ચિલિકા/ચિરંજીલાલમાં


ચિરંજીલાલમાં ચિરંજીવ ઉદયશંકર
સાંભળો: ચિરંજીલાલમાં ચિરંજીવ ઉદયશંકર — યજ્ઞેશ દવે


ચિરંજીલાલની પહેલી મુલાકાત તો અછડતી, ઉભડક હતી. એ ઉભડક મુલાકાતમાંય તેમણે એક આસન મનમાં જમાવી દીધું હતું. અલ્મોડાના ખજાનચી મહોલ્લાની દુકાનની ઓસરીમાં રોડ પરની ચહલપહલ વચ્ચે અમે એકાંતનો ટાપુ સર્જી તેમાં ભૂતકાળના તળિયે જઈ એક નાનકડી ડૂબકી મારી લીધી હતી. હજી વિસ્મૃતિકાળના વિશાળ સમુદ્રના તળિયે બેઠેલી ભવ્ય સ્મૃતિનૌકાનો અસબાબ જોવાનો બાકી હતો. અલ્મોડાથી પાછા વળવાના દિવસો નજીક આવતા ગયા અને સમયનો દાબ વર્તાયો. થયું જતાં પહેલાં ચિરંજીલાલને નિરાંતે મળવું જોઈએ. એક દિવસે સવારે સોલો ચડ્યો. ખભે થેલો નાખી હું અને મંજુબહેન ઊપડ્યાં. ઊઘડતી દુકાનો અને બજાર વચ્ચે ચાલતાં સવારના ઇષતસ્પર્શ કુમળા તડકાને વધાવતાં પહોંચ્યાં ખજાનચી મહોલ્લામાં. પગથિયા ચઢી ઉપર શેરીમાં ગયાં. શેરીમાં નાનકડા મહોલ્લા મંદિરમાં પૂજા કરવા માટે નાનકડી નવેળીમાંથી પૂજાસામગ્રી લઈ સહેજ માથે ઓઢેલું નમણું નારીવૃંદ આવ્યું. સવારના તાજા કુમળા પ્રકાશમાં સ્નાનસ્નિગ્ધ લાજવંતા ચહેરા પર કંકુનો ચાંદલો વધુ શોભતો હતો. બહાર નાનકડો ઘંટ રણકાવી મંદિરમાં અર્ચનમાં લાગ્યાં. બાજુના ઘરનું રાભડું ગલૂડિયું વળી અમને જોઈને શેરીમાં સાવજ થઈ ભસવા લાગ્યું. અમે ‘ચિરંજીલાલજી...' કહી બૂમ પાડી. નાનકડા ચોકમાં હાથમાં છોકરું તેડી ઊભેલા એક જુવાને સામે છાપરા ભણી ડોક લંબાવી સાદ દીધો, ‘ચિરંજીલાલજી, આપકે મહેમાન આયે હૈં હું તો આગંતુકને મહેમાન ગણ્યા તેનાથી જ ખુશ થઈ ગયો. મેં છાપરા પર નજર કરી. નાનકડા ઢળતા નીચા છાપરીવાળો છાપરા પર રોડ તરફની પાળીએ રાખેલા કુંડામાં ચિરંજીલાલ પાણી પાતા હતા. અમારા તરફ જોયું. ચહેરા પર મારા ફરી આગમનની ખુશીની લહેર દેખાઈ. ૮ર વરસની જૈફ વયે નાનકડો ઠેકડો મારી નીચે ઊતર્યા. તેમની પહોળી પંજાદાર નરમ હથેળીથી મારો હાથ લીધો. પ્રેમાળ હૂંફભર્યો હાથ મેળવ્યો, મંજુબહેનને હાથ જોડ્યા. “આઈયે અંદર બૈઠતે હૈં. આપ નીચે ઉતર કર દુકાન મેં સે ઉપર આઈયે, મૈં ઉપર સે નીચે જાકર દુકાન ખોલતા હૂં.” અમે નીચે ઊતરી દુકાનમાં થઈ સાંકડી લાકડાની સીડી ચઢી ઉપર ગયા. રોડ પર ખૂલતો નીચી લાકડાની છતવાળો નાનકડો ઓરડો. એક બાજુ પલંગ, બીજી તરફ ટેબલખુરશી, વચ્ચે જાજમ. પોતે નીચે બેસવાનું કહી અમને ઉપર બેસાડતા હતા. અમે તેમનું કહેવું ધરાર ન માનીને નીચે બેઠાં. ‘અમે આજે આવીશું તેવો તેમને અંદાજ કે આશા ન હતી. કહે, “આપ પહલે કહલવાકે આતે તો સબ ઠીક ઠીક કરકે રખતા. સબ ઐસે હી પડા હૈ.' એમની સાથે એટલો અંગત પરિચય તો ન હતો એટલે ઉદયશંકર સાથેનાં સંભારણાંની વાત કોઈ પ્રોફેશનલ ઇન્ટરવ્યૂઅર કે મીડિયામૅનની તટસ્થતાથી ધડાક દઈને સીધી કેવી રીતે કરાય? એમની સાહજિકતા સાથે એ કૃત્રિમતાનો મેળ બેસે તેમ ન હતો. “કબ આયે, કૈસા લગા અલ્મોડા” જેવી ઔપચારિકતા દરમ્યાન જ મારી નજર સામેના ટેબલ પર પડેલા જૂના આલ્બમ પર પડી. મેં તે જોવા માગ્યું. પૂંઠા જેવા કાળા કાગળ પર રંગીન સ્મૃતિઓના બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ ચોડેલા હતા. કેટલાક ઊખડી ગયા હતા, તો કેટલાક પીળા પડી ગયા હતા. ઢગલો ફોટા તો એમ ને એમ જ બે પાનાઓ વચ્ચે ભરાવી રાખ્યા હતા. એક પછી એક પાનું ફરતું જાય, અને તેમની સ્મૃતિઓ ઊખળતી જાય. ‘ઉત્તરરામચરિત’માં ચિત્રવિથિમાં રામ એક પછી એક ચિત્ર જોતાં ભૂતકાળને, સખ્યજીવનની સ્મૃતિઓને પુનર્જીવિત કરતા જતા હતા તેવી જ રીતે ચિરંજીલાલ પણ એક પછી એક ફોટોગ્રાફની સાથેના પ્રસંગો ઉખેળતા જતા હતા. કોઈ ઠેકાણે ગાડીને પંચર પડી ગયું હોય અને રસ્તામાં રઝળી પડ્યા હોય તે તકલીફની મજાનેય સાચવી રાખવા પાડેલો ફોટો બતાવીને કહે, “યે રાઘવન હૈ-અચ્છા ડાન્સર થા.” ઉદયશંકરે પારિસ, યુરોપમાંથી જ ટુપ ઓર્ગેનાઇઝ કરી યુરોપ અમેરિકા ફરી આવ્યા પછી પાછા હિન્દુસ્તાન આવ્યા અને અહીંયાં દેશમાં સ્થાયી થવાનું નક્કી કર્યું ત્યારે અહીં દાર્જીલિંગ, મસૂરી, નૈનિતાલ બધે ગયા પણ કળશ ઢોળાયો અલ્મોડા પર. અહીંયાં આવ્યા પહેલાં જ રવીન્દ્રનાથ જેવા ખ્યાત કલાકારનાં આદરસન્માન અને આશીર્વાદ પામ્યા હતા. એક યુવાન કલાકાર માટે એ ઓછું સન્માન ન કહેવાય. અહીં તેમની વિદેશી મિત્રની મદદથી અલ્મોડાની સામી પહાડી પર ‘રાનીધારા’માં શાંત નૈસર્ગિક સ્થળે ઉદયશંકર કલ્ચરલ સેન્ટરની સ્થાપના કરી. અહીં અલ્મોડામાં બોલી સેન મારફતે આવ્યા. અહીં બોસી સેનના મિત્ર શ્યામલાલજી શાહના પરિચયમાં આવ્યા. શ્યામલાલજી સંસ્કારપ્રેમી શ્રીમંત સજ્જન. ઉદયશંકરે તેમને જ સેન્ટરના બાંધકામની પ્રેમભરી જવાબદારી અને કોન્ટ્રાક્ટ સોંપ્યો. શ્યામલાલજી શાહના એ કૉન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે હતા ચિરંજીલાલ શાહ. ર૫-૨૭ વરસનો આ પડછંદ, નમ્ર, ઉત્સાહી યુવાન ઉદયશંકરજીને ગમી ગયો અને સેન્ટર શરૂ થયું ત્યારે ૧૯૩૯માં તેમને ત્યાં જ રાખી લીધા. ત્યારથી... છેક ૧૯૩૯થી છેક ૧૯૭૨ સુધી તેમના સ્ટેજ મૅનેજર ઉપરાંત આખા કુટુંબના અંગત મિત્ર થઈ રહ્યા. ફોટો આલ્બમ ઉખેળતાં આફ્રિકાનો ફોટો આવ્યો. કહે, “કેન્યા કા હોગા. ઇક્વેડોર યહાં સે પાસ હોતી હૈ-દેખો યે બોર્ડ લિખા હૈ ન? વહાં લિયા થા. કૌનસી સાલ હોગી? ઉનસાઠ? શાયદ.” ઉદયશંકરની વિશેષતા વર્ણવતાં કહે, “ઐસે ડિરેક્ટર થે. ચિત્રકાર તો થે હી. પેઇન્ટિંગ ખુદ કરતે થે. કંપોઝિશન, પોઝ, મંદિરો કા સ્ટડી કિયા... હિન્દુસ્તાની કલ્ચર હૂ-બ-હૂ ડાન્સ મેં લે આયે.” અત્યારના વેસ્ટર્ન ફિલ્મી ડાન્સનો ભારોભાર અણગમો વ્યક્ત કર્યો. ‘હિન્દુસ્તાન મેં અબ ભાંગડા ડિસ્કો ફિસ્કો ચલતા હૈ. કેસે ઇધરઉધર કૈસે તૈસે હાથ-પૈર હિલાતે હૈં ઉદયશંકર કી તો એક અપની સ્ટાઇલ થી. વો સ્ટાઇલ ભી પહલે ચલી. અબ તો વો સ્ટાઇલ ભી કહાં? ઉન્ડોને સબ મિલાકર ક્રિયેટ કિયા, એક ગ્રેસ દી. ન વે કથક કે પૂરે થે, ન વે કથકલિ કે પૂરે થે, ન ભરતનાટ્યમ્ કે. સબકો મિલાકર અપના ડાલા ઔર અપના સ્ટાઇલ બનાયા. આજ કા કોઈ ડાન્સર ઉદયશંકર કી તરહ એક કદમ ભી ચલ કર તો દેખે! મહાન વિભૂતિ થે મૉડર્ન ટાઇમ કે.' ‘કોરિયોગ્રાફી મેં ઉનકા જવાબ નહીં. કોઈ આદમી કહાં છિપા હોગા ખ્યાલ હી નહીં આયેગા. આદમી કે પીછે સે હી નિકલેગા.” છાયા નાટ્યમાં માત્ર રેખાઓથી ભાવને વ્યક્ત કરવા અને લાસ્યથી માંડીને રૌદ્ર સુધીના ભાવોને ઉપસાવવા કેટલા અઘરા છે તેની વાત કરી. “શેડો પ્લે બહોત ડિફિકલ્ટ હૈ, આગે પર્દા ઔર પીછે કલાકાર. લાઇટ આગે આઈ... પાત્ર છોટે હો ગયે. લાઇટ પીછે ગઈ... પાત્ર બડે. હો ગયે. કુંભકર્ણ લંબા હોતા હોતા થર્ટીએઇટ ફીટ કા હો જાતા થા. પેટ આગે સ્ક્રીન તક આ જાતા થા. ઉસકે પેટ પર ભી બંદર જમ્પ કરતે થે. કુછ નૅચરલ કુછ કાર્ડબોર્ડ કે. શેડો પ્લે કરનેવાલા ઐસા કોઈ જન્મા નહીં, જિન્હોંને ઉનસે સિખા વે ભી અબ નહીં કર સકતે. બોધિસત્ત્વ કી સારી સ્ટોરી, સારા રામાયણ લે આયે. યે નહિ કી એક પીસ બનાયા હો. એક પૂરી સ્ટોરી પેશ કી.' ચિરંજીલાલ વાત કરતા હતા ને બહાર શેરી-મંદિરના ઘંટો બજી ઊઠ્યા. કોઈ નવું નવલું નારીવૃંદ પૂજા માટે આવ્યું હશે. પેલું ગલૂડિયું રખેવાળીના ઉત્સાહમાં હજી સતત જીણું જીણું ભસ્યા જ કરતું હતું. તેમણે વાતને સાંધી. “આપકે ગુજરાત મેં ભી આયે થે. કૌન થે વો? શાહીબાગ મેં ‘સર... સર ચિનુભાઈ બેરોનેટ કા બંગલા થા. વહાં એક ભારી મૈદાન થી... વહાં ભી શો કિયા. કરીબ કરીબ સારા ઇન્ડિયા ઘૂમે. ઉધર ઢાકા ભી ગયે, પાર્ટિશન સે પહલે તો સારા હિન્દુસ્તાન હમારા હી થા.” ઉદયશંકર સાથે ફોરેનની કેટલીય ટુરો કરેલી. અદ્ભુત યાદગાર રોમાંચક એ ટૂરમાં આખી નૃત્યમંડળીઓ – ટ્રુપનો કાફલો રસાલો જતો. મિત્રતાના દાવે ઉદયશંકર શ્યામલાલ શાહને ય ટૂર મૅનેજર તરીકે સાથે લે. ચિરંજીલાલ તો સ્ટેજ મેનેજર તરીકે હોય જ. ઘણી વાર તો એક શહેરથી બીજે શહેર ટ્રુપ સવારે પહોંચે અને સાંજે તો શો હોય. ઓછો સમય, સ્ટેજ માટે અનુકૂળ ન હોય તેવી જગ્યા અને ટાંચા સાધનો છતાં અનુભવ કોઠાસૂઝને લીધે અદ્ભુત આયોજન કરવાની આવડત ચિરંજીલાલમાં હતી. જર્મનીમાં તો એક ઇન્ડિયન ઍમ્બેસડરે આ શક્તિ બિરદાવતો એક પ્રશંસાપત્ર આપ્યો હતો તે વંચાવ્યો. એ બધી ફોરેનની ટૂરો અભૂતપૂર્વ સફળ થતી. એ ટૂરોના અનુભવ વાગોળતાં વાગોળતાં વિદેશના સમજણભર્યા શાલીન કલાપ્રિય ઑડિયન્સનેય દાદ દેતા જાય... “ઇસ કદર ભીડ હોતી થી. એક જગહ ખાલી નહી હોતી. ઇસ કદર ભીડ હોતી થી. ઐસી ક્લૉપિંગ હોતી થી. હમારી તરહ અંધી ક્લૅપિંગ નહીં. લોગ અપને કો ભૂલ જાતે થે. જબ પર્દા ગીરા વે દેખતે રહ ગયે. બાદમેં તાલી બજાયી, દો, તીન મિનટ તક રુકતી નહીં. લોગ ઉસકે અંદર તલ્લીન હો ગયે. પબ્લિક સ્પેલ બાઉન્ડ હો જાતી થી. કિસી ભી એરિયે કી હો. ઉદયશંકરજી તો આખું વિશ્વ ફરી વળ્યા. દર બે-ચાર વરસે ભારતથી એ સંસ્કારયાત્રા નીકળતી. ચિરંજીલાલને એ બધા દેશોનાં નામેય અત્યારે યાદ નથી. સાલ પણ ચોક્કસ યાદ નથી. હા, ફોટો જુએ ત્યારે ઝીણામાં ઝીણી વિગત યાદ આવે. ૧૯૫૦, ’પર, ’૬૨, ’૬૭માં તેમની ટૂપો ગયેલી. ૬૭ પછી બંધ થઈ ગયું. અહીં જે નૃત્યકારો-સંગીતકારોની બેઠક જામતી તેને યાદ કરી. ‘દુનિયા સે જો ભી આતા યહાં બગૈર આયે ગાયે નહીં રહતા. અલ્લાદિયા ખાં તો યહાં રહે ભી. ઉનકે સાથ તો ફોરેન ટૂર ભી હુઈ. બેલે મેં સંગીત ભી દિયા. બહોત પુરાના રિશ્તા હૈ. કિતને લોગ આયે. ઓમકારનાથજી ભી આયે, મહારાષ્ટ્ર સે ભી આયે.” અલ્મોડાની સામેની પહાડી પર રાનીધારામાં “ઉદયશંકર કલ્ચરલ સેન્ટર’ તેના ત્રણ-ચાર વરસના ગાળામાં સોળે કળાએ ખીલ્યું હતું. તે દિવસો યાદ આવતાં તેમના તો ઠીક મારા દિલમાંથીય એક કસક નીકળી ગઈ. એ નૃત્ય, સંગીતનો માહોલ; મણિપુરી, કથક, કથકલી, ભારતનાટ્યમ્‌ના વિશ્વવિખ્યાત કલાકારોનું અહીં સ્થાપન, અનેક સંગીતકારોની આવન-જાવન. રવિશંકર એ ગાળામાં કથક શીખતા અને ગ્રૂપમાં નૃત્યકાર તરીકે જઈ આવેલા. રવિશંકરની પ્રયોગધર્મિતા અને વિદેશી કલાકારો સંગીતકારો સાથે સંગત, ઑર્કેસ્ટ્રાના પ્રયોગોમાં તેમના ભગવતપુરુષ સાધુચરિત ગુરુ અલ્લાઉદ્દીનખાન અને પિતાતુલ્ય ઉદયશંકરનોય છાનો ફાળો હશે જ. સંગીતના સૂરો, પગની ઠેક, નૂપુરનો ધ્વનિ વાતાવરણમાં ભર્યો ભર્યો હશે. અહીંની અલ્મોડાની ખીણે એ ધ્વનિ ચાર ચાર વરસ સુધી સાંભળ્યો છે. આજે જે જમાનામાં મારો જન્મેય થયો નહતો તે દિવસો અને વરસો નજર સામે ખડાં થયાં... ‘ગુજર ગયા વો જમાના’ અને ‘કાંરવા ગુજર ગયા ગુબાર દેખતે રહે’ જેવી લાગણી થઈ. એ જમાનો યાદ આવતાં ચિરંજીલાલને શું-નું-શું થતું હશે તે તો રામ જાણે!