જનપદ/દૈ જાણે

દૈ જાણે

પછીનું
કે વચગાળાનું તો કોણ જાણે.
હમણાંની વાટ છે છેટાની, લાંબા પથારાની
પણ પહેલાંથી અંદર હતું એનું શું ?
જોનારાએ જોયું છે.
બધો ઘમરોળ મચ્યો ત્યારે
હાથોહાથ કામમાં મંડી પડ્યું.
મારા–તમારા વેશમાં હોય પછી
કણકવા* ય કેમ કરીને પડે ?
મેળાપ પહેલાં
એનું રૂંછકુંય નહોતું એટલી તો પેં* કરીએ.
એવી પેં નો પાર કાંઈ આધાર ?
ઠેઠની પાર હોય
ન યે હોય.
જળ જળમાં ગુલતાન હશે
જળ જળમાં ગુલતાન હશે
ભોંય ભાવિમાં સંભાળતી હશે
તેજ મીંચકારતી હશે અંધારમીંદડી
વાયરાના લટિયે ગાંઠ વળેલી હશે
એમાં અભાન હશે
આકાશનો ઈન્દ્રિય વગરનો ભૃણ
બધું એના ઠામમાં ઢાક્યું
એ વેળાએ આવતું
જોનારાએ જોયું છે.
કાળા પાણીના ઉંબરે એનો પગ અટકી ગયેલો
એનો ગજ વાગ્યો નહોતો
અંધારિયા મધપૂડા વખતે
સજીને એ ઢૂંકી રહેલું ઢોળાવ પર
અણુથીય અણુ છિદ્રથી પેઠું
પછી ફેલાતા બીજની ગોળ કિનારીઓ નંદવાવા લાગી હશે.
મોટા પવનના સંઘાતમાં
ઊછરેલી વનકઠીને ઊઘલાવી
બરાબરનો રંગ રચ્યો
આંખના એક ઊલાળામાં
સો યે કાટલાં કૂવામાં
હમણાનું
વચગાળાનું
પછીનું,
પહેલાંનું તો દૈ જાણે મારો.

  • કણકવા : વહેમ,
  • પેં : બાંયધરી