જાળિયું/અપૈયો (નવનીત-સમર્પણ : ફેબ્રુ. 1994)

From Ekatra Wiki
Revision as of 02:14, 15 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અપૈયો

‘લઈ લે દીકરા! આ તો પરસાદ કે’વાય…પરસાદનો અનાદર કરીએ તો ડાડા નારાજ થાય. આપડાં કોઈ કામ નોં કરે…’ કાકીબા બોલ્યે જતાં હતાં. હું ના…ના…કહ્યા કરું પણ એમણે તો ટોપરાવાળો હાથ લાંબો જ કરી રાખ્યો. મારા મોંમાં પાણી આવે પણ હાથ ખિસ્સામાંથી બહાર ન નીકળે! જીભથી ના કહેવાની હિંમત ન રહી ત્યારે નકારમાં ડોકું હલાવ્યા કર્યું. થયું કે આથી વધુ ના નહીં કહી શકું એટલે બંને હાથ ચડ્ડીના ખિસ્સામાં એમના એમ જ ને હું દોડી ગયો શેરીમાં. કાકીબાનો ચહેરો ક્યાંય સુધી ખસ્યો નહીં. વાત્સલ્યથી ભરી ભરી એમની આંખોને કદાચ હું જીરવી શક્યો નહોતો. પ્રસાદ ન લીધો એટલે અંદરથી થરથરતો હતો. સુરધનદાદા નારાજ થાય તો? ખેદાન-મેદાન કાઢી નાખે. આપણું કોઈ કામ ન થાય. મારું આ વર્ષ ચોક્કસ બગડશે... દાદા મને પાસ થવા નહીં દે...મેં પ્રસાદ નથી લીધો બીકમાં ને બીકમાં. કાકીબાનો લંબાયેલો હાથ યાદ આવ્યો. મારી નજર તો ટોપરા પર જ હતી. જો એ એમના ઘરનું ટોપરું ન હોત તો ક્યારનુંય લઈ લીધું હોત. એટલું બધું મીઠું લાગે કે અંદર ઉતારવાનું મન જ ન થાય. ક્યાંય સુધી ચાવ્યા કરીએ એટલે આખું મોઢું દૂધ દૂધ! વળી પાછી બીક લાગી. સુરધનદાદા મને બહેરો-બોબડો તો નહીં કરી દે? પણ શું દાદા તે કંઈ એમના એકલાના થોડા છે? મારું ચાલ્યું હોત તો પાછો જઈને…પણ આ અપૈયો...! દોડ્યો ત્યારના હાથ હજુ એમ જ હતા. ખિસ્સામાંથી બહાર કાઢ્યા તો હથેળીઓ ભીની થઈ ગઈ હતી. મને નડાકાકાનો ચહેરો યાદ આવ્યો. આમ તો એમનું નામ નરહરિશંકર ડાહ્યાભાઈ, પણ ટૂંકમાં નડાભાઈ થઈ ગયેલું. નડાકાકાના છોકરા અને અમે ભાઈઓ એક હેડીના. દિવસ આખો રમ્યા કરીએ, રખડ્યા કરીએ. થાક્યા એટલે પાણી પીવા, એ એમને ઘેર ને અમે અમારે ઘેર! એકબીજાનાં ઘરનું પાણી ન પીવાય. સાત પેઢીથી અપૈયો છે. અમારાં મા તો એમનો પડછાયોય ન લેવા દે. મને થાય કે એક જ કુંભારે ઘડેલાં માટલાં ને એક જ વાવનું પાણી બેય ઘરમાં આવે છે, પણ આ જુદારો તો અમારાં ઘરમાંથી જ ઉમેરાતો હશે ને? મા અને નડાકાકાની તો આંખો વઢાય! મારી બાને ને અમને ખાસ એવું નહીં. પણ મા આગળ એમને વિશે કશી વાત ન કરાય, કરવી હોય તોય એમ કહેવાય કે એ લોકો સાવ નકામાં, હલકાં ને ગામનો ઉતાર છે! મા રાજી રાજી થઈ જાય. એક વાર મેં માને પૂછેલું, ‘મા, અપૈયો એટલે શું? એ ક્યાં રહે?’ છીદરીનો છેડો મોઢા આડે દઈને એ હસી પડેલાં. કહે, ‘અપૈયો કંઈ માણહ થોડું સે તે ઈને ઘર હોય?’ અપૈયો અટ્લે હામલ્યા હામે વેર. આપડે નડાના ઘર હાર્યે નથી? ઈને અપૈયો કે’વાય. અપૈયાવાળા હાર્યે બઉં ભેળિયારો ન રાખીયેં. ખૂટલનાં કંઈક કામણ-ટૂમણ કરી દે તો આપડને વેડે. મૂઆં ઉશેદિયાં અટ્લે હઉં! નખ્ખોદ જાય ઈનું...!’ નડાકાકાનો દીકરો વિનોદ અને હું એક જ વર્ગમાં. હું વિનોદને જોઉં ને અપૈયાવાળી વાત ભુલાઈ જાય. અમારી ભાઈબંધી પાકી. જ્યારે જ્યારે મા મને ટકોર કરે કે એની સાથે બહુ બોલવું નહીં ત્યારે મારા મનમાં ચીરો પડે, મોઢું વિલાઈ જાય. પછી સાવ સાચું બોલતો હોઉં એમ કહું, ‘હું તો એની સાથે બોલતો જ નથી ને!’ માના જીવને ટાઢક થાય. એમનો રાજીપો મને અકળાવે, મને થાય કે વિનોદ કેટલો સારો છે ને મને તો સાચવે છેય ખૂબ. તે દિ’ પેલો નવલો મને મારવા આવ્યો ત્યારે વિનોદે એને કેવો ટીપી નાંખેલો! શેરીમાં અમે એકબીજાને ઓળખતાય ન હોઈએ એવા રહીએ, પણ નિશાળમાં એક ગાંઠ. એક વાર વિનોદની પેન્સિલની અણી તૂટી ગઈ. એની પાસે સંચો નહોતો. મારી પાસે પતરી હતી. મને એમ કે એને અણી કાઢતાં નહીં ફાવે એટલે કહ્યું, ‘લાવ હું કાઢી આપું!’ મેં એના હાથમાંથી પેન્સિલ આંચકી લીધી. હજી પહેલો છરકો લગાવું ત્યાં તો આંગળીમાંથી લોહી જાય ભાગ્યું. કંઈ ખબર જ ન પડી ને પતરી ઊતરી ગઈ આંગળીમાં! વિનોદના મોંમાંથી સીસકારો નીકળી ગયો. હું કંઈ પણ કરું તે પહેલાં એણે મારી આંગળી મોઢામાં લઈ લીધી. મેં આંગળી લઈ લેવા પ્રયત્ન કર્યો તો એણે એમ જ આંખો ઢાળીને મને ધરપત રાખવા કહ્યું ને હાથથી ઇશારો કર્યો કે શાંતિ રાખ, હમણાં મટી જશે! ક્યાંય લગી એણે આંગળી મોંમાં રાખી મૂકી, પછી કહે, ‘થોડી વાર દબાવીને બેઠો રહે…’ દફતર મૂકીને હું શેરીમાં આવ્યો. મેં જોયું કે નડાકાકા વિનોદને મારતા હતા. થપાટ ઉપર થપાટ પડતી હતી. ‘બોલ હવે નંઈ કરું...ઈ અભાગિયા ભેગો નંઈ રમું…નંઈ બોલું…બોલ! બોલ!’ વળી એક-બે થપાટ. આપડે ઈમનું પાણીય નોં પિવાય ને તેં ઈનું લોઈ ચૂસ્યું?’ વિનોદ એક શબ્દ પણ બોલતો નહોતો. નડાકાકાના હાથ થાક્યા એટલે પાટુ મારવા લાગ્યા. મને થયું એની આડે ઊભો રહીને બચાવી લઉં, પણ ત્યાં જવાય શી રીતે? ઘણી વાર પછી વિનોદ બહાર આવ્યો. અમે બેય શેરીની બહાર. એનાં ગાલ અને આંખો લાલઘૂમ થઈ ગયેલાં. મેં પૂછ્યું, ‘નડાકાકાને કેવી રીતે ખબર પડી?’ એક ક્ષણ એ કંઈ બોલ્યો નહીં. પછી કહે, ‘નવલો કહી આવ્યો’તો!’ એણે નવલાને એક ભૂંડાબોલી ચોપડાવી. મારા હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. દાંત ભીંસીને બાજુમાં પડેલા ગાડાની ધૂંસરી ઉપર મુક્કો માર્યો. બંધ થઈ ગયેલું લોહી ફરીથી ચાલુ થઈ ગયું. આ વખતે વિનોદને ખબર પડે એ પહેલાં મેં આંગળી મોંમાં મૂકી દીધી. એ રાત્રે મારી ઊંઘ ઊડી ગઈ. અપૈયાએ મને ઘેરી લીધો હતો. મા મારા બરડામાં હાથ ફેરવતાં હતાં. મેં માને વાર્તા કહેવાનું કહ્યું તો કહે, ‘રોજ-રોજ શીની વારતા કે’વી? તું તો ધરાતો જ નથી!’ મેં જીદ પકડી તો કહે, ‘રામાયણમાંથી કઉં?’ ‘ના મા. અપૈયાની કહો…’ એ ગુસ્સે થયાં. ‘મેર મૂઆ! અપૈયાની તે કંઈ વારતા હતી હશે?’ ‘દિ’આખો શું અપૈયો...અપૈયો લઈ મંડ્યો સો!’ ‘વારતા નહીં તો અપૈયાની વાત તો કરો…આપણે નડાકાકા સાથે વેર શી રીતે થયું? કહો ને કહો!’ મા કહે, ‘બટા! મનેય હંધી ખબર્ય તો નથ્ય, મોયલા વખતની વાતું. તારા બાપાના બાપા ને તીનાય બાપા ઈમ હાત પેઢીએ ઈમના વડવા દગો રમેલા. ઈમાં આપડા મા’શંકરભા હુરધન થ્યા. ઈ વારીનું હાલ્યું આવે સે...તારની ઘડી ને આજનો દિ’ ઈમની હાર્યે અપૈયો. બોલવાનોય વે’વાર નંઈ...હવે તમ્યેં બધાં સાગઠાં પાક્યાં તે વાતું કરો સો…તારી માનેય નથ્ય પોગાતું, ઈય તે વાવ્યે પાણી જાય સેં તંઈ હાહા… હીહી…કરે સે...ને હાંભળ, ઈ નડાના પૂંસડિયા હાર્યે તો બોલવું જ નંઈ...ઈ ચૌદશિયો તને ચ્યાંક વરામનું વગાડી દે…આપડે તો શેટા જ રે’વું.’ મા તો થોડી વારમાં નસકોરાં બોલાવવા લાગ્યાં. મારી નજર સામે અપૈયો તરી આવ્યો. ઘણી વાર ચિત્ર-વિચિત્ર આકારો મને ઊંઘમાં દેખાયા કરતા. એમાં એક આકાર તો એવો કે હું જોઈને ધ્રૂજી જાઉં. હવામાં અધ્ધર લટકતું માત્ર માથું…ચહેરો એક બાજુ ખેંચાઈ ગયેલો ને બળેલી ચામડી… ઉપર-નીચેનો એક પણ હોઠ નહીં એટલે સીધા જ પીળા દાંત દેખાય. પોપચાં વિનાની આંખો જાણે હમણાં ખાઈ જશે. બહુ બીક લાગે, હાથ-પગ ઠંડા પડી જાય. પછી ક્યાંય સુધી હું અપૈયા સાથે નડાકાકાના ચહેરાને સરખાવ્યા કરું. થાકું એટલે ખપરડાના વાંસ ગણ્યા કરું. કેમેય રાત પૂરી થાય નહીં. આખી રાત લગભગ બીકમાં જ પસાર થાય. મેં વિચાર્યું કે હું મોટો થઈને અપૈયાનો કંઈક ઇલાજ કરીશ. વિનોદ ને હું તો પાકા ભાઈબંધ છીએ એટલે હું કહીશ એટલાં વાનાં એ કરશે. તો પછી કંઈ વાંધો નહીં! બસ આ નડાકાકા અને મા જાય પછી કોણ પૂછનાર છે? પણ આવો વિચાર આવતાં જ કંપારી આવી ગઈ. નડાકાકાનું તો ઠીક, પણ જે મા મને જીવથીય અદકો જાળવે છે એમના મોતની હું રાહ જોઉં! મા ગુજરી જાય એવી કલ્પના પણ મારી આંખો ભીની કરી ગઈ. સાથોસાથ એય સાચું કે હું અપૈયાને સહન કરી શકતો નહોતો. મને ઘણી વાર વિનોદના ઘરનો ખૂણેખૂણો ફરી વળવાની ઇચ્છા થઈ આવતી પણ અંદર જવાની જ રજા ન હોય એનું શું કરવું? બીજે દિવસે નિશાળે જતી વખતે જ વિનોદ સાથે થઈ ગયો. એને જોયો, પણ હું કંઈ બોલ્યો નહીં. એ કહે, ‘મને માર ન પડે એટલે તું નથી બોલતો. પણ આપણે કોઈને કહેવાનું જ નહીં કે બોલીએ છીએ. ને ખબર પડશે તોય શું કરશે? બહુ બહુ તો મારશે એટલું જ ને?’ એણે ખિસ્સામાંથી બોર કાઢ્યાં લાલચટ્ટક. મારી સામે હાથ ધર્યો, એટલે બે-ત્રણ મેંય લીધાં. બોર ખાતાં ખાતાં વિનોદ કહે, ‘આજ નવલાનો વારો પાડી દઈએ! ઈ જિંગોડીનો ઘરે જઈને કહી આવ્યો’તો.’ અમે દડબડ દડબડ ચાલતા હતા ત્યાં સામેથી મા મળ્યાં; ગાયને ધણમાં મૂકીને આવતાં હશે. નેજવું કરીને અમને જોયા. અમે તરત જ બીજી શેરીમાં વળી ગયા. મેં જોયું કે વિનોદનો પગ થોડો ખેંચાતો હતો એટલે પૂછ્યું, ‘અલ્યા વિનિયા લૂલો કેમ ચાલે છે?’ પોતાની જાતથીય સંતાડતો હોય એમ બોલ્યો, ‘કંઈ નહીં…’ પણ એની ચાલ ધીમી થઈ ગઈ. મેં આગ્રહ કરીને એને પૂછ્યું, ‘વિનિયા, મને તો સાચી વાત કર...!’ ત્યારે માંડ બોલ્યો, ‘કાલે માર નહોતો પડ્યો? બાપુની પાટુ વાગી છે. જરાક માટે બચી ગયો…નહીંતર!’ એમ કહી એણે બેય હાથ બે પગ વચ્ચે દબાવ્યા. થોડી વાર અમે બંને ઊભા રહ્યા. મારો જીવ ઊડી ગયો. વિનોદને કંઈ થઈ ગયું હોત તો? અચાનક બાપુજીની બદલી થઈ અમે ગામ છોડ્યું પણ અપૈયો ન છોડ્યો. દર ભાદરવી અમાસે સુરધનદાદાને પાણી ચડાવવા ને નૈવેદ્ય કરવા ઘરના કોઈકે તો જવું જ પડે. હું તો ઘણાં વર્ષથી ગામમાં ગયો જ નથી, પણ જ્યારે જઈએ ત્યારે વહેલાં ઊઠવાનું. બા રેશમી કપડાં પહેરીને દાદાની લાપશી બનાવે. નાળિયેરનાં છોતરાં ઉતારવાનું કામ મારું. મને ઘણી વખત અપૈયાનાં છોતરે છોતરાં ઉતારી નાખવાનું મન થઈ આવે. તરત નડાકાકાનો ચહેરો યાદ આવે ને કમકમાં આવી જાય. હવે તો વિનોદેય ગામમાં નથી. એકલા નડાકાકા ને કાકીબા રહે છે. લાપશીનું તપેલું, પાણીનો લોટો, નાળિયેર, દીવો-અગરબત્તી બધું તૈયાર કરીને બા મને બૂમ મારે, ‘હાલો ભઈ! બધું તૈયાર છે’ પછી ‘હે દાદા! સૌનું સારું કરજે…!’ એમ બોલતી તપેલી ઉઠાવે. એની આગળ હું ડાબા હાથમાં પૂજાની થાળી ને જમણા હાથમાં પાણીનો લોટો લઈને ચાલું. લોટામાંથી ધીમે-ધીમે ધાર થતી જાય ને પાછળ પગલામાં પગલું દેતી બા લાજ કાઢીને આવે. અમે જઈએ એટલે કાકીબા બારણું ઉઘાડે. એ બાને કહે, ‘આવો મંગળા! ડાડાની જે…!’ એટલે બા બોલે, ‘દાદાની જે!’ હું મનમાં જય બોલવા જાઉં ને નજર પડે નડાકાકા ઉપર. એ એમના પીળા દાંત સાથે કાકીબાની પાછળ ઊભા હોય એટલે એમનું માત્ર માથું દેખાય. કશું પણ બોલ્યા વિના એ એકીટશે અમને જોયા કરે; હું એમની સામે જોયું ન જોયું કરું પણ અપૈયાનો આકાર દેખાયા વિના ન રહે. સીધો જ અંદર જાઉં, કાકીબા મંદિર ખોલી આપે. સામે ગોખલામાં સફેદ કપડું વીંટાળેલું એક નાળિયેર એટલે દાદા. ગોખલા ઉપર નાનાં નાનાં પાંચ નાળિયેરનું તોરણ, ત્રણ તો ચાંદીનાં છત્ર, નાળિયેર પાસે પાંચ સોપારી, ગોખલાની અંદરની દીવાલે બંને બાજુ સિંદૂરથી ચીતરેલું ત્રિશળ અને વચ્ચે એક-બે-ત્રણ-ચાર અને પાંચ એમ ચાંદલાનો ઢગ! અમે જઈને માથું નમાવીએ. બા બોલે, ‘હે દાદા! સૌનું સારું કરજે!’ પછી નાળિયેર અને સોપારી પર પાણીનો છંટકાવ કરવાનું મને કહે. એ થઈ ગયા પછી હું દીવો પેટાવું, અગરબત્તી કરું. નાળિયેરને વળગી રહેલી ચોટલી દીવાને અડાડું તે એ બળવા માંડે એટલે તરત જ હોલવી નાખું. પછી લાપશીની તપેલી વચ્ચોવચ મૂકીને એક જ ઘાએ નાળિયેર વધેરું. ચારે બાજુ પાણી ઊડે. પાણી એક વાટકામાં ઝીલી લઈને ટોપરાની પાંચ શેષ અલગ તારવીને દાદા સામે હારબંધ મૂકું. બાકીનું ટોપરું કાચલી સહિતી તપેલી પાસે મૂકી હાથમાં થોડું પાણી લઈ ધારાવાડી કરું. બે હાથ જોડીને પગે લાગવા જાઉં કે તરત એક લખલખું આવી જાય. મારી આંખો ભીની થઈ જાય. શરીર લગભગ ધ્રૂજવા માંડે એટલે બા મને પગે લાગીને બોલે, ‘હે દાદા, અમારો વંશ રાખજે ને સહુને સાજાં-નરવાં રાખજે!’ પછી મને પાણી પાતાં કહે, ‘હાલો બેટા! નિવેદ પહોંચી ગયાં...’ અમે નડાકાકા અને કાકીબાને પ્રસાદ ધરીએ એટલે એ આંખે અડકાડી લે ને થાળીમાં પાછો મૂકે. ફરી એક વાર ‘દાદાની જે!’ ને અમે બહાર. આવ્યાં હતાં એ જ રીતે જવાનું. ઘેર આવીને જમવાનું. અહીં રહેતાં ત્યારે તો નડાકાકાને ત્યાં આખું ઘર જતાં. એ વખતે નડાકાકા જે નજરથી જોતા રહેતા એમાં જરા પણ ફેર પડ્યો નથી. એમની નપાણિયા કૂવા જેવી આંખો સ્થિર થઈને અમને જોયા કરે. ક્યારેક કાકીબા લાચાર ચહેરે બોલી જાય, ‘મંગળા! આ બધું તો વડવાએ કરી મેલ્યું છે. આપડે ચ્યઆં જાણીયે શીયેં કંઈ? બાકી આપડે તો એક મગની જ બે ફાડ…!’ એમની પીડા મને ને બાને હલબલાવી મૂકે. બા પણ એટલી જ દુઃખી થઈને બોલે, ‘કાકીબા! આપણે તો પારકા ઘરેથી આવ્યાં ને સહુને પોતાનાંય કર્યાં પણ ગોળાના પાણીનોય અપૈયો હોય ત્યાં શું કરીએ? સહુની વચ્ચે દાદા છે. ઈ બધું જોવે છે...’ આટલું બોલતાંમાં તો બાની આંખો પાણી પાણી. મને થાય કે નડાકાકા આ બધું નહીં જોતા-સાંભળતા હોય? વિનોદનું ને મારું એક જ લોહી હોય તો એને માર શા માટે પડે? હું જ્યારે જ્યારે મારી બીજી ફાડ શોધવા ગયો છું ત્યારે ત્યારે નડાકાકાની આંખો અને માના મૂંડા સાથે અથડાઈને ભોંય પડ્યો છું. વિનોદને જોયાને તો કેટલાંય વર્ષો થઈ ગયાં. અત્યારે એ ક્યાં હશે એનીય ખબર નથી. છેલ્લે એને ક્યારે જોયો હતો? સાતમા ધોરણની પરીક્ષા પહેલાં જ અમે ગામ છોડેલું. હું પરીક્ષા આપવા ત્યાં ગયેલો. એ વખતે મળેલા. મને કહેતો હતો, ‘તું તો પાસ થઈ જઈશ પણ મારું ઠેકાણું નહીં!’ ‘તું મારા ઘરે આવી જા, આપણે સાથે વાંચશું’ એવું હું માની બીકે બોલી શકેલો નહીં. પરીક્ષાને છેલ્લે દિવસે નવલાને મારવાનું અમે નક્કી કરેલું. વિનોદ નવલાને જુએ કે તરત જ ગાળ દે. એટલે એ ગુસ્સે થાય ને કંઈ બોલે તો તરત જ ઝૂડી નાખવો. બેય જણ ભેગા થઈને એવો મારીએ કે ખૉ ભૂલી જાય. એક ગાળે ગુસ્સે ન થાય તો બીજી બે-ત્રણ જરા ‘ઊંચામાંયલી’ ચોપડાવવી, પણ એને મારવો જ એટલું નક્કી! પણ, નવલાને તાવે બચાવી લીધો. છેલ્લે દિવસે એ પરીક્ષા આપવા આવ્યો જ નહીં. આજે ઑફિસમાં ગયો તો મારા ટેબલ સામે કોઈ રાહ જોતું બેઠું હતું. જઈને ઊભો રહ્યો, કે તરત જ એ બોલી ઊઠ્યો, ‘ઓળખાણ પડે છે કે નહીં?’ એમ કહીને એણે મારા પેટ પર ધીમેથી મુક્કો માર્યો. હું તરત જ ઓળખી ગયો. ‘નવલો કે નહીં?’ એમ કહેતાં અમે બંને ભેટી પડ્યાં. ઘણી વાર સુધી એકબીજાને ગળગી રહ્યા. પછી એ ખુરશીમાં બેસતાં કહે, ‘સાલા! તું તો કંઈ બહુ જાડિયો થઈ ગયો છે ને!’ મેં હસતાં હસતાં કહ્યું, ‘હા, યાર નાનપણમાં તારા હાથનો માર બહુ ખાધો છે એટલે ફૂલતો જાઉં છું…’ અમે ખડખડ હસ્યા. મેં એને પૂછ્યું, ‘શું કરે છે તું? ક્યાં છે આજકાલ?’ ‘અહીં, હમણાં જ મારી ટ્રાન્સફર થઈ. આમ તો ત્રણ દિવસથી આવ્યો છું. પણ તને નિરાંતે મળવું હતું એટલે તરત ન આવ્યો!’ હું માની શકતો નથી કે આ નવલો આટલો બધો કેવી રીતે સુધરી ગયો? પણ, મારી સામે એ જ હતો. આખેઆખો નવલો! મેં પૂછ્યું, ‘નવલા, ગામ જાય છે કે નહીં ક્યારેય?’ ‘ક્યારેક જાઉં છું.’ એમ કહીને એ અટક્યો. મારા મનમાં હજી ગામ જ રમતું હતું; જાણે એ સિવાય મારે કશું જાણવું જ નહોતું. વળી મેં પૂછ્યું, ‘અલ્યા, તું ગામ જાય છે તો બધી વાત કરને! આપણે છોડ્યું હતું એવું જ છે કે બધું બદલાઈ ગયું?’ આટલું પૂછતો હતો ત્યાં જ પટાવાળો દેખાયો. મેં એને બે ચા તાત્કાલિક લાવવા કહ્યું ને નવલા સામે નજર માંડી. ‘ગામ? ગામ તો ઘણું બદલાઈ ગયું! ઘરે ઘરે ટ્રેક્ટર...પાણીનો બોર... નળ…બધું નવું!’ ‘આપણે ગોળ ગોળ ફરતા એ ચબૂતરો એવો જ છે કે એય નવો થઈ ગયો?’ ‘છે ને! બસ, એ એક જ એમનો એમ છે!’ મને થયું એકલો ચબૂતરો જ એવો ને એવો નથી રહ્યો, અપૈયો પણ હજી એમ જ છે અડીખમ, માની જેમ! મને વિચારે ચડી ગયેલો જોઈ નવલો કહે, ‘પણ યાર! હવે ગામમાં જવાનું મન નથી થતું. પટેલવાસમાં તો આપણને ઓળખતું હોય એવું કોઈ નથી રહ્યું, ને નવાં છોકરડાંઓને આપણે ઓળખીએ નહીં. હા, એક વાઘજીભા મિસ્ત્રી ખરા. જ્યારે જઈએ ત્યારે ચા પીધા વિના નીકળવા ન દે. જોકે એમનાં વહુ હવે ગાંડાં જેવાં થઈ ગયાં છે. મનમાં આવે તો સરસ વાતો કરે નહીંતર આપણી સામે જોયા કરે...’ નવલો બોલ્યે જતો હતો, પછી એણે દરબાર પાટીનાં એક-બે ઘર અને અમારાં ઠામ-ઠેકાણાં યાદ કર્યાં. પટાવાળાએ કપ-રકાબી ખખડાવ્યાં. બંનેની સામે ચા મૂકી. પહેલો ઘૂંટ ભરતાં જ મેં એને પૂછ્યું, ‘વિનોદના શું ખબર છે? ઘણાં વર્ષથી એને તો જોયો જ નથી.’ મને અચાનક યાદ આવ્યું ને બોલી ગયો. ‘નવલા! મારે તને આજે એક વાત કરવાની છે. સાતમા ધોરણની પરીક્ષા વખતે તું બચી ગયેલો, બાકી મેં અને વિનોદે તને બરાબરનો ઠમઠોરવાનું નક્કી કરેલું...’ મેં રકાબીમાં ચા કાઢતાં કહ્યું. નવલાએ મારા હાથમાંથી કપ લેતાં કહ્યું : ‘તને કંઈ ખબર નથી?’ ‘ના...કેમ શું થયું! નડાકાકા ગયા કે શું?’ એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ‘નડાકાકા તો એ રહ્યા...પણ વિનોદ...’ હું ખુરશીમાંથી ઊભો થઈ ગયો. ‘હેં તું શું વાત કરે છે? ન હોય... જરા સરખું બોલ!’ મારા ખભે હાથ મૂકીને મને બેસાડતાં નવલાએ કહ્યું, ‘જે થવાનું હતું તે થઈ ગયું...’ ‘નવલા! જે થવાનું હતું તે નહીં…ન થવાનું થયું! વિનોદ આમ અચાનક કેવી રીતે જઈ શકે?…’ કોઈ ક્યાંય સુધી કંઈ બોલ્યું નહીં. બધું સ્તબ્ધ! મેં ફરી નવલાને પૂછ્યું મને ખાતરી થતી નહોતી, ‘સાચું કહે છે નવલા?’ ‘હા, હા...વિનોદ...’ મેં ચા એના કપમાં પાછી રેડી ને એના ઉપર રકાબી ઢાંકી દીધી…