દલપત પઢિયારની કવિતા/કવિતા મને ગમે છે!

કવિતા મને ગમે છે!

કવિતા મને ગમે છે.
જાત જ્યાં મારી, મને નિતારી ઝીણું ઝીણું ઝમે છે!

કવિતા મારું ઘર ને શબ્દ મારો ઊતારો!
અક્ષર કેરી અટારીએથી ખેલું બાવન બા’રો!
પરા કશું ના પહેરેઓઢે, પશ્યન્તિ પડદે જઈ પોઢે
ઘાટ મધ્યમા ઘડે, ચાકડે ચડે વૈખરી
લાડેકોડે છાલકછોળે લાગટ ઊઠે-શમે છે!

ગોરખ, કબીર, નરસિંહ, મીરાં અને આપણો અખો,
લોયલ, તોરલ, દાળલ, રૂપાંદે, ડાલી, ગંગાસતી
આગળ – રવિભાણ આદિ ને યાદી મારા સુધી લખો!
ઝળહળ વાણી ગગન ઝળુંબે, નવલખ તારા લૂમેઝૂમે,
ચાંદોસૂરજ તેજ પીવે ને,
આખેઆખી કોઢ શબ્દની કેવી ધમધમે છે!

શું કામ હું બીજે મંદિર જાઉં કે બીજે જળ ચડાવું?
શાને પેટાવું બીજો દીવો? શીદ બીજે શિષ નમાવું?
શબ્દ દેવળ, શબ્દ દીવો, શબ્દ આરતી-સંધ્યા-ધૂપ,
ક્ષર-અક્ષર શું? અજર અમર શું?
ચર-અચર કે અવર કશું શું?
સાહેબ શબ્દસ્વરૂપ અરૂપી રીત રમે છે!