ચાંદરણાં/હળવાશ

From Ekatra Wiki
Revision as of 16:59, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


33. હળવાશ


  • સાબુ લપસે તોયે તેનું ચરિત્ર ખંડિત થતું નથી.
  • બહેરાશનો રોગ સૌથી વધારે સરકારી અમલદારોમાં હોય છે.
  • કલર મૅચિંગની શરૂઆત પાડા પર બેસીને આવતા યમરાજાએ જ કરી હશે.
  • કાપડિયાને કહીએ કે ‘કપડાં કાઢો’ તો એ શરમાતો નથી.
  • સૌંદર્યસ્પર્ધામાં તો ઓછામાં ઓછાં કપડાં જ ‘ઊતરી’ શકે.
  • એકવાર નક્કી કર્યા પછી વ્યસન સરનામું બદલતું નથી.
  • નિંદાને પગ વાળીને બેસવાની ટેવ જ નથી.
  • ઉંદર આડો ઊતરે એ બિલાડી માટે શુકન કહેવાય.
  • મહંમદ બેગડો ગુજરાતની ‘લિમિટેડ થાળી’ વિશે કશું જાણતો ન હતો.
  • નાકનાં નસકોરાં એક જ આંતરરાષ્ટ્રીય ભાષા બોલે છે.
  • પરપોટાના ગોળાકારને ગબડાવે તો જાણું કે તું શાણો છે.
  • નળની ચકલીને ચોર જ પાંખ આપી શકે!
  • માણસને નહીં, એના ફોટાને જ ટાંગી શકાય છે!
  • ક્રિકેટનો દડો લક્ષ્મણરેખા ઓળંગે તો તાળીઓ પડે!
  • ગાઈડ જાણે છે કે શાહજહાંએ મારા ગુજારા માટે જ તાજમહાલ બંધાવેલો.
  • ચકલીના પીંછાંથી રામાયણ-મહાભારત નહીં, હાઈકુ જ લખાય.
  • ગુલાબી વાતાવરણ માત્ર શયનખંડમાં જ નહીં, શૅરબજારમાં પણ હોય છે.
  • પડે છે ત્યારે સઘળું નથી પડતું, વિરોધીઓ ઊભા હોય છે.
  • ઈશ્વર નખ આપે, નેઈલ પૉલિશ થોડું આપે?
  • ભૂત, બંગલામાં રહે પણ ભાડું ન ભરે!
  • મૂરખ સાપ, પક્ષ બદલવાને બદલે હજી કાંચળી બદલ્યા કરે છે!
  • સાહિત્ય અને સંગીત એવાં ઘરેણાં છે, જેને શ્રીમંતો વારતહેવારે ધારણ કરે છે.
  • કોલસાને અગ્નિ સિવાય કોણ ઊજળો કરે?
  • કાયદો અને વ્યવસ્થા ખાડે નથી ગયાં, અંડરગ્રાઉન્ડ થયાં છે.
  • કૃષ્ણભક્ત થયા તો ગોકુળઆઠમે જુગાર રમ્યા વિના ચાલે?
  • અવસાન વિશે ગેરસમજ ન થાય તે માટે એને ‘દુઃખદ’ કહેવાય છે.
  • દેવ થવાનો સહેલો માર્ગ એ છે કે વહુને દેવી કહેવા માંડો...
  • ચૂંટણીના ઉમેદવારો અને સંક્રાન્તિના કનકવા એકસરખા!
  • વક્રોક્તિની જનેતા સાસુ છે!
  • કયો ભમરડો સ્વેચ્છાએ ઘૂમે છે?
  • સૂર્યપ્રકાશને તડકો થતાં વાર લાગે, એટલી નીરાને તાડી થતાં વાર લાગે!
  • સુરતી અંગ્રેજી બોલે તો બુદ્ધ બુદ્ધા નહીં, પણ બુઢ્ઢા થઈ જાય!
  • દરજીની સોય કરતાં હવે ડૉક્ટરની સોય વધારે કમાણી કરે છે.
  • બધા ભગતડા હવે તગડા જ હોય છે!
  • ગૃહજીવનમાં યુગ આવે, ક્રાન્તિને અવકાશ નથી.
  • પાકિસ્તાની સરહદરેખાને વિગ્રહરેખા થઈ જવાના અભરખા છે.
  • કેળાની લૂમ કહે છે અમારા કુટુંબમાં બધાં સરખાં!
  • નેતાનો શોક પ્રજા ન પાળે તોય રેડિયો-ટીવીએ તો પાળવો જ પડે!
  • અભરખા ભીમ જેવા, દશા અગિયારશ જેવી!
  • હે વરરાજા! તમે ન હોત તો જૂની રંગભૂમિના અસ્ત પછી પતરાની તલવારનું શું થયું હોત!
  • અંદરઅંદર કાંકરા અથડાય અને કહે કે ઘૂઘરો વાગે!
  • રિક્ષાવાળાને માત્ર પોતાના ઘરનો જ ટૂંકો રસ્તો ખબર હોય છે!
  • ગરીબના દીકરાએ મોસંબીનો રસ પીવા માંદા થવું પડે છે.
  • પોતે લખેલા શબ્દો ભૂંસવાની હિંમત માત્ર શિક્ષકમાં જ હોય છે.
  • સસરો ઘર બદલે તો વરઘોડાની દિશા બદલાય.
  • સોનીને તો બીજાની વહુ ઘરેણાં પહેરે એ જ ગમે ને?
  • ડાકણને કોઈ શાબાશી નથી આપતું, કારણ કે એને થાબડવા માટે વાંસો જ નથી હોતો.
  • આપણે માણસ છીએ એટલે કોઈ આપણી બાધા નથી રાખતું.
  • ગુલકંદ દ્વારા ગુલાબોનો મીઠો મરણોત્સવ ઉજવાય છે.
  • રંગલો જ હવે તો બંગલો બાંધે છે!
  • કાંટાની સહનશીલતા ખોટું વજન બતાવે!
  • ડોસી મરે એનો વાંધો નથી, મર્યા પહેલાં વીલ નથી કરતી એનો વાંધો છે!
  • તોલવાનું ટાળનારો છેવટે જોખી નાખે છે.
  • લોકો ઊંઘ કાઢે છે, કેટલામાં તે જાણતા નથી.
  • ટ્રેન મોડી આવે તે સમાચાર અને સમયસર આવે તે અકસ્માત કહેવાય.
  • ગુસ્સાનું આયુષ્ય માણસના હોદ્દા પર આધાર રાખે છે!
  • ઈંડાની દીવાલને ધોળવી ન પડે!
  • માંકડ એવી બ્લેડબૅંક છે કે જેની પાસે દરેક વર્ગનું લોહી મળે!
  • સ્પર્શસુખ એવું છે કે કૉલબેલ પણ ચીસ પાડે!
  • ચોમાસે મારગડો રગડો થઈ જાય છે!
  • વર્ષો પછી તે છોકરીને જોતાં લાગ્યું કે નવલિકા નવલકથા થઈ ગઈ.
  • સાહિત્યમાં ચોરી કરતા ભય લાગે છે કારણ કે ચોરની સંખ્યા ઘણી મોટી છે.
  • વાઘને કંઈ કાળજું કઠણ રાખવાની શિખામણ અપાય?
  • વરસાદ પાસે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સર્વિસ હોય છે!
  • માંદો માણસ શું કંઈ નથી કરતો? એ દવા તો કરે છે!
  • માથે દેવું હોય ત્યારે કેટલાક વિસ્તારોમાં કરફ્યુ હોય છે.
  • નાગો નહાય તો ખરો પણ નિચોવે નહીં.
  • હૃદયરોગ તો નળના પાણીને પણ માળ પર ચઢાવવાની ના પાડે!
  • અમેરિકા પહેરેગીર છે, કયો દરવાન પોતાના ઘરના દરવાજે પહેરો ભરે છે?
  • દરેક દવા ડૉક્ટરને ‘સારો ફાયદો’ કરે છે!
  • અલ્લાએ નહીં મુલ્લાએ બનાવી જોડી!
  • દરેક કુંવારો ‘અજોડ’ હોય છે!
  • વિવેચકને ઉદાર થવાનું મન થાય ત્યારે એ પ્રસ્તાવના લખે છે!
  • લખનારા બધા વાંચીને સાહિત્યસેવા કરે છે!
  • પગ પૂજાતા હોય તો કોઈ મોજાં ન પહેરે!
  • કયામતના દિવસે પણ સરકારી સાહેબો પાસે નિકાલ થયા વિનાની ફાઈલો હશે!
  • જુનવાણી અંગ્રેજો સુરતમાં પીપને બદલે કોઠી મૂકી ગયા!
  • કમિશન – કમાણીનું મિશન!
  • પતિ પ્રેમી હોય એવી ગેરસમજ ઘણી લોકપ્રિય છે.
  • રાવણના પેટમાં હવે પાપ નહીં, ફટાકડા હોય છે!
  • અમેરિકાની પવિત્ર ફરજોમાં દાદાગીરીનો પણ સમાવેશ થાય છે.
  • બકતાં બકતાં બોલવા માંડતા ઓછા, બોલતાં બોલતાં બકવા માંડનારા ઘણા!
  • આશીર્વાદો વાયદે મળશે, ગાળ બધી જ રોકડી આવી!
  • દરેક ઘૂઘરા પાસે પોતીકા કાંકરા હોય છે.
  • આંગણાં વાંકાં ન હોત તો નૃત્ય માટેનાં સીધાં સ્ટેજ હોત ખરાં?
  • પોતાનો અવાજ પોતે સાંભળવો હોય તો ફેરિયા થવું પડે!
  • મફત મુસાફરી કરવી અને વળી ટ્રેન મોડી પડ્યાની ફરિયાદ પણ કરવી!
  • જોડો ડંખે તે પહેલાં જોડાની કિંમત ડંખે છે!
  • સસ્પેન્ડ થાય તે સેકન્ડહેન્ડ થયો એમ કહેવાય ખરું?
  • લક્ષ્મીજીની લાચારી એ છે કે જે પ્રધાન થાય તેના પર એમણે રિઝવું જ પડે!
  • દીકરાનું લેસન કરી આપે તો માએ ‘ઘરકામ’ કર્યું કહેવાય!
  • ફૂટપાથ પર રહેનારને પણ ‘ઘરવાળી’ હોય છે!
  • ઘાંટાઘાંટ એ વાટાઘાટનું જ તોફાની બાળક હોય છે!
  • બત્રીસ દાંતમાં દાઢ પણ આવી જાય હં...!
  • ગરીબના કેલેન્ડરમાં સૌથી વધારે અગિયારસ હોય છે!
  • વસ્તીવધારાનો દર ગણેશજીની મૂર્તિને સૌથી વધુ લાગુ પડે છે.
  • ઘંટીને જીભ નથી એટલે મરચાં દળી શકાય છે.
  • ઢોળાયેલું દૂધ બિલાડી માટે હોય છે!
  • વારસદારો પાસે ઊઠમણાની જાહેરખબર છપાવવાના પૈસા ભેળા થશે ત્યાં સુધી હું જીવીશ!
  • આકાશી વીજળીની ચોરી નથી થતી!
  • આદરનાં મૂળ કંઈ જમીનમાં ન હોય!
  • ટ્રેન અકસ્માતમાં મરનારા બધાય લાખેણા થાય.
  • એક ઘોડો કેટલાક વરને યાદ રાખે?
  • બધા જ રમખાણિયાઓનું લોહી એક જ!
  • શ્લોક લખો કે ગાળ પેન તટસ્થ જ રહે છે.
  • પ્રેમપત્ર પણ માગણાનાં બિલ જેવો હોઈ શકે છે!
  • કોઈનો ન્યાય તોળશો નહીં, ન્યાયાધીશની નોકરીનું રક્ષણ કરો!
  • ઘડિયાળ અને ટ્રેનને બારમો ચંદ્રમા હોય છે!
  • સમાન પ્રેમથી જ નહીં સમાન ભ્રમથીયે પરણી શકાય છે!
  • મહત્ત્વાકાંક્ષાને વાડ કે છત હોતી નથી.
  • શિક્ષિતની ઓળખ એ છે કે તે પરીક્ષામાં જ ચોરી કરે!
  • તુલસી સંગત સાધુકી, ગાંજા બહુત પિલાય!
  • દીકરો રડે તો દીકરાનો ઘૂઘરો બાપે વગાડવો પડે!
  • ડૉક્ટરે આપેલી દવા કરતાં બિલ વધારે કડવું હોય છે.
  • બાથરૂમ કપડાં ઉતરાવે અને અરીસો કપડાં પહેરાવે.
  • સૌંદર્ય પ્રસાધનો બ્યૂટી માટે ડ્યૂટી બજાવે છે.
  • સરકાર પોલીસની ભરતી કરે છે એનો અર્થ એણે ગુનાખોરી અંગે આશા નથી ગુમાવી.
  • દિલ હોય છે ત્યાં જ રહેવા દઈને ચોરી શકાય છે.
  • ઈશ્વર અલ્લા તેરે નામ, મંદિર મસ્જિદમેં પકવાન!
  • આટલાં બધાં સદાવ્રત, ભૂખમરાના પુરાવા છે!
  • લત ખરાબ હોય તો હાલત પણ ખરાબ હોય!
  • પાસ થયેલો છોકરો માબાપનું નહીં, શાળાનું ગૌરવ કહેવાય છે!
  • ગરીબીનો વારસાહક્ક પણ મળે જ!