દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૩. ચડતી પડતી વિષે

Revision as of 10:24, 21 April 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૩. ચડતી પડતી વિષે

સરખી સ્થિતિ સદૈવ દુનિયાની દીસે નહિ,
ઉતરે ચડે અસલનોજ એવો ઢાળ છે;
એક સમે મરદની મુછે રહી માન પામે,
એક સમે તે જ તુચ્છ થાય તૂટ્યા વાળ છે;
એક સમે ગલીચીમાં રહી નીર ગંદુ થાય,
એક સમે એ જ મિષ્ટ થાય મેઘમાળ છે;
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
દિવસે આકાશ એ જ રાત્રિએ પાતાળ છે.