ચાંદરણાં/સાંપ્રત
Jump to navigation
Jump to search
24. સાંપ્રત
- દેવાલયમાં દેવનો લય અને પૂજારીનો ઉદય થાય એવુંય બને.
- ક્રાંતિની મશાલ હવે ભવાઈની મશાલ થઈ ગઈ.
- દિલ્હી હવે વાંઝિયણના ગર્ભાશય જેવું થઈ ગયું છે.
- ડામરની સડકો આવી અને ગોરજટાણું ગયું.
- આંગળાં રહ્યાં ને ઓકળી ગઈ.
- પત્રકાર માટે કોઈ જ મેટર સિરિયસ નથી હોતી.
- રામ-રહીમની રાશિ એક હોવાથી અત્યારે બંને સમદુખિયા છે.
- દરેક સંપ્રદાય પાસે ઈશ્વરનું જૂદું સરનામું છે!
- ઈશ્વર અનુયાયી નથી એટલે ધર્માન્તર કરનારો ઈશ્વર બદલે છે!
- આંદોલન ગુલબંકીમાં શરૂ થાય છે અને ઝૂલણામાં શમે છે.
- ‘અવતરણ’ વગર હવે વિદ્વત્તાનું અવતરણ થતું નથી.
- નશાબંધી હોય તો પોલીસ ભૂખે ન મરે!
- પડોશીઓ હવે લડતાય નથી ને વાત પણ નથી કરતા.
- ખખડતો રૂપિયો હવે ગગડતો થઈ ગયો છે.
- ધરમનાં ધીંગાણાં કરે તે બહારવટિયા ન કહેવાય!
- હિસાબ કરવાનો કંટાળો આવ્યો એટલે ક્રિકેટરો બેહિસાબ કમાવા માંડ્યા.
- ધાર્મિક સિવાયની લાગણીઓ હવે દુભાતી નથી.
- અયોધ્યામાં હવે રામાયણ નહીં પણ મહાભારત ચાલે છે!
- રામનું ઘર કેટલે? પોલીસ દેખાય એટલે...
- સંપ્રદાયો કૂંડાની માટી છે, ધરતી નથી.
- કારુણ્ય એ છે કે વિદૂષકો લોકનાયક બની બેઠા છે.
- ઈસુની દસ આજ્ઞા કરતાં અમેરિકાની એક આજ્ઞાની કિંમત વધારે છે.
- લોકશાહીમાં કીડી પણ વાઘનું મોઢું સૂંઘી શકે છે!
- આપણે વિચારવાની નહીં, બોલવાની સ્વતંત્રતા ભોગવીએ છીએ.
- શરણે નથી જતો તે દુશ્મન કહેવાય છે!
- એવું લાગે છે કે ફરિશ્તાનું મોઢું જોવા મારે મરવું પડશે!
- નાખી દેવાની કિંમતે નૈતિક મૂલ્યો કાઢી નાખવાનાં છે, અરજી કરો.
- માણસ માંદગીમાંથી ઊઠે ને ગજવું માંદગીમાં સપડાય!
- બકરીને બહુમતી મળે તો એ પણ સિંહાસને બેસે!
- પથરાનો પ્રવાસ અને દિશા માણસ જ નક્કી કરે છે!
- પોલીસ ઇન્સ્પેક્ટર થઈએ તો આપણું પેટ પણ વધે!
- અંગારા ચાંપવાનું મન થાય એવાને પૈસા ચાંપવા પડે છે!
- સૌથી વધારે ગીચ વસ્તી રાહતકેન્દ્રોમાં હોય છે.
- અંગ્રેજી એ ધમકી આપવાની ભાષા છે.
- પ્રતિભાને પણ હવે લોકપ્રિયતાના બજારમાં બેસવું પડે છે!
- ભગવો રંગ ત્યાગનો હતો, પણ હવે રાગનો થઈ ગયો!
- રોટી ખાય તે બાવો, માલપૂડા ખાય તે મહંત!
- લાંચ ખાવામાં કોઈ ડાયેટિંગ કરતું નથી.
- સેક્યૂલર – યાત્રા પણ મંદિરેથી નીકળે!
- બધા સરકારી ખાતાં ખાતા હોય છે.
- પૈડાના રવે પગરવને ચગદી નાખ્યો છે.