા.ત., મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતા વિવેચકનાં કેટલાંક વિધાનો સર્જનવેળાએ સર્જકના ચિત્તની પરિસ્થિતિને કલ્પીને કરવામાં આવતાં હોય છે. કવિને અભિપ્રેત અર્થ, વિચાર, અભિવ્યક્તિને લગતાં વિધાનો સર્વજ્ઞ વિવેચક સિવાય કોઈ ન કરી શકે. કદાચ જો સર્જકે પત્ર, ડાયરી જેવાં અંગત લખાણો જાળવી રાખ્યાં હોય તો તેનો અભ્યાસ કરીને આવાં વિધાનો થઈ શકે. પણ બીજી બાજુએ આવાં અંગત લખાણો જતનપૂર્વક સાચવી ન રાખનારો પણ સર્જક છે. જ્યારે આવા બે સર્જક વિશે ચર્ચા કરવાની થાય ત્યારે જો વિવેચક પહેલા સર્જકને મૂલવવા માટે કૃતિબાહ્ય વીગતોનું અસ્તિત્વ જ ન હોવાને કારણે કાં તો એનો ઉપયોગ ન કરે અથવા કલ્પનાઓ કરીને ચર્ચા કરે તો દેખીતી રીતે તેણે બે પ્રકારનાં ધોરણોનો ઉપયોગ કર્યો ગણાય. એટલે મૂલ્યાંકનમાં અને ભાષામાં વ્યવસ્થા આણવી હોય તો સર્જકના ચિત્તમાં પ્રવેશવાનો પ્રયત્ન સમૂળગો ત્યજી દેવો પડે–આ ભૂમિકા જીવનચરિત્રાત્મક વિવેચનાનો છેદ ઉડાડી દે છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ બીજી બાજુએ ભાવકના ચિત્ત પર થતી અસરને પણ મહત્ત્વની લેખે છે. આને કારણે રુચિ, નીતિ, અશ્લીલતા, વિમોચન, સંક્રમણ, દુર્બોધતા જેવા પ્રશ્નો અપ્રસ્તુત જ સાબિત થશે, કારણ કે આ બધા પ્રશ્નો સમય-સ્થળની સાથે સાથે પરિવર્તનશીલ હોય છે. અપ્રસ્તુત પ્રશ્નોની ચર્ચા વિવેચનને વર્તમાન સંદર્ભથી દૂર લઈ જશે, એટલે જ્યારે જ્યારે પ્રમાણનિર્ભરહીન, પરિવર્તનશીલ વીગતોને કેન્દ્રમાં રાખીને વિવેચન થાય ત્યારે ત્યારે તેમાં નિષ્ફળતા પ્રાપ્ત થવાની. આ વીગતો કૃતિબાહ્ય છે માટે જ તેની ચર્ચા અસ્થાને છે એમ પણ નથી. કેટલીક વીગતો કૃતિગત હોવા છતાં અપ્રસ્તુત હોય છે. આવી કૃતિગત વીગતોને આધારે આપણે લેખકની રુચિનો આલેખ તૈયાર કરી શકીએ, સરસ્વતીચન્દ્રે ગૃહત્યાગ કઈ તિથિએ કર્યો તેની ચર્ચા દીર્ઘસૂત્રિતાનો દોષ વહોરીને પણ ઉત્સાહભેર કરી શકીએ. કૃતિની સામગ્રીરૂપ સત્યનું દોહન કાઢી શકીએ પણ આ બધાને વિવેચન સિવાયનું કોઈ નામ આપવું જોઈએ. સાહિત્ય વિશેની આપણી સૂઝ ગળથૂથીમાંથી જ કાચી હોવાને કારણે આપણે અ-વિવેચન કે કૃતક વિવેચનને વિવેચન માનીને આગળ ચાલીએ છીએ. ત્યારે પ્રશ્ન એ થાય છે કે અવિવેચન કે કૃતક વિવેચન અને વિવેચન વચ્ચેનું વ્યાવર્તક તત્ત્વ કયું? વ્યાવર્તક તત્ત્વ તરીકે વિવેચનની પદ્ધતિને જ ગણાવી શકાય. આ પદ્ધતિ જ આ બધા અસાહિત્યિક તત્ત્વોની મર્યાદા ચીંધી બતાવતી હોવી જોઈએ. વિવિધ દૃષ્ટિકોણ પાછળ અંગત મમત્વ, રુચિ, પૂર્વગ્રહ કામ કરતો હોવાને કારણે જ દલીલબાજી, હોંસાતુંસી, વિવેચકની પદ્ધતિની ટીકાને બદલે વિવેચકો વિશે જ ઊભરાતાં લખાણો જોવા મળે. વિવેચકની પદ્ધતિની સફળતામાં તેની ભાષા મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ભાષામાં અને બીજી ભાષાવ્યવસ્થામાં ભેદ જો જોવો હોય તો આપણે કહી શકીએ કે અન્ય ભાષાવ્યવસ્થા કેટલાક નિયત કરેલા નિયમોની સીમામાં રહીને પોતાનું coherence ટકાવી રાખે છે જ્યારે વિવેચનની ભાષાવ્યવસ્થા નિયત કરેલા નિયમોને દર વખતે સ્વીકારી શકતી નથી. દરેક કૃતિનો આગવો સન્દર્ભ તેના આગવા નિયમો રચી આપે છે અને એટલે અહીં આમાંથી જન્મતું ભયસ્થાન પણ રહેલું છે કે તો પછી આ ભાષાવ્યવસ્થાને નિયન્ત્રણમાં રાખનારું તત્ત્વ કયું? એ તત્ત્વ વિશે પણ જો સંદિગ્ધતા પ્રવર્તતી હશે તો વિવેચનામાં અરાજકતા નહીં પ્રગટે? વિવેચક પોતાની ભાષામાં કૃતિની ઓળખ માટે કેટલાક વિશિષ્ટ શબ્દોનો ઉપયોગ કરે છે. કેટલીક વખત આવા વિશિષ્ટ શબ્દો કૃતિ વિશેનાં ઠાલાં વિશેષણોની ગરજ સારે છે. વિષયને કેન્દ્રમાં રાખીને આપમએ કેટલાક વિભાગ પાડ્યા: પ્રણયકાવ્ય, ભક્તિકાવ્ય અથવા મનોવૈજ્ઞાનિક કે સામાજિક વાર્તા નવલકથા. આ વિભાગીકરણ વિષયકેન્દ્રી હોવાને કારણે ટીકાપાત્ર બન્યું. કૃતિમાં વિષય નહીં પણ આ કૃતિનું મહત્ત્વ છે એવી વાત ચારે બાજુથી સંભળાઈ અને એ કારણે શૈલીને કેન્દ્રમાં રાખીને એક બીજું વિભાગીકરણ જન્મ્યું: સુર્રિયલ, પ્રતીકાત્મક, એબ્સર્ડ, કવિતા//નાટક/નવલકથા. આવા વિશિષ્ટ શબ્દપ્રયોગો મોટે ભાગે લેબલની ગરજ સારતા હોય છે. આવા લેબલમાત્રથી કૃતિની સાચી ઓળખ આપી શકાય ખરી? આવા શબ્દપ્રયોગોથી વિવેચનની આગવી ભાષા રચી શકાય ખરી? આ બધાનો ઘટાટોપ સાહિત્યકૃતિની સૌથી અનિવાર્ય એવી સામગ્રી-રૂપના રસાયનની ભૂમિકાને વિસારે પાડે છે, જો આમ જ હોય તો વિષય, શૈલી, આકૃતિ, સામગ્રી જેવા શબ્દોને વિવેચનની ભાષામાંથી બહિષ્કૃત જ કર્યા હોય તો! કારણ કે કોઈ વિષયશૈલી વિષયપરતંત્ર ન હોઈ શકે. પણ આવા શબ્દપ્રયોગોને દૂર કરવાથી બીજી અવ્યવસ્થા ઊભી થવાનો સંભવ. ત્યારે એમ કહી શકાય ખરું કે જેમ જેમ વિવેચનની ભાષા પુખ્ત થતી આવે તેમ તેમ આ શબ્દોને દૂર કરવા જોઈએ? વિવેચનની ભાષામાં વારંવાર અથડાતાં વિશેષણો સારું/ખરાબ હોય છે. આ શબ્દો નીતિશાસ્ત્રનો સંદર્ભ અહીં પણ ટકાવી રાખે છે. પણ નીતિનાં મૂલ્યો સાપેક્ષ હોવાને કારણે આવાં વિશેષણોનો ઉપયોગ કરતી ભાષા આત્મકથાત્મક યા પૂર્વગ્રહદુષ્ટ બની જાય છે. વળી લાંબા ગાળે આવાં વિશેષણોની ભૂમિકા પણ પલટાઈ જાય છે. આને પરિણામે એક જ વિશેષણ અર્થની જુદી જુદી ભૂમિકાઓ પ્રગટાવતું હોવાથી વિવેચનની ભાષામાં સંદિગ્ધતા જન્મવાની. આ સંદિગ્ધતાને દૂર કરવા માટે આ ભાષાને આવા શબ્દોથી મુક્ત કરવી જોઈએ અથવા આ પ્રકારનાં વિશેષણોનો ઉપયોગ કરતી વખતે તેનો સંદર્ભ વિવેચકે સ્પષ્ટ કરી આપવો જોઈએ. ‘આ કૃતિ મને ગમે છે/ગમતી નથી.’ જેવા વિધાનમાં ભાર ‘મને’ પર મુકાતો હોવાને કારણે એ આત્મકથાનાત્મક વિધાન બની જાય છે. અને એ કારણે પ્રમાણભૂતતાહીન બને છે. વિવેચનની ભાષામાં પ્રમાણભૂતતાનો અભાવ કદી ચલાવી ન શકાય. વિજ્ઞાને આપણા દૃષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન આણી દીધું. આને કારણે આ યુગમાં પૃથક્કરણ પર વિશેષ ભાર મુકાયો. વિવેચનની ભાષા અત્યાર સુધી વર્ણનાત્મક રહી. આ ભાષાવ્યવસ્થાને પહેલાં કૃતિની અવેજીમાં વાપરી શકાતી હતી. પણ બુદ્ધિશક્તિનો અને વળી ટેક્નોલૉજીનો વિકાસ થતાં આવી અવેજીરૂપ ભાષાવ્યવસ્થાનો કોઈ ખપ રહ્યો નહીં. એટલે જ આ યુગમાં વિવેચનની ભાષા પણ પૃથક્કરણાત્મક બનવી જોઈએ. એને લીધે આત્મલક્ષિતાની ભૂમિકા ઘટી જવાની અને સાથે સાથે આપણી સમક્ષ કૃતિના એકેએક ઘટક તત્ત્વનો અન્યોન્ય સાથે અને કૃતિના કેન્દ્ર સાથેનો સંબંધ પ્રકટ થઈ આવવાનો. ઘણી વખત એક જ વિવેચકની ભાષામાં વિરોધાભાસી વૈવિધ્ય જોવા મળે, આને લીધે એક કૃતિની ખરાબ ટીકા કરવા પાછળ જે કારણ હોય તે જ કારણ કોઈ બીજી કૃતિની પ્રશંસાનું પ્રેરક બની રહે. આ પ્રકારના વિરોધાભાસ, ‘તાર્કિક અસંગતિ’ પાછળ અંગત ગમાઅણગમા કે પૂર્વગ્રહદુષ્ટ દૃષ્ટિને જવાબદાર લેખવામાં આવે છે. પણ વિવેચકની પદ્ધતિમાં આ બધાનું કારણ રહેલું છે. રા. વિ. પાઠક ‘વિશ્વગીત’ની ચર્ચા કરતી વખતે નાનાલાલ કવિની અમૂર્તમાં રાચવાની રીતની ટીકા કરતાં પ્રશ્ન પૂછે છે: ‘નાટકમાં આ સત્યો કલાકૃત થાય છે ખરાં? ગીતાનાં વાક્યો ગીતામાં વાંચીએ કે ભીંતો પર ચોંટાડીએ કે પછી પાવડી પર લખેલાં બતાવીએ તેમાં ફેર શો પડ્યો?’ ગીતાના સત્યમાં ત્યારે ફેર ન પડે પણ રા. વી. પાઠક જ્યારે ‘સરસ્વતીચન્દ્ર’ની ચર્ચા કરે છે ત્યારે ફેર પડી જાય છે. ‘વિશ્વગીતા’માં જોવા મળતાં અનિષ્ટો ‘સરસ્વતીચન્દ્ર’માં તેઓ જોઈ ન શક્યા એની પાછળ તેમની પદ્ધતિ જવાબદાર છે, તેમનું પૂર્વગ્રહયુક્ત માનસ નહીં. વિવેચનની ભાષામાં આ વૈવિધ્ય સાહિત્યસ્વરૂપોના વૈવિધ્યને કારણે પણ પ્રકટે છે. કવિતા અને નવલકથાની ચર્ચાનું સ્તર એકનું એક ન રહે એ સમજી શકાય, પણ બંનેની ચર્ચાવિચારણા અન્તિમે જઈને થાય તો વાંક આપણી મૂળભૂત વિચારસરણીનો. દરેક શાસ્ત્રને તેના આગવા નિયમો, પરિભાષા, મૌલિક વિચારણા હોય છે. જો આ બધાને ‘વાતાવરણ’ કહીએ તો આ વાતાવરણનો સંસ્પર્શ એ શાસ્ત્ર, દ્વારા પ્રયોજાતી ભાષામાં થયેલો હોવો જોઈએ. વિવેચનની ભાષામાં સંપૂર્ણ સાહિત્યિક પરિભાષા જ હોવી જોઈએ એવી ઉપપત્તિ તારવવાનો પ્રયત્ન આમાંથી કરવો ન જોઈએ. એરિસ્ટોટલે પોતાની પરિભાષા ઘડવામાં એના જમાનામાં પ્રવર્તતી જ્ઞાનવિજ્ઞાનની બધી જ શાખાઓની પરિભાષાનો ઉપયોગ કર્યો હતો. જો કોઈ વિવેચક અમુક જ પ્રકારની પરિભાષાનો ઉપયોગ કરે તો એવી નિશ્ચિત પરિભાષાને કારણે એની વિવેચના ચોક્કસ વલણોવાળી, રૂઢ માન્યતાવાળી અને સંકુચિત બની જવાનો પૂરેપૂરો સંભવ રહે ખરો. પણ આની સાથે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે સાહિત્યવિવેચનમાં જ્યારે આપણે કોઈ ક્ષેત્રની પરિભાષાનો ઉપયોગ કરીએ ત્યારે એ ક્ષેત્રનો આગવો સંદર્ભ ભૂંસાઈ જઈને સાહિત્યિક સંદર્ભ પ્રગટવો જોઈએ. આપણી ગુજરાતી વિવેચનામાં શ્રદ્ધા, રહસ્ય, સાધના, જીવનદર્શન, પ્રેરણા જેવી સંજ્ઞાઓ હારબંધ ઉભરાઈ આવી ખરી પણ આ સંજ્ઞાઓ બહુ જલદીથી બોડી પડી ગઈ, કારણ કે તેમનું રૂપાન્તર સાહિત્યિક સંદર્ભમાં થયું ન હતું. વળી સાહિત્યની ગણાય તેવી સંજ્ઞાઓ પણ પ્રતીક, રૂપરચના ટેક્નિક, સંયોજન જ્યાં સુધી વૈચારિક દરિદ્રતા ધરાવતી હશે ત્યાં સુધી સર્જન પર ઝાઝી અસર એ સંજ્ઞાઓ પ્રકટાવી શકશે નહીં. વિવેચનની ભાષામાં સૌથી મોટું ભયસ્થાન જે તે વિવેચક દ્વારા થતા પોતાના વ્યક્તિત્વના આક્રમણમાં રહેલું છે. કૃતિમાં પ્રગટતા સર્જકના વ્યક્તિત્વને અનુસરીને વિવેચનની ભાષામાં પોતાનું વ્યક્તિત્વ પ્રકટાવવાનો પ્રયત્ન કરતા હોય છે. કૃતિની અલંકારિકતાને અનુસરીને વિવેચક પણ વિવેચનની ભાષાને અલંકૃત બનાવે છે. આસ્વાદમૂલક વિવેચનામાં વિવેચનનો અંગત પ્રતિભાવ ભળતો હોવાને કારણે તેની ભાષા અલંકૃત બને એ સમજી શકાય. પણ મોટે ભાગે વૈચારિક દરિદ્રતા ધરાવતી ભાષા જ અલંકરણ તરફ ઢળતી હોય છે. કવિતાની કે અન્યસ્વરૂપની વ્યાખ્યા આપવામાં પણ આવો મોહ જોઈ શકાય છે. વળી, વ્યક્તિત્વનિષ્પત્તિના આવા જ કોઈ શોખથી પ્રેરાઈને જાણી કરીને ક્લિષ્ટતા, વર્ણસંકર સમાસરચનાઓ, ક્રિયાવિશેષણોની હારમાળા, ક્યારેક લટકાળી શૈલીમાં, ક્યારેક પંડિતયુગની આડંબરી શૈલીમાં, જોવા મળે છે. આ બધાની પાછળ ડોકિયાં કરતી આત્મરતિ વિવેચન માટે ખતરનાક છે. વિવેચક પોતાની ભાષાને મૂર્ત સ્વરૂપ આપવાના આશયથી કે રચનાપ્રક્રિયા સમજાવવા માટે કે અન્ય કારણસર રૂપક, દૃષ્ટાન્તો કે ઉપમાઓનો ઉપયોગ કરે છે. આ પ્રકારના ઉપયોગ તાર્કિક ભૂમિકા પર કરવામાં આવે તો સામી વ્યક્તિને એનું વક્તવ્ય પ્રતીતિજનક લાગે; પણ જો આપણે એ દૃષ્ટાન્તો કે ઉપમાઓનો વિચાર કરવા જઈશું તો મોટે ભાગે એ બધાનોે ઉપયોગ અશાસ્ત્રીય રીતે કરવામાં આવતો હોય છે. દા.ત., કોઈ કહે: ‘તમે ફૂલને એની સુવાસનો અર્થ પૂછવા જાઓ છો? પક્ષીના ગીતનો અર્થ શોધવા જાઓ છો? તો પછી શા માટે કવિતાનો અર્થ પૂછો છો?’ અહીં વાગ્મિતાનો છળ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. પણ આવી દલીલ કરનાર એ ભૂલી જાય છે કે દલીલ માટે જે પ્રકૃતિનાં દૃષ્ટાન્તોનો ઉપયોગ કરવામાં આવ્યો તે પ્રકૃતિનું સત્ય અને કલાનું સત્ય બે ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. એટલે પક્ષીના ગીતની અન્-અર્થકતા અને કવિતાની અન્-અર્થકતા એ બંને એક વર્ગની નથી: જો કવિતાની અન્-અર્થકતા જ સિદ્ધ કરવી હોય તો જુદી રીતે પ્રયોજવી પડે. કોઈ વિવેચકની પદ્ધતિમાં રહેલાં અતાર્કિકતા, માપદંડોની અસંગતિ, વિરોધાભાસનું કારણ વિવેચકની ભાષામાં કોઈ nucleusના અભાવમાં રહેલું છે, આ ભાષામાં કેન્દ્રમાં સર્વ પ્રથમ ‘ભાષા દ્વારા રચાયેલી કૃતિ’ હોવી જોઈએ તો જ વિવેચક નવલકથા જેવા મનોરંજનમાં સરી પડતા પ્રકાર અને કવિતા જેવો શુદ્ધ સાહિત્યપ્રકારની કોઈ એક સામાન્ય સ્તર પર રહીને કરી શકશે. એ કારણે તે સાહિત્યકૃતિ અને અન્ય લલિત કલાકૃતિ વચ્ચે પણ સંવાદની ભૂમિકા સ્થાપી આપશે. ઘણી વખત વિવેચન નબળી કક્ષાની કૃતિઓની આસપાસ જ ઘુમારાયા કરે છે. એટલે જ આવી પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને જ્યોર્જ સ્ટેઈનરે ‘Tolstoy or Dostoevsky?’માં લખ્યું છે. ‘અવલોકનકારનું કામ સારી અને ખરાબ કૃતિ વચ્ચે ભેદ જોવાનું છે, જ્યારે વિવેચકનું કામ સારી અને ઉત્તમ કૃતિ વચ્ચે ભેદ જોવાનું છે.’ જો તેની પોતાની ભાષામાં ઉત્તમ કૃતિઓ જોવા ન મળે તો અન્ય ભાષાઓની ઉત્તમ કૃતિઓ અને પોતાની ભાષાની સારી કૃતિઓ વચ્ચે રહેલો ભેદ તેણે સ્પષ્ટ કરી આપવો જોઈએ. આને કારણે વિવેચકની ભાષામાં કોઈ ચોક્કસ વ્યવસ્થા કામ કરતી થશે. એ વ્યવસ્થાની બહાર કદી આ ભાષા પોતાનું કાર્યક્ષેત્ર પ્રકટાવતી નથી. એટલે જ જ્યારે કોઈ વિવેચક કલાકૃતિ અને કૃતિની ચર્ચા એકસરખા ઉત્સાહથી કરે અથવા એક બાજુએ પ્રતીકરચના, અલંકારરચનાની સાંગોપાંગ ચર્ચા કરે અને બીજી બાજુએ કોઈ કવિની કૃતિઓમાં જોવા મળતા તત્કાલીન સમાજના ચિત્રની ચર્ચા કરે ત્યારે એ ભાષામાં કોઈ nucleus નથી એમ માનવું પડે. આ જ કારણે પ્રથમ પંક્તિના વિવેચકો સામે ઘણા બધા સર્જકો ન ચર્ચવાનો કરવામાં આવતો આક્ષેપ વજૂદ વગરનો છે. આપણે ત્યાં નવલરામથી માંડીને અત્યાર સુધીના ગુજરાતી વિવેચકોએ કેટલી બધી કૃતિઓ વિશે જુદા જુદા નિમિત્તે ચર્ચાવિચારણા કરી પણ આજે એમાંની કેટલી કૃતિઓ જીવતી રહી છે અને આ સમીક્ષાઓમાં ચર્ચાયેલા કેટલા મુદ્દાઓ વિશે આજે પણ ઊહાપોહ થાય છે, એ એક પ્રશ્ન છે. કદાચ એવું બને કે કોઈ વિવેચના શાસ્ત્રનિર્ભર જ હોય તો તે કદાચ આવા nucleus વગરની હોઈ શકે. પણ જે વિવેચનાની સૈદ્ધાન્તિક પીઠિકા ઘડવામાં જુદી જુદી કલાકૃતિઓએ ભાગ ભજવ્યો હશે એ વિવેચના વળી વળીને કોઈ nucleus તરફ આપણું ધ્યાન ખેંચવાની જ. આવા nucleusની શોધ નવી વિવેચના કરે એવી આપણે આશા રાખીએ. [વિવેચન: ચાર મુદ્દા, 1975]