જાળિયું/સોનું (ગદ્યપર્વ : નવે. 1988)

From Ekatra Wiki
Revision as of 01:49, 15 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સોનું'

બસ ઊભી રહે ત્યાર પહેલાં તો મુસાફરોએ ચારે બાજુથી દોડવું શરૂ કરી દીધું. લોકો બારી પર લટકીને ફાવે તે સીટ પર પોતપોતાનો સામાન મૂકવા લાગ્યા. મને થયું હું બારી પાસે બેઠો ન હોત – તો ઠીક થાત. કેટલા લોકોનો સામાન અંદર લેવો? એય તે જાળવી-સાચવીને, ખાલી સીટોની ગણતરી કરીને પાછો ગોઠવવાનો પણ ખરો! મેં તે કંઈ ઠેકો લઈ રાખ્યો છે? જા...વ નથી લેતો કોઈનોય સામાન! તમારે જગા મેળવવી હોય તો મેળવો, નહીંતર પડો ભાડમાં! મારે માટે મુસાફરી કરો છો? શાંતિથી બેસી ગયો હાથ-પગ જોડીને. અચાનક કાચનો છલકાતો ગ્લાસ ડોકાયો. પાણીનો એક લબદો મારા પેન્ટ પર થપ્ કરતો પડ્યો. છોકરાને નજરથી ધમકાવી નાખ્યો, એ બીજી બસ બાજુ દોડી ગયો. ખિસ્સામાંથી રૂમાલ કાઢી પસીનો લૂછવા કરું ત્યાં એક પર્સ ઊંચું થયું. મેં અંદર બેઠે બેઠે સહેજ ગુસ્સાથી નીચે જોયું. દરવાજામાંથી આવવું હોય તો આવો. હું કોઈનીય જગા — એવું કંઈ પૂરું કરું ત્યાર પહેલાં જ જડબાતોડ જવાબ મળ્યો. તમને બેસવા મળ્યું એટલે હાંઉ થઈ ગયું? ક્યાંક જગ્યા હોય તો મારું પર્સ મૂકી રાખોને! મને હસવું આવી ગયું. ચક્કાજામ ગરદીમાંય ફૂલ ઊઘડી શકે છે એવો વિચાર આવ્યો ને ના ન કહી શક્યો. હાથ લંબાવીને પર્સ લઈ લીધું. આજુબાજુ તો બધાંની ચીજવસ્તુઓ ગોઠવીને મેં જ જગા રહેવા દીધી નહોતી. મારી બાજુની સીટ ખાલી રહી ગઈ હતી – એનું ભાન થયું. ત્યાં પર્સ રાખી એના પર હાથ મૂક્યો. બીજા હાથે બારી બંધ કરી દીધી.

સાંજ થવા આવી હતી પણ ગરમી ઓછી થતી નહોતી. પેલી યુવતીએ આવતાવેંત બગલથેલો ઉપરની છાજલીમાં જેમતેમ કરીને ઠાંસ્યો. ખોળામાં પર્સ લઈને ગોઠવાઈ ગઈ મારી જમણી બાજુએ. કોઈએ ધીમેથી ઠુસકી મૂકી ને આખી બસ જાણે દુર્ગંધથી ફાટી પડશે એવું લાગ્યું. હું બારી ખોલું એ પહેલાં એનો ડાબો હાથ લગભગ મારા મોં પર આવે એવી રીતે લંબાયો. તમને ગરમી નથી થતી? એમ પૂછતાં એણે બારી ખોલી નાખી. યૌવનમિશ્રિત સૌંદર્યની સુગંધ મને છલકાવી ગઈ. ગરમી તો મને ગામ આખ્ખાની થાય છે, પણ બીજાં બે-ચાર પર્સ લંબાય તો શું કરવું? એ હસી પડી. આભાર માનીને જરા મોકળાશથી બેઠી. હું થોડો બારી તરફ ખસ્યો. નજર બહાર લંબાવી. અંધારું ઠીક થવા આવ્યું હતું. આછાં આછાં વૃક્ષો દોડી રહ્યાં હતાં. બારીમાંથી બહાર જોવાની આવે મજા, પણ છેલ્લા કેટલાય સમયથી મુસાફરી કરતા રહેવાને કારણે હું બારી બહારનાં આશ્ચર્યોથી ખૂબ પરિચિત થઈ ગયો હતો. દોડતાં વૃક્ષો, ઘેટાં-બકરાં ચરાવતા ભરવાડો, ટ્રાફિક જામ, વચ્ચે વચ્ચે આવતાં નદી-નાળાં, નાની નાની દેરીઓ અને લાલ-ધોળી ધજાઓ! એક ધારાપણામાં મને કશો રસ નહોતો.

અત્યારે બહાર જોવાની મજા એટલે પડી કે બહાર દરિયો હોય એવું મેં ક્ષણેક અનુભવ્યું. કાચની ઉપરનો ભાગ આંખને કઠે એવા રંગે રંગાયેલો હતો. એની નીચેનો ભાગ સ્વાભાવિક જ પારદર્શક હતો. સહેજ ઊંચું મોં રાખીને જોતાં દૃશ્ય બરાબર અર્ધું થઈ જતું હતું. બહાર અંધકાર પણ નહીં ને ઉજાસ પણ નહીં. મોડી સાંજેય ભળભાંખળા જેવું લાગતું હતું. એને લીધે દરિયાનો આભાસ રચાતો થયો. પુરપાટ જતી બસ ડાબી બાજુએ એટલી જ ઝડપથી ટર્ન થઈ ને મારી બાજુમાં કોઈ બેઠું છે એનો ખ્યાલ આવ્યો. હું થોડો સંકોચાયો બારી તરફ ખસ્યો.

મોડી સાંજ, ભળભાંખળું, દરિયો, નીચેની સપાટ જમીન અને બારીનો એક કાચ – આ બધાંએ ભેગાં થઈને એક માયાવી સૃષ્ટિ રચી આપી. મારી બાજુમાં બેઠેલી યુવતી હવે કોઈ અજાણી યુવતી નથી, સુજાતા છે. સુજાતાની સાથે મેં કરી છે એટલી મુસાફરી કદાચ કોઈનીય સાથે નથી કરી. હા, એને મુસાફરી જ કહેવાય, પ્રવાસ નહીં. સુજાતા સહપ્રવાસી હોત તો આજે પણ મારી સાથે ન હોત? વધુ સંકોચાવું શક્ય નહોતું. પેલી યુવતીને મારું શરીર અડે તો ભલે અડે. હું થોડી વધુ જગામાં બેઠો. મને હતું કે એ હમણાં ભડકીને સહેજ અળગી થશે, પણ એ તો બહારના વાતાવરણની જેમ જાગામીઠાંમાં હતી. તંદ્રામાં હોઈએ ત્યારે આવો સ્પર્શ રોમેરોમે પાંદડાં ઉગાડી આપે એમ સુજાતા કહેતી ને હું એની વધુ નજીક ખસ્યે જતો હતો. જોકે ત્યારે શિયાળો હતો એથી સોનામાં સુગંધ? નહીં, સુગંધમાં સોનું હોય એવું લાગતું! મેં સુજાતાને એકથી વધુ વખત પૂછેલું : સુજુ! હું કેવો લાગું છું? એનો હંમેશા એક જ જવાબ હોય – સોના જેવો! એને મન સોનું એ દુનિયાની ઉત્તમ ચીજ!

– પણ સોનું તો નપુંસક લિંગ કહેવાય ને?

– એટલેસ્તો કહું છું! કહેતાં કહેતાં તો એ એટલી ખુશ થઈ ગઈ કે તાળીઓ પાડવા મચી પડી! ત્યારે બસના તમામ મુસાફરોનું ધ્યાન અમારી તરફ, ને એ ચૂપ–

– સાલ્લી, તને તો નિરાંતે – મેં ઊંડો શ્વાસ લઈ એની સામે નજર માંડી, આંખ મીંચકારી અને એનો હાથ મારી સાથળ ઉપર બસની ગતિએ, પાણીના રેલાની જેમ મૂકી દીધો હતો. સાથળ ઉપર હાથ ગયો ને ભીનું લાગ્યું. ચોંકી ગયો. ધ્રુજારી જેવું થઈ ગયું, પણ પછી યાદ આવ્યું : પેલા છોકરાએ પાણીના ગ્લાસથી આબાદ નિશાન લીધું હતું! – તારે તો બધુંય સરખું, નિરાંત મળે ને તોય– – તોય શું? – તારું ખાતું જ ચોથા માળના નળ જેવું, પાણી થોડું ને ફુત્કાર ઝાઝો! વળી પાછી ખડખડાટ હસી પડી. પણ તરત જ એની બધી તાકાત ડાબા હાથમાં આવી ગઈ. એની મુઠ્ઠી વળી ને નાળિયેરની ચોટલી ખેંચાય એમ સાથળના વાળ ખેંચાયા. સિસકાર નીકળી ગયો. કહેવાય છે કે આવે વખતે સ્ત્રીની તાકાતને પડકારાય નહીં. એટલે બોલ સુજુ! હવે કેવો લાગું છું? એવો પ્રશ્નને હું અંદર ગળી ગયો. હજુ તો સાડા પાંચ-છ કલાકની મુસાફરી બાકી હતી. મેં ઊભા થઈ બૅગમાંથી ‘મંઝિલ’ કાઢ્યું. ખાસ કશું પામવાલાયક એમાં હતું નહીં. સમય પસાર કરવા જ આમતેમ પાનાં ફેરવવા માંડ્યા, ત્યાં તો ઝીણી લાલ સિવાયની તમામ બત્તીઓ બંધ! મેગેઝિનનું ભૂંગળું વાળીને બાજુમાં રાખી દીધું. બંને હાથ લટકતા રાખીને થાક્યો હતો. અદબ વાળીને બેઠો. આખા શરીરે ઝણઝણાટી રાતી કીડીઓની જેમ ફરી વળી. પેલી યુવતી લગભગ મારા ઉપર ઢળી હતી. થોડી વારે માથું પણ ખભા પર! એના પુષ્ટ સ્તનને મારો હાથ સ્પર્શતો હતો. પળવારમાં તો એણે વિશેષ અનુકૂળતા કરી આપી હોય એવું લાગ્યું. લમણામાં ઝણઝણાટી વધે ત્યાર પહેલાં મારે ખસી જવું જોઈએ. ખસવા ગયો તો એણે હાથ પકડી ખેંચી રાખ્યો. આ ટેવ સુજાતાની હતી. જ્યારે જ્યારે એનાથી દૂર ગયો છું, એણે મને નજીક ખેંચ્યો છે; નજીક ગયો છું ત્યારે એવો તો ફેંકી દીધો છે કે–

સુજાતાના વિચારે મને અત્યારેય દૂર ખસવા ન દીધો. મનને બીજે પરોવવા મેં બારી બહાર જોયું. કશું જ ન દેખાયું એટલે સામે જોયું. ‘ધૂમ્રપાન કરવાની સખ્ત મનાઈ છે’ લખ્યું હતું. મને સિગારેટ પીવાની ઇચ્છા થઈ. ખિસ્સાં ફંફોસી જોયાં. નહોતી, એક પણ નહોતી. થોડી વાર પહેલાં બંધ કરેલી બારી ખોલી, સિગારેટનો કશ છોડતો હોઉં એમ શ્વાસ છોડ્યો અને ધુમાડો નાક પાસેથી જતો સૂંઘ્યો! વાસ ન ગમી. પડખેની યુવતીએ હાથ લંબાવીને અચાનક બારી ખોલી તે વખતે આવેલી એના શરીરની મહેક યાદ આવી ગઈ. સિગારેટની ઇચ્છા મરી પરવારી.

પણે સામેના શહેરની દીવાબત્તીઓ દેખાતી હતી. બસ હમણાં ત્યાં પહોંચી જશે. એ શહેરના બસસ્ટેન્ડ પર આ યુવતી ઊતરી જશે તો? તો કશું નહીં. જગતમાં કોઈનોય સંગાથ ટકે તોય ક્યાં સુધી? આવી ડાહી ડાહી વાતો જાણવા છતાં આ યુવતી સામેના શહેરની ભાગોળે ઊતરી જશે એવો ખ્યાલ આવતાં જ વિચ્છેદનો ઉકરાંટો પ્રસરી ગયો. એણે ટિકિટ ક્યાંની લીધી હતી? યાદ કરવા મથામણ કરી જોઈ. ગામનું નામ સાવ ધ્યાન બહાર જ ગયેલું. મારી આંખો સામે એણે લાંબી-કૂણી પીપળની કૂંપળ જેવી આંગળીઓથી પર્સ ખોલીને વીસની કડકડતી નોટ કંડક્ટરને આપેલી એ દૃશ્ય ઊપસી આવ્યું. સામે શહેરે તો એને નહીં જ ઊતરવું હોય! નહીંતર જાગી ન જાય? જોને પેલા કાકા થેલીને ગાંઠ લગાવી ક્યારનાય તૈયાર થઈ બેઠા છે!

મારો હાથ વધુ ને વધુ પણ નિશ્ચિત ગતિએ ફરી રહ્યો હતો. અચાનક બેક વાગી. મારી બાજુમાંનું મેગેઝિન નીચે સરકી પડ્યું. યુવતી પ્રગટ રીતે જાગી ગઈ. મેં નીચે નમીને મેગેઝિનને ફરી ગોઠવી દીધું. અમે એકનજર થયાં. હમણાં જ ગ્રહણમુક્ત થયેલા ચંદ્રના ચિત્ર જેવા એના મુખ ઉપર કોઈ ભાવ વંચાતો નહોતો. વાત કરવાની ઇચ્છા થઈ પણ હિંમત ન ચાલી. મારું મોં ક્યારનુંય બંધ હતું. એમાં ધુમ્મસ ભરાઈ ગયું હોય એવું લાગ્યું, એટલે ચારે બાજુ જીભ ફેરવી બગાસું ખાતો હોઉં એમ મોં ખોલ્યું તો જડબામાં એક કટાકો બોલી ગયો!

બસ નજીવો ઢાળ ચઢી રહી હતી, પણ મને કોઈ પહાડ પર જતો હોઉં એવું લાગ્યું. થયું કે હું પહાડની ટોચ પર છું. બાજુમાં નજરફેર નાનો બીજો પહાડ છે. ઘડીભર ટોચ પરથી ઊતરીને બંને પહાડ વચ્ચેથી પસાર થતી ઊંડી કેડી પર દોડી જવાનું મન થઈ આવ્યું. કેડી છેક તળેટીમાં ઊંડે સુધી જતી હતી. કદાચ છે ને તળેટીમાં મેળો જામ્યો હોય! સુજાતાને મેળામાં જવું ગમતું, પણ એ ક્યારેય ગગન-ચગડોળમાં ન બેસે. મેં એક વખત પૂછેલું– – ચગડોળમાં બેસવાની ના કેમ પાડે છે? – બીક લાગે છે! – એક વાર તો તું કહેતી હતી કે હું સિંહથી ના બીઉં, શિયાળથી ના બીઉં– – હા, પણ ટાઢાં ટબૂકલાંથી તો બીઉં જ ને? – ચગડોળ એ કંઈ ટાઢું ટબૂકલું તો નથી, સુજુ! મેં એની બીક મટાડવા ઉમેર્યું – તને ખબર છે ટાઢું ટબૂકલું એટલે– – હા, હા હવે બધી ખબર છે! તું ગમે તેમ કરીશ તોય હું ચગડોળમાં નહીં તે નહીં જ બેસું. તને શું ખબર હોય ચગડોળ નીચે ઊતરે ત્યારે શું થાય એની? પછી પોતે જ હાથની પાંચેય આંગળીઓ ભેગી-છૂટી કરીને કહે – પેટમાં આમ-આમ કેવું થાય! મેં એના પેટ પર હળવી ટપલી મારી કહેલું – સુજુ! એવું એવું થાય એટલા માટે તો એમાં બેસવાનું હોય છે! – પણ તોય, જા, હું નહીં જ બેસું. મને તો હોડીમાં બેસવું ગમે, પાણી સરકે ને થાય કે આપણી અંદરેય કંઈક સુંવાળું સુંવાળું સરકે છે, સર...સર... સર! ચગડોળમાં તો બાપ રે જીવ નીકળી જશે એવું લાગે! – અત્યારે તો તારી જીભ બહાર નીકળી ગઈ છે! ને એ ખડખડાટ હસી પડી. એના મોં પર ફૂંક મારીને આગળ આવી ગયેલી લટને મેં સરખી કરી– – બોલ, ક્યારે વેરાવળ જવું છે? – વેરાવળ? શું કામ? – ભૂલી ગઈ આટલી વારમાં? ત્યાંની હોડીઓ તારી રાહ જોતી હશે. વિચારમાં ને વિચારમાં મારી નજર બારી બહાર ગઈ. હવે બારી બહાર જોવાની મજા પડી, ચોમેર જાણે કે દરિયો ઘૂઘવતો હતો. બસ એ બસ નહીં, હોડી… હોડીમાં અમે બેઠાં હતાં. અમે એટલે કોણ? આ યુવતીની આંખો અને ઉરપ્રદેશ સુજાતાને ભૂલવા ન દે એવાં હતાં. પણ આનું નામ શું? સુજાતા તો નહીં જ હોય. એની સાથે વાતો કરવાની ઇચ્છાએ જોર પકડ્યું. હું અને સુજાતા ઘણી વાર માત્ર વાતો કરતાં. કેમ જાણે મારી નજર એના પર્સ પર પડી. લાગલો જ સવાલ કર્યો : તમારી પાસે બગલથેલો તો હતો, જગા રાખવા કોઈને થેલો અપાય કે પર્સ? કુદરતે મને હથેળી અને આંગળીઓ ઉપરાંત જીભ પણ આપી છે એવું બસમાં બેઠાં પછી એણે પહેલી વાર અનુભવ્યું હશે. તરત તો જવાબ ન આપી શકી, પછી ધીમેથી ગળું ખોંખારીને– – પર્સ કરતાં થેલામાં વધારે જોખમ હતું. ઓછું જોખમી હોય એ જ અપાય ને? હું બોલતાં બોલી ગયો આમ તો તમે ત્રણેય જોખમી જ છો – પણ પછી થયું કે આવું નહોતું કહેવું જોઈતું. – તમે પુરુષો સ્ત્રીને કાયમ જોખમ જ સમજો છો, પણ એને જોખમની નાજુકાઈથી જાળવી શકો છો ખરા? – કેમ એમ કહો છો? હું જરા ગંભીર બની ગયો. – હું તો મારા અનુભવે કહું છું. તમને લોકોને મનગમતું મળે તો રાજીના રેડ. ને સ્ત્રીએ જરાક આશા રાખી નથી કે તમારું વામનપણું છતું થયું નથી! સાચું કહું છું જોખમ ખેડતી વખતે પુરુષ ખાય છે એટલો માર કદાચ સ્ત્રીઓ નથી ખાતી! – બોલતાં જ એણે ઊભાં થઈ થેલો ઉતાર્યો, મને આપ્યો અધિકારપૂર્વક! પરિચયની દીપમાળા પ્રગટે એની રાહ જોવાની કદાચ અમને ધીરજ નહોતી રહી. એ પૂરી સ્વસ્થતાથી બોલી – હું આ ગામમાં જ રહું છું, મારી મા સાથે – એણે મેગેઝિનના પાછલા પૂંઠા પર નામ-સરનામું લખી આપ્યાં. તમે જરૂર આવજો, ભૂલી ન જતા. તમારી વાટ જોઈશ! એણે આંખો ભરી ભરીને મને જોઈ લીધો. – આવીશ, જરૂર આવીશ. પણ ઘેર તમારાં બાને લીધે– – કશો વાંધો નહીં! એના મનની સ્થિતિ આખા શરીરની લચકે પ્રગટ કરી. – અત્યારે ક્યાંથી આવ્યા? ક્યાંય સર્વિસ– – મારા પ્રશ્નની સાથે જ એના ચહેરા પર મગરૂરી ને બેફિકરાઈ ધસી આવ્યાં. – મારા વર પાસેથી આવી! આજે ને આજે ફારગતી લઈ લીધી. મને એની વાતમાં વિશ્વાસ ન બેઠો, વાતને જરા હળવાશથી લીધી – પણ તું તો પરણેલી લાગતી જ નથી! મેં સહજ રીતે જ એને તું કહીને સંબોધી. – તો કેવી લાગું છું? એની આંખો નાચી ઊઠી. – અનાઘ્રાત પુષ્પ જેવી. સમજ્યા વગર ખુશ થઈ હોય એવું ન લાગ્યું. પહેલાં મારી સામે ને પછી પોતાની છાતી પર નજર નાંખીને બોલી – સાચું કહું છું આજે જ ફારગતી લીધી. મને સુજાતા સાથેના છૂટાછેડાની વાત યાદ આવી ગઈ. – પણ એમ કેમ બાજી સંકેલવી પડી? – મારો વાલીડો! સાવ કથીર નીકળ્યો. પુરુષ ગણાય એટલું જ, બાકી વાતમાં કંઈ નહીં! એની સાથે જિંદગી કેમ કરીને– હું ચૂપ થઈ ગયો. એણે મારો હાથ પકડીને એને ઘેર આવવાનો ફરી આગ્રહ કર્યો. મને બાઝી પડવાનું જ બાકી રાખ્યું હતું. એકદમ ઉશ્કેરી મૂકવાના ઇરાદે મેં કહ્યું– – મારા જેવા સામાન્ય માણસને મળવાનો આટલો આગ્રહ શીદ? – જાવ જાવ હવે, તમે કંઈ સામાન્ય નથી લાગતા – કહીને કમરમાં ચૂંટી ખણી ને નજરથી માપતી હોય એમ જોઈ રહી. – તો કેવો લાગું છું? મેં એની સાથે ખભો અથડાવ્યો. – કહું? સોના જેવો! બસ આંચકા સાથે ઊભી રહી. હું એક-બે ધબકારા ચૂકી ગયો. મારી પાસેથી થેલો લઈને એણે ખર્ભે લટકાવ્યો. હાથમાં પર્સ લઈને પાછું વળી-વળીને જોતી ચાલી ગઈ. દેખાઈ ત્યાં સુધી એની પીઠ મેં જોયા કરી.

મારા હોઠે શબ્દો આવી ગયા–

પણ સોનું તો નપુંસક લિંગ–