છિન્નપત્ર/૩૧
સુરેશ જોષી
રાહ જોઈને થાકી ગયો છું. માલા જાણે છે કે મારી ધીરજ અખૂટ છે. સમયની તીક્ષ્ણ ધાર મને કેવી તો છેદી જાય છે એ શું એ નહિ જાણતી હોય? મધ્યાહ્નનો આ તપ્ત અવકાશ દવ લાગેલા વનમાંના વાઘની જેમ મારી શિરાઓમાં ત્રાડ નાખે છે. સૂના રસ્તાઓ ગૂંછળું વળીને જાણે મારે ગળે ફાંસો નાખે છે. મારા હૃદયમાંનું શૂન્ય ધીમે ધીમે ભારે ને ભારે થતું જાય છે. હું એના ભારથી કશાક અતલને તળિયે ડૂબતો જાઉં છું. આવો કેટલો બધો સમય મેં છિન્નભિન્ન કરીને ફગાવી દીધો છે! ના, મને રોષ નથી. માલા આવશે ત્યારે દોડધામથી એ હાંફી ગઈ હશે, એને પરસેવો વળ્યો હશે. હું એને વાંસે હાથ ફેરવીશ, હસીને આવકારીશ. પણ આવી દરેક ક્ષણ સાથે મારા જ અંશનો વિલય થાય છે તેનો માલાને શું કશો ખપ નથી? હું આવા વિચારની ભીંસમાં ગૂંગળાતો હતો ત્યાં જ માલા આવી પહોંચી. હાથમાંના રૂમાલથી એ કપાળ પરનો પરસેવો લૂછે છે, થાકથી ખુરશીમાં ફસડાઈ પડે છે. હું કશું બોલતો નથી; હસીને આવકારી શકતો નથી. થોડી વાર શૂન્યમનસ્ક બનીને બારી બહાર જોયા કરું છું: એ પાસે આવીને મારા વાંસામાં ધબ્બો મારીને કહે છે: ‘અત્યારે તું ખૂબ જ સુન્દર લાગે છે!’ હું નિર્મર્મભાવે કહું છું: ‘પુરુષો કદી સુદંર નથી ગણાતા, સિવાય કે –’ મને એ બોલવા દેતી નથી. એના હાથથી મારા હોઠ ઢાંકી દે છે. હું એની આંગળીમાં દાંત બેસાડી દઉં છું. એ છણકો કરીને કહે છે: ‘બધું જ તારા શાસ્ત્રના નિયમ મુજબ થાય?’ હું કહું છું: ‘ના, તારું ને મારું શાસ્ત્ર જુદું ક્યારથી થયું તેની મને ખબર પડી નહીં.’ એણે મારી સામે આંખો નચાવતાં પૂછ્યું:’તને શેની ખબર છે? હું આખી ને આખી તારા હૃદયમાં સમાઈ ગઈ છું તેની તને ખબર છે?’ હું વિચારમાં પડી જાઉં છું. માલા ‘હા’, ‘ના’ પણ બોલતી નથી, માથું હલાવે છે કે ડચકારા બોલાવે છે. એ આજે આટલું બધું ક્યાંથી બોલવા લાગી? મારું હૃદય કશાક ભયથી ફફડી ઊઠે છે, ને ફફડાટ સાથે ભળી જાય છે અજિતના સ્કૂટરનો ધમધમાટ. એ આવીને પૂછે છે: ‘માલાબેન છે?’ એટલે માલા સફાળી ઊભી થઈ જાય છે. અજિતને કહે છે: ‘એક મિનિટ, હમણાં આવું છું.’ અજિત જાય છે એટલે મારા ગાલમાં ટપલી મારીને કહે છે: ‘એમાં અવાક્ બની જવાનું કશું કારણ નથી. એ મને પૂછ્યા વગર મેટિની શોની ટિકિટ લઈ આવ્યો છે –’ પછી શું બોલવું તે એને સૂઝતું નથી. અજિત સ્કૂટર સ્ટાર્ટ કરે છે. માલા ઝૂકીને કાન પાસે મોઢું લાવીને ટહુકો કરે છે: ‘સોરી…’