ચિલિકા/ચિલિકા


ચિલિકા પર સાંજ, ખુશવંતસિંગ કે નામ

ચિલિકા સ્વયં કવિતા તેના જળ પર કવિતાવાચન? હા, ઓરિસા સાહિત્ય અકાદેમીએ એક નવલ પ્રયોગ તરીકે કવિતાપઠનની એક બેઠક ઓરિસાના ઝલમલતા નેત્ર સમા ચિલિકા પર ગોઠવી હતી. ચિલિકા સરોવર છીછરું. એકસાથે ૬૦-૭૦ કવિઓને સમાવી શકે તેવી સ્ટીમર કે મોટી લૉન્ચ અસંભવિત. ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા કાંઠડા. ડીઝલથી ચાલતા મોટા છ મછવા બાંધી એક તરાપો કર્યો. એક મછવા પાછળ પડદો તાણી સ્ટેજ તૈયાર કર્યું. દરેક મછવામાં દસ-બાર ખુરશીઓ. બધા મછવા બાંધેલા તેથી ઠેકીને ગમે ત્યાં જઈ શકાય. આમ આનંદની કિલકારીઓ વચ્ચે તરાપાએ કાંઠો છોડ્યો. ગ્રેટ ખુશવંતસિંગ સાથે હતા. એનાઉન્સમેન્ટ જ એવી થઈ કે કાર્યક્રમનો પ્રારંભ ખુશવંતસિંગની ઑફબીટ જોકથી થશે. એંસી વર્ષના રંગીનમિજાજી આ સરદારજી હસે ત્યારે દુ:ખને દેશવટો દઈ દીધો હોય તેવું લાગે. વાતાવરણ હુંફાળું ને આશ્વસ્ત બની જાય. ખુશવંતસિંગે પવન પારખીને ઓછી વલ્ગર હોય તેવી સરદારજીની, મહાત્માજીની અને ઇંદિરાજીને જુદી રીતે સાંકળતી જોક કહી વાતાવરણ હળવું બનાવી દીધું. એ પછી હોડી તરાપાના સરકવાની સાથે અલગ અલગ કંઠાળ પ્રદેશનાં માછીગીતોનો, હલેસાંગીતોનો, સમુદ્ર-સાગરનાં ગીતોનો દોર શરૂ થયો. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરાલા, ઓરિસા, બંગાળ, બધાંએ ગાયું. ગુજરાતનો વારો આવ્યો. પણ અફસોસ અને શરમની વાત કે આપણા દેશદેશાવર ખેડતા, ખંતીલા કોઈ સાગરખેડુનું ગીત હું રજૂ ન કરી શક્યો. કાંઠો દૂર રહી ગયો હતો. બરકુલ ગેસ્ટ હાઉસનો બંગલો બાકસના ખોખા જેવો લાગતો હતો. પશ્ચિમમાં સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. ચિલિકાનાં જળ અત્યારે ચળકતાં કેસરી થઈ ગયાં હતાં. લહેરો પર તરતી ડૂબકી-બતકો અને ગલપક્ષીઓ દેખાતાં હતાં. પવનની આછી આછી લહેરખીઓને કાનમાં કશુંક કહેવું હતું. હું સાંભળી ન શક્યો. માઇક પરથી કોઈ કવિતા રજૂ કરી રહ્યા હતા તેની અલપઝલપ ઊડતી પંક્તિઓ લાઉડસ્પીકરમાંથી વહી આવતી હતી. ચિલિકાના સૂર્યાસ્ત સમયે તો મૌન રહી શાંતિથી વાતાવરણને પીવાનું હોય, સાંભળવાનું હોય. કવિતા તો વધારાની, બોલકી લાગતી હતી. પણ પ્રયોગ ભલે ખોટો હોય તોય મોટો હતો, મુરારિબાપુની વિમાનકથા કે સ્ટીમરકથા જેવો. પ્રસિદ્ધિ મળવી જોઈએ, મળશે. દૂરદર્શનની અને ઝી ટી.વી.ની કૅમેરાટીમની ડીઝલ હોડી અમારા તરાપાની સમાંતરે રહી બધું શૂટ કરી રહી હતી – અમે જેમ કવિતાને શૂટ કરી રહ્યા હતા. થયું કે આ માહોલમાં કવિતા ન હોવી જોઈએ. આટઆટલા સમુદાયના હેલારાના સમયે હોવી જોઈએ, માત્ર હુલાસમય મરતી, ગાન-આનંદની છોળો, કિલકારી, હો હો, ગોકીરો અને કાં તો ચિલિકા માત્ર સાથે એકાંતિક મૈત્રી – વિશ્રંભ સંવાદ. થોડી વાર પહેલા જ ઝટમટ હસી પડેલા ખુશવતસિંગને હવે જુવાનિયાઓની મસ્તીમાં કે કવિતામાં રસ ન હતો. તેમને રસ હતો ચિલિકાનાં પક્ષીઓમાં. ફોરેસ્ટ ખાતાની જુદી લૉન્ચમાં તે તો જુદા પડી ક્યાંય દૂરનું ટપકું થઈ જળવિહાર કરી આવ્યા. મને ય ઈર્ષા થઈ, પણ મેળ ન પડ્યો. અહીં પરાધીન નહીં તોય અન્યને આધીન. જોકે કવિટોળાથી જુદા પડવાની, ચિલિકામાં વિહાર કરવાની અને ખુશવંતસિંગ સાથે થોડી વાતો કરવાની ઇચ્છા તરત પૂરી થઈ. સાંજ વધુ ગાઢ થઈ હતી. ખુશવંતસિંગજી ઉંમરને કારણે વધારે બેસી શકે તેમ ન હતા. શરીરને આરામ જોઈતો હતો. જે લૉન્ચમાં તેઓ ફરવા ગયેલા તેમાં જ કાંઠે પાછા જવાની વ્યવસ્થા કરી. તેમને કાંઠે ગેસ્ટહાઉસ મૂકવાના બહાને હુંય ચડી ગયો. આમ તો બિગગન તેથી કોઈ નવરા પડવા જ ન દે. ઓળખાણ કરવા, વધારવા, પ્રશ્નો પૂછવા, મંતવ્યો જાણવા, ઇન્ટરવ્યૂ લેવા ઝૂમખાં ચોટેલાં જ હોય. અહીં તો બોટમાં ત્રણ જ જણ વધારે તો વાત શી નીકળે? બિલાડી પરનો તેમનો લેખ મેં ક્યાંક વાંચેલો. તેની વાત કાઢી વાતને તેમની પ્રિય બિલાડી તરફ વાળી. બિલાડી તો અધિકારિણી, મનસ્વિની, માર્જારી. તમે તેને પાળો તેમ નહીં – તમારો અહં ભલે પોષાય, ખરેખર તો તે તમને પાળે. તમારી સામે કદી પૂંછડી નહીં પટપટાવે. પેટની દીકરીની જેમ લટુડાપટુડા કરી લાડ કરશે – અધિકારથી માંગશે. જો ન આપો તો ઠપકાભર્યા મ્યાંઉં મ્યાંઉં ઘુરકિયાં સાંભળવાં પડે. હસતાં હસતાં કહે, ‘કિતની બિલ્લિયાં પાલી હોગી. કુછ કે તો નામ ભી રખે થે. એક કા ચહેરા મેનકા ગાંધી જૈસા થા તો નામ રખા થા મેનકા દેવી. એક બહોત ચંચલ થી તો નામ રખાથા ચંચલાદેવી. આપ ભલે હી નામ કુછ ભી રખો. નામ પુકારને પર કભી રિસ્પૉસ નહીં દેગી.” વાત તો સાચી, ગમે તેવાં સારાં નામ રાખી પ્રેમથી બોલાવો, કૂતરાની જેમ કાન ચમકાવી, પૂંછડી પટપટાવી દોડી નહીં આવે. સામું ય જોવું હશે તો જોશે. છતાં આ અધિકારિણી મનસ્વિની વ્હાલકુડી લાગશે. ટી.એસ. એલિયટે બિલાડીનાં પાડેલાં નામો વિશે કવિતા લખી છે તે યાદ કરાવ્યું. ઉર્દૂની વાત નીકળી તો જાણવા મળ્યું કે એમના જમાનાના પંજાબીઓની જેમ જ ઉર્દૂ તેમની બીજી માતૃભાષા. ધર્મના કોઈ ભેદ ભાષાને નડતા નથી. તેમણે કહ્યું કે, “આજેય પંજાબમાં, ભારતમાં સહુથી વધુ ફેલાવો ધરાવતું ઉર્દૂ દૈનિક એક હિન્દુ માલિકીનું છે.” આટલી વાતમાં તો કાંઠો આવી ય ગયો. હોડી પરથી નીચે ઊતરવા કાદવમાં પગ ન પડે તે માટે ત્રણેક ફૂટ ઠેકડો મારવાનો હતો. લૉન્ચમાં પડેલી ખુરશી રાખવાની વાત કરી તો કહે, “નહીં, કૂદ જાઉંગા.” એંશી વરસેય ઠેકડો મારીને જ ઊતર્યા. ‘શરીરમ્ આદ્ય ખલુ ધર્મસાધનમ્’ બરાબર જાણે. આજે ય નિયમિત બેડમિન્ટન રમવાનું જ. તંદુરસ્તીનું રહસ્ય સમજાવતાં કહે, “શરીરને કામ કરતું રાખવાનું પણ ગજા બહાર કામ નહીં લેવાનું. કામ, આરામ, ઊંઘ, બધું પ્રમાણસર. રોજિંદા ક્રમમાં નિયમિતતા, ક્યાંય જવાનું થાય તો આ નિયમિત ક્રમ અને આરામ... યજમાનથી સચવાય તેમ હોય તો જ જવાનું.” સ્પષ્ટ વાત. મોઢાના મોળા થયે ન ચાલે. યજમાનને તો શું, તેમના પોતાના જ ઘરમાં આવતા મુલાકાતીઓએ પણ આ શેડ્યુલ સાચવવો પડે. નહીં તો તરત જ સ્પષ્ટ કહી દે. આમેય આખાબોલા તો છે જ-ઇંદિરાજીની ય સાડીબાર ન રાખે તે બીજા કોની રાખે? હા, પણ તેમણે સાડીબાર રાખવી પડે. નાનકડા બિલાડીના બચ્ચાની લાડકી. બચ્ચાના લાડને યાદ કરતાં મોં પર આનંદ પથરાઈ ગયો. કહે, “લખતો હોઉં ત્યારે હળવો ઠેકડો મારી ટેબલ પર ચડી જાય. ટેબલ પર બેઠું બેઠું સામે જુએ. ધ્યાન ન આપું તો કાગળ પર જ ઠેકડો મારે. હાથમાંથી પેન પાડી દે. પછી ઊંચું જુએ. તમારે લાડ કરવાં જ પડે.” આવી છે; લાડ કરતી અને કરાવતી મનસ્વિની માર્જારી. પાળા પર ચાલતાં ચાલતાં જ તેમણે સવારે તેમના વ્યાખ્યાનમાં આજના માણસની પ્રકૃતિ-વિમુખતાની વાત કરી હતી તે વાત આગળ વધારી. કહે, “આપણે ત્યાં ‘રેડ ઇઝ નૉટ રેડ’ – લાલ રંગ લાલ નથી, લાલ રંગ છે કમળ જેવો, ઊઘડેલા જાસૂદ જેવો, ક્રોધાયમાન આંખ જેવો, પક્વ બિંબફળ જેવો, ચણોઠી જેવો, તપેલા તાંબા જેવો!” – આમાંથી જ પર્યાયોની વાત નીકળી. મેં કહ્યું, “આપણા જીવનમાં રોજબરોજ જે શબ્દ નથી સંકળાયેલો તેના પર્યાયો ઓછા છે.' – જેમ કે બરફ. આપણે તો બરફ અને હિમ તે બે પર્યાયો જ જાણીએ, જ્યારે જેમને બારે માસ બરફ સાથે પનારો છે તેવા સ્કૉન્ડિનેકેવિયન દેશોની ભાષામાં બરફના અનેક પર્યાયો છે તેમ સાંભળ્યું છે. આ વાતને પુષ્ટિ આપતાં કહે, “આપણે ત્યાં જાહેરમાં મદ્યપાન એ નવી વાત છે. યુરોપમાં સદીઓથી છે.” અંગ્રેજીમાં ‘સ્ટેટ ઑફ ટૅકનનેસ' – પીધેલી સ્થિતિના કેટકેટલા પર્યાયો છે. બેચાર તો યાદ પણ કર્યા ‘ટાઇટ’, ‘બ્લાટો'. વાતો કરતાં કરતાં ખબર પડી કે તેમનો રૂમ નજીક આવી ગયો છે. સિરિયસ ઇન્ટરવ્યૂ કે ચર્ચાને બદલે આમવાતમાંથી નીકળતી વાતથી ખૂલતા જતા હતા. વધારે વાત કરવાની ઇચ્છા હતી. પછી યાદ આવ્યું કે આરામ કરવા માટે તો કાંઠે વહેલા આવ્યા છે. હું રૂમ પર સાથે જવાનું કરું તો મને કહી પણ દે, “નો સર.' રૂમ સુધી વળાવી હું ફરી ચિલિકાકાંઠે ગયો. રાતના અંધારામાં કવિગણનો તેજતરાપો કાંઠે સરકતો જતો હતો.