ચાંદરણાં/ફિલસૂફી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


32. ફિલસૂફી


  • કૂવાના પાણીમાં પ્રતિબિંબ પડવાથી આકાશ નીચું થઈ જતું નથી.
  • સાગર પોતાનામાં ભાંગે છે અને પોતાનામાં જ ઊઠે છે.
  • ચાલો આપણે પોતાને જ નામંજૂર કરીએ!
  • કોઈ પક્ષી માળામાં પોતાનાં ખરેલાં પીંછાં નથી રાખતું.
  • માથાનો થાય તેને પગની ઠોકર વાગે.
  • સંબંધનું ભવિષ્ય સ્મૃતિ.
  • ગોળ ગોળ ફરનારનો પંથ લાંબો હોઈ શકતો નથી.
  • ઉછીનાં લીધેલાં અજવાળાં અંધ બનાવે છે.
  • નોકરો દ્વારા સ્વર્ગને સજાવી શકાય, સર્જી ન શકાય.
  • મહત્ત્વાકાંક્ષા એક દિશા ખોલીને બાકીની બધી દિશાઓ બંધ કરી દે છે.
  • પ્રતીક્ષા કરે છે તેને જ પગરવનો લય સંભળાય છે.
  • મોટી મૂર્ખાઈ કરવા પદ પણ મોટું મળવું જોઈએ!
  • જુગારમાં જીતેલું નાણું માર્ગમાં મંદિર આવે તોયે પીઠામાં જ જાય!
  • પ્રસિદ્ધિનું ઢાંકણ મનને ઊઘડવા જ નથી દેતું!
  • સાઠ દિવાળી ભેગી કરી તોયે જીવનમાં અંધકાર!
  • બહુ ઊંચે ફરકે તે ધજા વહેલી ફાટે!
  • કેટલાક સંબંધો કાચ જેવા હોવાથી જ તૂટે છે.
  • દરેક ભરતીને ઓટ થઈને પાછા ફરવાનું હોય છે.
  • બહારનું જગત મારામાં પીડારૂપે પ્રવેશ્યું તે પહેલાં હું સુખી હતો.
  • ઘાસિયામાં રહેનારાએ દાઢી ન વધારવી.
  • કોઈ અરીસો બનાવે છે, તો કોઈ મહોરું ઘડે છે.
  • કાચના ઘરમાં રહેનારાં રાત્રે જ સ્નાન કરે!
  • બોજ નિરર્થક નથી, નિરર્થકતા બોજ હોય છે.
  • પોતે છાતી ઠોકે એ કરતાં બીજા વાંસો ઠોકે એ વધારે સારું!
  • રેતીના નાના કણો જ મોટા રણનું સર્જન કરે છે.
  • ‘હું’ ન હતો ત્યારે માણસ એકલો ન હતો!
  • આંખ બધા પાસે હોય છે પણ દૃષ્ટિ કેટલા પાસે?
  • વિવેક જાણે છે તેને કાયદા જાણવાની જરૂર નથી પડતી.
  • આયના વેચનારે પોતે ખૂબસૂરત હોવું અનિવાર્ય નથી.
  • ખરખરો બધા કરે પણ ખરેખરો કોઈ ન કરે.
  • નારાયણ છે તો પારાયણ પણ છે.
  • લાંબો વાંસ વહેલો વઢાય.
  • પોતા સુધી પહોંચવાનો પ્રવાસ પૂરો થતો જ નથી!
  • જ્યોત ન હોય તો દીવો કોડિયું જ કહેવાય.
  • ચગડોળને ગતિ હોય, પ્રગતિ નહીં!
  • સુખના ભાગીદારો મળે, ભૂખના નહીં.
  • આપણી ચાદર આકાશ બની શકતી નથી.
  • ઘણું બધું જોવા માટે ઘણાં બધાં વર્ષો જીવવાનું જરૂરી નથી!
  • દિવસે ઊંઘતા માણસના ઘરે નિષ્ફળતા ચૂપચાપ પ્રવેશે છે.
  • આશાવાદી થયા વિના કળી ફૂલ ન થાય, ક્ષણ, સમય ન થાય.
  • પાર્થ પણ છેવટે પાર્થિવ થઈ જાય છે.
  • સુખ આગલા બારણેથી આવે છે અને પાછલે બારણેથી જાય છે.
  • જીવન એવું નાટક છે, જેની સ્ક્રીપ્ટ પહેલેથી લખાતી નથી.
  • ભૂતકાળ એવું શબ છે, જેનું આયુષ્ય દિવસે દિવસે વધતું જાય છે!
  • મોત સિવાય કશું પોતીકું નથી હોતું.
  • અપેક્ષાની બહાર બધું જ શૂન્ય હોય છે.
  • જે ગામમાં મરઘો નથી હોતો ત્યાં પણ સવાર તો પડે જ છે!
  • ઊંઘમાં રત્નો જુઓ અને જાગૃતિમાં છીપલાં ગણો!
  • જૂના કોડિયે પણ દિવાળી થઈ શકે છે.
  • આગિયાને આકાશ મળે તેથી એ સિતારા થોડા થઈ જાય!
  • કિનારો સ્વયં બને છે, ઓવારો માણસે બાંધવો પડે છે.
  • આંધળી કૂચ કબ્રસ્તાનની દિશામાં લઈ જાય છે.
  • કોઈ સ્મરણમાં કેવળ ગંધ હોય છે!
  • ટૂથબ્રશથી વાસીદું વાળવું એ પણ મહત્ત્વાકાંક્ષાનું જ એક રૂપ છે.
  • ચાના સહકાર વિના કીટલી ગરમ થઈ શકતી નથી.
  • ભૂતકાળ પગની બેડી બને તો ભવિષ્યની પાંખ ન ફૂટે!
  • ઝરણું ભલે કેટલે પણ ઊંચેથી પડે, પણ પડ્યા પછી તરત ચાલવા માંડે!