ચાંદરણાં/તાપીનું પૂર

From Ekatra Wiki
Revision as of 16:33, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


23. તાપીનું પૂર


  • તાપી તો માડી છે એટલે રેલનાં નુક્સાન ‘માડીજાયા’ છે!
  • પદચિહ્નોને બદલે પ્રવાહચિહ્નો જોયા કરો!
  • રેલના પાણીને પગ આવે, વરસાદના પાણીને પાંખ!
  • તાપીનું પાણી ‘પ્રવેશબંધ’ વાંચવા જેટલું ગુજરાતી પણ નથી જાણતું!
  • રેલનાં પાણી માટે કોઈ લક્ષ્મણરેખા નથી હોતી.
  • રેલ જોવા કોઈને ટિકિટ ખરીદવી નથી પડતી!
  • રેલમાં પેટ લિમિટેડ થાળીને બદલે ફૂડપૅકેટ માંગે છે.
  • રખડુ ધૂળ રેલમાં ઘર માંડીને બેસે છે!
  • હોડીને શહેરમાં ફરવાનું મન થયું ને તાપીએ ઇચ્છા પૂરી કરી!
  • બંબાવાળા પાણી છાંટેય ખરા અને ઉલેચે પણ ખરા!
  • આફતને મોઢામોઢ થવાનો ઉમળકો આવ્યો, તાપીએ પૂરો કર્યો.
  • પડી રહેલી વસ્તુઓ, તાપીના પૂર પછી ખપી જાય છે.
  • તાપીનાં પાણી સરકાર અને કૉર્પોરેશન બેઉનું પાણી માપી ગયાં!
  • તાપી જેવું પાણી બતાવો તો માનીએ કે ‘પાણીદાર’ છો!
  • જળમાં માછલી નહીં, સૂરતી તરસ્યો.
  • નળમાં ટીપું નહીં, પણ શેરીઓમાં રેલમછેલમ્!
  • મદમાં મહાલનારાઓ પણ મદદ માગતા હતા.
  • પાણી બેઠું તો જમીન કહે હું યે બેસું!
  • તાજિયા હોત તો ઘેર બેઠાં જ ટાઢા થઈ ગયા હોત!
  • રેલનું પાણી ગણપતિને બેઠા હતા ત્યાં જ ડુબાડવા આવ્યું!
  • પાણી કહે છે કે પગ અને પૈડાં વિના પણ ગતિ હોય છે.
  • પાણીનું સરનામું આખો પ્રદેશ થઈ ગયો!
  • યાત્રા કરતી તાપી જાણે સહેલગાહે નીકળી!
  • તાપી પાણીની સાથે રજાઓની મજા પણ લેતી આવે!
  • જીવનમરણ વચ્ચે ઝોલાં ખાવાને બદલે પાણીમાં ડોલવાનું આવ્યું!
  • બેન, માડી! એટલાં ભરપૂર ન થઈએ કે બીજા બરબાદ થઈ જાય!
  • ઓટલા જ ઓવારા થઈ ગયા!
  • માણસ, પાણીની જેમ ગમે ત્યાંથી રસ્તો નથી કાઢી શકતો.