જનપદ/તરવા ચાલ્યાં ચાંદો

તરવા ચાલ્યાં ચાંદો

તે રાત્રે
ચન્દ્ર ચાલ્યો ગયો
જળ અને લીલોતરીમાં
સૂરજ દેખાયો ખરો
પણ ઊંડા ધરામાં તળિયે તગતગ ઝીણી ખાપ જેવો.
તે રાત્રે ચન્દ્ર
તર્યો જળમાં
ડરાંડરાં આંખ જેવાં હતાં જળાશયો.
તે રાત્રે
ધરતીએ પડખું બદલ્યું નહીં.
વનસ્પતિની નસોમાં
ભમ્યો ચાંદા પારો.
કૂકડાનો અવાજ સાપજીભની જેમ
ઉગમણા અંધાર ગાભમાં ફરી વળ્યો.
તાંબડીમાં
ચળક્યા કરી જળચાંદાની રાબ.
થથરી આભછારી
તારાઓમાં નાચગાન ને
અમે તરાપે બેસી તરવા ચાલ્યાં ચાંદો

આકાશી કમાનથી છૂટે તીર

જળ વીંધાય નહીં.