છિન્નપત્ર/૨


સુરેશ જોષી

અમલને તો તું ભૂલી નથી ગઈ ને? એ આજે આવ્યો હતો. બહાર ચાંદની હતી ને કાતિલ ઠંડી હતી – શબ ઘરમાં હોય છે એવી. અમલની આજુબાજુ એ ઠંડીનું આવરણ હતું. આથી એ ઝાંખો ઝાંખો લાગતો હતો. કદાચ એ કંઈક બોલ્યો હશે. પણ એના શબ્દો બરફની સળીઓ બનીને વિખેરાઈ ગયા હશે. જો એ વધુ બોલ્યે જ ગયો હોત તો એના જ શબ્દોના બરફમાંથી ગોળ પિણ્ડ બનાવીને મેં એને માર્યો હોત પણ એ એની આજુબાજુના આવરણને અથડાઈને મને જ વાગ્યો હોત તે હું જાણું છું. આવી રમત તો આપણે બહુ રમ્યા છીએ. તું કદિક એક પણ અક્ષર ન બોલવાનો પાકો નિશ્ચય કરીને આવતી. ચારે બાજુથી અથડાઈ અથડાઈને તારા મૌનના પડઘા મને વાગતા. એના ઉઝરડા હજી ગયા નથી. કોઈ મને પૂછે કે તારે અને માલાને શેનો સમ્બન્ધ – તો હું કહું કે મૌનનો સમ્બન્ધ. પણ સારું થયું કે છેવટ સુધી તું મારા પર દયા લાવીને કશું બોલી નહિ. પણ અમલ મને તારે વિશે પૂછવાને આવ્યો છે. આ તે કેવી વિચિત્રતા અથવા કહું કે ક્રૂરતા! તું સદા મારાથી જ લપાતી રહે તે છતાં તને શોધનારા બધા તને મારામાં જ શોધતા આવે, બસ એટલા પૂરતો જ મને ઓળખે. હું કેવળ તારે લપાઈ જવા જેટલો અન્ધકાર! અમલ સામે બેઠો છે, એની દૃષ્ટિ મારા હોઠ પર તારા શબ્દોને શોધે છે, મારી આંખોમાં તારી આંખના રહસ્યને તાગવા મથે છે. કદાચ હું બહુ જ દૂર ચાલ્યો જાઉં તોય મારા અન્ધકારના ઊંડાણમાંથી તને દૂર કરી શકવાનો નથી. પણ એ જ રીતે રહેવાનું તેં શા માટે પસંદ કર્યું એવું આ અમલ, રમેશ, અરુણ ને બધા મને પૂછે છે તેનો હું શો જવાબ આપું? આથી અમલ તારી જ વાત કરવા આવ્યો છે, મારી ચોપડીઓ ઉથામીને એમાં તારા કોઈ રહી ગયેલા ચિહ્નને એ શોધે છે છતાં એ મને કશું પૂછતો નથી. મારી આગળ તારું નામ ઉચ્ચારતાં કદાચ તારું નામ હું લઈ લઉં એવી એને દહેશત છે. હું અજાણ્યાં સ્થળોમાં ભટકું છું. નવા ઘા કરીને લોહીમાંનું ઝેર વહાવી દઉં છું. તું કહેતી હતી તેમ ઝેર પણ મારામાં મીઠું બની જાય છે, પણ એ ઝેર મટી જતું નથી. આથી જ તો તું ઝેરથી નહીં તેટલી મીઠાશથી બચવા દૂર નહોતી ભાગતી? પણ આપણે બંનેએ એકબીજાથી દૂર ભાગવાના કરેલા પ્રયત્નોથી જ ગુંથાયેલી જાળમાં આપણે નથી ફસાઈ ગયા શું?