ટોળાં અવાજ ઘોઘાટ/૩ -પુત્તમતાય પુત્તાજી

૩ -પુત્તમતાય પુત્તાજી

પૃથ્વી ઠરી હશે
અનુકૂળ હશે બધી કન્ડિશન્સ
વન્સ
ત્યારે થયો હશે ચમત્કાર, આકસ્મિક, સર્વ પ્રથમ, આ પૃથ્વી પર
સર સર આદિ જીવનો,
ના નહીં શિવનો,
આદિ આદિ સર્વ પ્રથમ જીવનો.
પછી અતિશય લાંબા લાંબા કાલક્રમે ઇવનો.
સિમ્પ્લેસ્ટ લિવિંગ ઓર્ગેનિઝમ
ઝમઝમ એમાંથી કેટલું બધું ઝમ્યું છે!
મમ મમથી માંડીને
અનેક કંઈ ઈઝમ્સ
સંગીતના રિધમ્સ
આ કંઈ વિરહના ગમ
ને તું મારી ચમચમ
ને મોટરનું પમપમ
ને મશીનોનું ધમધમ
ને લેફટરાઈટ ઘમઘમ
આ જિન, વ્હિસ્કી ને રમ
નાતજાતના ક્રમ
અવકાશી વિક્રમ
ભૂત-બૂત ઈશ્વર-ફ્રિશ્વરના ભાતીગળ ભ્રમ
મૂળે તો એક સિમ્પ્લેસ્ટ લિવિંગ ઓર્ગેનિઝમ
આ હું એક જણ
જેનુ વજન લગભગ સવાચાર મણ
ઉપર હશે કદાચ કિલો બે ત્રણ
અને આ કાન કને કરે ગણ ગણ
તે મચ્છર, માત્ર મથી રહ્યા છીએ જીવવા.
સતત બધું તળે-ઉપર તપાસી રહ્યો છે માણસ
જેણે શોધ્યાં છે ફાનસ કાનસ
દીવા-બત્તી
તમાકુની પત્તી
જે તપાસી રહ્યો છે મગજના અતિ સૂક્ષ્મ જ્ઞાનતંતુકોષને
પણ અંત નથી એના સંતોષને.
આદિમ જીવ વિષે, વ્હેન અને હાઉ વિષે
મથી મથી આપ્યાં છે જે તારણો
‘પ્લોઝિબલ’ કારણો
સરિયામ શ્રમનાં સારણો
એ બધાં સેલ બાયેાલોજીનાં ભારણો
અરેરે શું મારે માટે તો એ નર્યો ગંજ કાટમાળનો ?
ફાઇવ થાઉઝન્ડ ઈન્ટુ ટેન રેઈઝ ટૂ સિક્સ-ની
કાળભરી ફાળનો
અને થોડાં હજાર વર્ષ પછી સર્વ પ્રથમ અસ્તિત્વમાં આવેલા, આકસ્મિક,
માતૃપિતૃહીન ફર્સ્ટ લિવિંગ ઓર્ગેનિઝમ—બાળનો
કોઇ નહીં અર્થ ?
વ્હાય-ના અંકુશમાં ચીરાતી ચેતના સાથે
વાટે-ઘાટે-શા માટે-નો
જવાબ જે મળતો તે તો છે : ઇન્ડીવિડ્યુઅલ્સ ક્રેડો
જીવનભર છો તત્ત્વજ્ઞાનથી લચી પડેલો આંબો વેડો;
કાંખ મહીં ઈઝમનું કો’ કુરકુરિયું તેડો
કે સ્ટ્યુપિડ દોદળી, સંવાદિતાની સાધનાની, સિતાર છેડો
કે જ્ઞાન-ગધાડે બેસીને ઠપકારો પગનો એડો
ધમ ધમ છો ઊતરે આ લેડો
તત્ત્વલોહની, સત્ત્વલોહની, કળાલોહની, બળાલોહની
માત્ર નર્યો આ ગંજ :
તત્ત્વગંજ આ, સત્ત્વગંજ આ, કળાગંજ આ, બળાગંજ આ.
સ્ટ્યુપિડ છે
આ સતત શોધવું, સતત બોધવું, સતત રોધવું, સતત નોંધવું.
ને સતત ક્રોધવું આમ
કે રઘુપતિ રાઘવ રાજારામ
કે દુ:ખનિવારણ બામ
કે મુરલીધર ઘનશ્યામ
આ અર્થહીન વ્યર્થ મનુષ્યનો
કાલક્ષેપ છે.
છો હજુ માણસ ‘એપ’ છે,
છો હજુ માણસ ‘રેપ’ કરે છે
વાળના વિવિધ ‘શેપ’ કરે છે
લચકીલા સુંવાળા વાળ કે આકાશી પાળ
કે મા સમાણી ગાળ અર્થાત્ નવરાત્રિના ઢાળ
કે આકાશચુંબી ઈમારતના માળ
અને હૈયે પડતી ફાળ !
જેવી પડી હશે મારા આદિમ જીવને ફર્સ્ટ લિવિંગ ઓર્ગેનિઝમ-ને;
અને છતાં સજીવ છે એની આજ લગણ નાળ
વિથ ઓરિજિનલ ફાળ
ચણ્યા કરે છે ચક્રમ કેવો ઊંચા ઊંચા માળ !
મેંસુબ જોઈ, મરઘી જોઈ, પયોધરોના ચૂચુક જોઈ લળકાવે છે લાળ.
આકાશે જઈ અડે અને દરિયામાં ઊંડે ઊતરે
એક ટીકડી ગળીને ગણપત હાથી જેવું મૂતરે
એવો આદિમ જીવનો સૂત રે
રચ્યા કરે છે બૂત રે
ને કર્યા કરે ના-બૂત રે
ગણિત જેવાં અગણિત એનાં તૂત રે
આજ લગણ આ જીવી ગયેલો એકકોષીનો અનેકકોષી પૂત રે.
નીતિ-ફીતિ લજજા-ફજજાના નીવી-બંધને છોડી
આ ઉપસી આવે છે પ્રાસ પૂત-ના અનુપ્રાસમાં ચ-કારમાં તે
અર્થહીન કાવ્યાલેખનના અનેકકોષી સજીવ સંકુલ શબ્દત્રાસમાં
શોધુ છું હું—
કુળ મારું ક્યાં છે રે ?
ક્યાં છે મારું મૂળ ?
ત્રિશૂલ લઈને ખોદું છું હું સજીવ ધાતુ ધૂળ રે.
વ્હાય, બધી આ અડાબીડ અઠલંતર એવી જટાજાળ જીવનની ?
વ્હાય, તમે જન્મ્યા ઓ મારા આદિમ જીવ?
અને પછી આ લઘર-વઘર ભ્રાન્તિઓ નામે શિવ-ફિવ ?
ને પ્રાસમહીં તું આવે લિવ —
લિવ ઉલ્માન રે
ખાયે સૈયાં મૂકી ગલોફે નાગરવેલનું પાન રે
સૂઝે ન લા.ઠા. કાંઈ તો ગાવાં ગીત-ગઝલનાં ગાન રે
તેમ છતાં આ સતત સળગતી જ્યોતિ નામે ‘ભાન’ રે
શીદ નારી તું ધર્યાં કરે છે અર્થહીન ઓધાન રે
તું પીડાને ધારણ કરતી તું પીડાને પ્રસવે
સતત સંતતી સાતત્યોથી ક્યાં પૂગવું છે હવે ?
આદિની ના જાણ, જાણ ના અંત લગીની
વ્યક્ત મધ્યની વાત નિરર્થક સંત લગીની.
આદિમ તારું મૂળ મળે ના, એ પુત્તમતાય પુત્તાજી
અને એની આ સતત શૂળ, છેદન-ભેદન કાણ્ડ, કરડતા કુત્તાજી.
ન માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિત્
ફૂટ-શું પણ એકાદુ યે ઇંચિત્
કેમ જે તું સભાન છે કે તું પુત્તમતાય પુત્તા છે.
(નવેમ્બર : ૧૯૮૦)