જનાન્તિકે/છ


સુરેશ જોષી

ગ્રીષ્મના મોગરા અને શિરીષની અત્યુક્તિ હવામાં સંભળાયા કરે છે. પછી ચૈત્ર તરફથી વૈશાખ તરફ ઢળતાં આ અત્યુક્તિનો ઘેરો રંગ ગુલમોરમાં ઘૂંટાઈને લાલચટ્ટક બનશે. વર્ષામાં થનારા પૃથ્વી અને આકાશના ગાઢ પરિરમ્ભણની કુંકુમપત્રિકા ગુલમોરની લિપિમાં લખાઈ જશે. શીમળાના ફૂલની રતાશ પણ એવી પ્રગલ્ભ છે. પણ શીમળો રેશમ જેવા રૂની સાથે પોતાનાં સ્વપ્નોને જાણે ઉડાવે છે. મહુડાની મદિર સુગન્ધ પણ ગ્રીષ્મના પાત્રમાં ઘૂંટાય છે. ગ્રીષ્મ આવે છે ને મન ઝાલ્યું રહેતું નથી. શૈશવ અને કૈશોર્યનું સંગી પેલું ગુજરાતની પૂર્વ સરહદના તાપી કાંઠાનું, અરણ્ય યાદ આવે છે ને મન ઝૂરે છે, તરુણ વાંસની હરિતપીત ક્રાન્તિ યાદ આવે છે, તાપીના જળનો કલનાદ યાદ આવે છે. વૈશાખ અને જેઠમાં ફૂંકાતા વાયરાના તાલ સાથે તાલ મેળવી ઝૂકતી લ્હેકતી અરણ્યની વનરાજિ દૃષ્ટિગોચર થાય છે. ત્યાં જાણે જીવનના એક અંશનું કાળરૂપી રાવણ હરણ કરી ગયો છે. એને ફરીથી પ્રાપ્ત કરવાને માટેનો સેતુબંધ બાંધવાનો પુરુષાર્ષ હજી ય કરવો બાકી રહ્યો છે. અરણીની શાખાઓ ઘસાવાથી ડુંગરેડુંગરે દીપમાળા પ્રકટશે. વાઘની બુલંદ ત્રાડ સંભળાશે ને ધૂળની ડમરી વચ્ચે ચકરડી ઘૂમતી ડાકણ દેખાશે અદ્ભુત અને ભયાનકોનો એ સીમાપ્રાન્ત, એના દુર્ગમ ઘાટ અને ડુંગરબારીઓ, (યાદ આવે છે : એકનું નામ વાઘબારી, એટલી સાંકળી નેળ કે એમાંથી વાઘ જ કૂદીને જઈ શકે) એકે એક વાંસ, નહિ જવા દઉં, કહીને આડો હાથ ધરીને ઊભો હોય! એ પ્રદેશમાંથી થયેલી હદપારીનો વ્રણ આ ગ્રીષ્મ ઊખેળી મૂકે છે! મન ઝૂરે છે, ઘણું ઘણું યાદ આવે છે : પેલી વિમલા, આંખો પટપટાવતી આંબાની ડાળે ઝૂલતી હોય; વાતવાતમાં ‘ધાર કે જાણે હું દમયન્તી હોઉં,’ ને જંગલમાં ભૂલી પડી હોઉં, ધાર કે જાણે હું આ હોઉં, તે હોઉં, એમ કહીને બોલવાની ટેવ. બસ ઊડું ઊડું કરતી ચરકલડી! ઘણે વર્ષે એને જોઈ ત્યારે પેલી ‘ધાર કે જાણે’ની તરલ કાન્તિ એની આંખોમાં શોધવાની હામ નહોતી રહી. અમારી વચ્ચે અનેક દિવસોનું જંગલ ઊભું હતું.