છિન્નપત્ર/૧૬


૧૬

સુરેશ જોષી

આપણા બધાંનું સંચિત થયેલું એક મરણ આજે ક્ષિતિજ પર બાષ્પની જેમ તોળાઈ રહ્યું છે. કદાચ આપણાં બધાંની વતી હું એકલો જ એને જોઈ રહ્યો છું. તુંય કદાચ એને જોતી હશે – આંખમાં કાજળની જેમ આંજી લેતી હશે. મને તારી આંખને ચૂમવાની ટેવ છે. તો તો હું મરણને પણ તારી આંખમાંથી ચૂમી લઈશ. દરેક ચુમ્બનમાં મરણ હોય છે જ. ચુમ્બન પછી પણ જો હોઠ એના એ રહે, મુખ એનું એ રહે તો એ ચુમ્બન નહીં, પણ ચુમ્બન કરવાનો પ્રેમનો એક વિધિ માત્ર જ બની રહે ને!

પણ આજે અહીં નજીકમાં જ, કદાચ પેલા ફોટા પાછળ અથવા તો હમણાં જ વાંચતાં વાંચતાં મૂકી દીધેલી ચોપડીનાં પાનાં વચ્ચે, કે આ ઓરડી વચ્ચેના પડદા પાછળ મરણ હાંફતું બેઠું છે. હું એને વિરાટકાય કલ્પી શકતો નથી. બહુ બહુ તો હશે કીડી જેવું. એનો પડછાયો પડતો નથી. ને પડછાયો પાડવાનું એને પરવડે પણ નહીં, કારણ કે પડછાયાને ચાડી ખાવાની ટેવ હોય છે. તુંય કેટલીય વાર તારા પડછાયાને કારણે પકડાઈ ગઈ છે, ખરું ને?

કદાચ મરણ એ સંતાઈ જવાની એક રીત જ છે, ને એમ તો પોતાનામાં જ રહી રહીને સંતાઈ જનાર થોડું થોડું મરણ નથી ઉછેરતા? આથી મિલન તે કેવળ જીવન ને જીવનનું નહીં, મરણ ને મરણનું પણ ખરું. કેટલીક વાર પ્રેમમાં બે મરણ જ ભેગાં થતાં હોય છે…

લીલાનો પત્ર છે. અહીં ઉતારું છું: ‘ઘણે દિવસે કાલે અમે બધાં ભેગાં થઈ ગયાં. બધાં હતાં એટલે તું પણ હશે જ, અથવા નહીં હશે તો થોડી વારમાં આવવો જ જોઈએ એમ હું માનતી હતી. માલા તો પાછળથી આવી, મેં ‘ફોન કર્યો ત્યારે. કોણ જાણે કેમ, હું માલાને ને તને જુદા પાડી શકતી નથી. પણ માલા આવી ત્યારે એની સાથે કોઈ અજાણ્યો જુવાન હતો. સાચું કહું? મને તો એનું નામ પણ યાદ રહ્યું નથી. એ દેખાવડો તો હતો જ, પણ ક્યાંક કશુંક વિલક્ષણ હતું. શું તે શોધવાની મેં કાંઈ જહેમત લીધી નહીં. તું જાણે છે ને, માલા તો ઝાઝું બોલતી નથી, પણ કાલે તો એ જ બોલતી રહી; અમારે તો કશું બોલવાનું રહ્યું નહીં. પણ શબ્દોને આટલા ઠાલા બનાવી શકાતા હશે? અમારી આજુબાજુથી એના શબ્દો પરપોટાની જેમ ઊંચે જતા હતા. હા, એમાં સાતેય રંગો દેખાતા હતા ખરા પણ સહેજ વધારે હવા લાગતા જ એ ભાંગી પડતા હતા. કદાચ માલા પોતે પણ કણકણ થઈને વિખેરાતી જાય છે, પણ એને હંમેશાં કોઈ સાક્ષી જોઈએ છે. એ સાક્ષીનો પાઠ ભજવનારા સ્ત્રીના જીવનમાં તો ઘણા મળી રહે. તો તું એમ કર: તારા સ્વભાવ મુજબ સાક્ષી અને પ્રેમીની અવસ્થાનો ભેદ કરી બતાવ. ચીઢાઈશ નહીં. હું ગમ્મત કરું છું. પણ આ બધો ખેલ પૂરો થયા પછી માલાએ મને પાસે બોલાવીને પૂછ્યું: ‘તેં અજયને જોયો? હમણાં સુધી તો એ અહીં હતો…’