જનપદ/શૂળ

શૂળ

જળમાં આંખની હોડકી તરતી મૂકી
પાળ સહેજે કેડવંકી થઈ
આંખજળ વહી પહોંચ્યાં મેદાનમાં
રાવટીઓ નાખી.
ટોચ તળ પાતાળમાં
વેરાઈ જવાનું વહેંચી લીધું.
છાલનો ગંધચરુ
અંધારામાં ઊડ્યો.
થડ ખાલીખમ.
કૂખ તો ઊકળતી દેગ.

સંકોરો અગનિ.

પવનથી ઠાઠાનો પોટો ભર્યો
વાયરો પીને રાડ કરી
કાય ખાંડીને કીધી રાબ.

રાબ ફૂંકારો પેટમાં
પેટ દેશે રાતું જળ
રાતા જળથી ભરિયાં ભાંડ
ભાંડ ઉતાર્યા ટેકરે
ટેકરે દીધું શૂળ
શૂળ મેં તને
તેં મને શૂળ.