છિન્નપત્ર/3૦


3૦

સુરેશ જોષી

લીલા મૅગ્નોલિયા લઈને આવી છે. ફૂલદાનીમાં ગોઠવે છે. સાથે એના સહજ આનન્દના ગુચ્છને પણ ગોઠવે છે. પછી ‘ગમ્યું ને તને?’ એવું પૂછતી દૃષ્ટિથી મારી સામે જુએ છે. મારા મુખ પર સમ્મતિસૂચક સ્મિત જોતાં પાસે આવીને મારા હોઠ પર એના હોઠનો આછો આર્દ્ર સ્પર્શ મૂકી દે છે. આનન્દથી એની આંખો નાચી ઊઠે છે. પછી સામેના સોફા ઉપર બેસીને, જાણે મારી સામે કશુંક કાવતરું ઘડતી હોય તેમ, લુચ્ચાઈભરી આંખે કંઈક વિચારે છે. હાથની ચપટી વગાડતીકને તરત ઊભી થઈ જાય છે ને મારાં પુસ્તકોની તપાસ લે છે. પછી પૂછે છે: ‘હમણાં કેટલાક દિવસથી તું શું વાંચે છે તે તું કહેતો નથી. એટલું બધું ખાનગી –’ હું કહું છું: ‘હા, હમણાં થોડું છાનું છાનું વાંચું છું.’ એ પૂછે છે: ‘શું?’ હું હસી પડીને કહું છું: ‘એ જ કહી દઉં તો પછી એ ગુપ્ત રાખ્યું શી રીતે કહેવાય?’ કોઈ નાદાન બાળકને શિક્ષા કરતી હોય તેમ મારી પાસે આવીને મારા કાન આમળીને કહે છે: ‘એવું કશું મારી આગળ ચાલવાનું નથી. બોલ, જોઉં, કાલે ક્યાં સુધી વાંચ્યું હતું?’ એની પકડમાંથી મારા લાલચોળ થઈ ગયેલા કાનને છોડાવીને કહું છું: ‘વારુ, કહું છું. સાંભળ, બહુ કરુણ વાર્તા છે. નિષ્ફળ પ્રણયની નહીં, એકલતાની નહીં પણ ખૂબ ખૂબ ઠાલા સુખની, કલ્પી લે ને – ખૂબ ખૂબ ઐશ્વર્યમાં રહેનારાં બે જણ, પ્રથમ દૃષ્ટિએ જ પ્રેમ, ન કશો અન્તરાય, ન કશી વ્યથા, બધી રાતો મધુરજની, બધા પ્રવાસ આનન્દપર્યટનો – પછી ધીમે ધીમે પ્રવેશવા માંડી વિરતિ. હાસ્યની છોળ વચ્ચે સાવ કોરું હૃદય, એક પણ આંસુની આર્દ્રતા વગરની સૂકી આંખ, આલિંગન વચ્ચે ઘૂઘવતું શૂન્ય, સુખ વચ્ચે દુ:ખની, પીડાની, કશાની શોધ, વગેરે વગેરે.’ લીલા હસી પડી. એણે પૂછ્યું: ‘એમાં તે શું ગુપ્ત રાખવા જેવું હતું?’ મેં એને ચિઢવવા કહ્યું: ‘તારું હૃદય આવું બધું સહન નહીં કરી શકે એટલા પૂરતું ગુપ્ત –’ એટલે તે બોલી: ‘તું મને શું સમજી બેઠો છે?’ મેં એને વધુ ચિઢવવા કહ્યું: ‘મીઠું મીઠું હસતી ઢીંગલી, જેના મુખ પરથી હાસ્ય સુકાય જ નહીં –’ એ બોલી: ‘હં હવે સમજી, તને એની જ અદેખાઈ આવે છે, ખરું ને? પણ હું ઉદાર છું. તું મારો શિષ્ય બને તો તને શીખવું.’ હું એના ચરણ આગળ બેસી પડ્યો ને હાથ જોડીને કહ્યું: ‘શિષ્યસ્તેઅહમ્’ એણે કહ્યું: ‘એ કાંઈ સહેલું નથી. નવો સૂરજ જોઈશે, નવો ચાંદો જોઈશે. શબ્દો હળવા પતંગિયા જેવા, સમય કપૂરની જેમ ઊડી જતો; મરણને રંગલાનો પાઠ આપવો પડશે; થોડી બાઘાઈ, થોડી મૂર્ખાઈનો પણ ખપ પડશે…’